શાહિદે ‘ઇશ્ક વિશ્ક’ ફિલ્મથી બૉલીવુડમાં શરૂઆત કરી હતી.
શાહિદ કપૂર
શાહિદ કપૂરે જણાવ્યું છે કે જો કોઈ ઇન્ડસ્ટ્રીની બહારથી આવે તો લોકોને ખૂબ તકલીફ થાય છે. સાથે જ તેને બૉલીવુડમાં ચાલતા કૅમ્પથી પણ નફરત છે. શાહિદે ‘ઇશ્ક વિશ્ક’ ફિલ્મથી બૉલીવુડમાં શરૂઆત કરી હતી. એ પહેલાં તે મ્યુઝિક વિડિયો ‘આંખોં મેં તેરા હી ચહેરા’માં જોવા મળ્યો હતો. બૉલીવુડ અને પોતાના બાળપણના દિવસો વિશે નેહા ધુપિયાના શો ‘નો ફિલ્ટર નેહા’માં શાહિદે કહ્યું કે ‘હું કૅમ્પમાં માનનારો માણસ નથી. હું દિલ્હીનો છું. હું મુંબઈમાં આવ્યો અને મારા ક્લાસમાં મારો સ્વીકાર નહોતો થયો. હું બહારથી આવ્યો હોવાથી મારી બોલવાની રીત અલગ હતી. હું દિલ્હીની સ્ટાઇલમાં બોલતો હતો. ઘણા સમય સુધી મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હતું. અમે ભાડાના મકાનમાં રહેતા હતા. એથી દર અગિયાર મહિનામાં અમારે ઘર શિફ્ટ કરવાનું હતું. હું નવા બિલ્ડિંગમાં રહેવા જતો અને જે લોકો મને નથી ઓળખતા તેમને ફ્રેન્ડ્સ બનાવતો હતો. હું શ્યામક દાવરના ડાન્સ ક્લાસમાં જોડાયો અને કૉલેજમાં ફાઇનલી મારો સ્વીકાર થયો. મારું પોતાનું ગ્રુપ હતું અને હું ઍક્ટર બની ગયો.
હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે મને એહસાસ થયો કે આ પણ એક સ્કૂલ જેવું છે. બહારથી આવનારનો અહીંના લોકો સ્વીકાર નથી કરતા. તેમને ખૂબ પ્રૉબ્લેમ થાય છે કે તું અંદર કઈ રીતે આવી ગયો. અનેક વર્ષો સુધી આવી બાબતોનો સામનો કરવો પડે છે. બૉલીવુડના કૅમ્પ મને પસંદ નથી. મારું એવું માનવું છે કે જે લોકોને ક્રીએટિવલી એકબીજા સાથે જોડાવું હોય તો તેમણે સાથે કામ કરવું જોઈએ. લોકોને એકબીજા સાથે કામ કરવાનું ફાવતું હોય તો તેમણે સાથે કામ કરવું જોઈએ. જોકે એનો અર્થ જરાય એવો નથી કે તમે કોઈને અપમાનિત કરો અથવા કોઈને નીચા દેખાડો અથવા તો અન્ય લોકો માટે દરવાજા બંધ કરી દો. મને એવું લાગે છે કે આ જ વસ્તુ આ ફ્રૅટર્નિટીમાં થાય છે. મને કોઈ પરેશાન કરે એ પસંદ નથી. મારામાં કિડ તરીકે, ટીનેજર અને યંગ ઍડલ્ટ તરીકે કૉન્ફિડન્સનો અભાવ હતો પરંતુ હવે જો કોઈ મને હેરાન કરશે તો હું સામે વળતો જવાબ આપીશ. મને પજવણીથી નફરત છે. હું પરેશાનીને જ હેરાન કરીશ. આ નો ફિલ્ટર શાહિદ છે.’