આ બન્ને પ્રેમીઓ નજીકના ભવિષ્યમાં લિવ-ઇનમાં રહેવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવાની ચર્ચા.
સમન્થા રુથ પ્રભુ અને ડિરેક્ટર રાજ નિદિમોરુ
સમન્થા રુથ પ્રભુ અને ડિરેક્ટર રાજ નિદિમોરુના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો મુદ્દો બન્યા છે. આ જોડી છેલ્લે તિરુપતિ બાલાજીના મંદિરમાં સજોડે દર્શન કરતી જોવા મળી હતી અને સમન્થાની લેટેસ્ટ સોશ્યલ મીડિયા પોસ્ટે જાણે બોલ્યા વગર તેમની રિલેશનશિપ કન્ફર્મ કરી દીધી છે. સમન્થા હવે ‘શુભમ’ નામની ફિલ્મથી પ્રોડ્યુસર તરીકેની પોતાની ઇનિંગ્સની શરૂઆત કરી રહી છે. સમન્થાએ ફિલ્મને મળેલા શાનદાર પ્રતિસાદ માટે ચાહકોનો આભાર માનીને સોશ્યલ મીડિયામાં કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી અને એમાં તેની અને રાજની એક તસવીર તેમની નિકટતાના પુરાવા સમાન હતી. આ તસવીરમાં સમન્થા રાજના ખભા પર માથું ટેકવીને ફ્લાઇટમાં આરામથી સેલ્ફી લેતી જોવા મળે છે. આ ફોટોને કારણે તેમની રિલેશનશિપ ફરીથી ચર્ચાનો મુદ્દો બની છે.
સમન્થા અને રાજ નિદિમોરુનો પ્રોફેશનલ સંબંધ ‘ધ ફૅમિલી મૅન’ની સીઝન-2થી શરૂ થયો હતો. તેઓ ‘સિટાડેલ : હની બની’ના ભારતીય વર્ઝન માટે એક થયાં અને ભવિષ્યમાં તેઓ ‘રક્ત બ્રહ્માંડ’ અને ‘ધ ફૅમિલી મૅન’ની સીઝન-3માં ફરીથી સાથે કામ કરશે. સમન્થાએ અગાઉ અભિનેતા નાગ ચૈતન્ય સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ ૨૦૨૧માં બન્ને અલગ થઈ ગયાં હતાં. નાગ ચૈતન્યએ પછી શોભિતા ધુલિપાલા સાથે લગભગ બે વર્ષ ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યાં છે.
સમન્થા અને રાજનું લિવ-ઇનમાં રહેવાનું પ્લાનિંગ?
એક રિપોર્ટ પ્રમાણે સમન્થા અને રાજ ટૂંક સમયમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાની યોજના બનાવી રહ્યાં છે એટલું જ નહીં, બન્નેએ પ્રૉપર્ટીની શોધખોળ પણ શરૂ કરી દીધી છે. બન્નેએ હવે સાથે રહેવાનો નિર્ણય કરી લીધો છે અને એ માટે નવું ઘર શોધી રહ્યાં છે. અત્યાર સુધી ચર્ચા હતી કે ડિરેક્ટર રાજ નિદિમોરુ પરણેલો છે અને તેને એક દીકરી છે, પણ લેટેસ્ટ અપડેટ પ્રમાણે રાજ અને શ્યામલીના ૨૦૨૨માં ડિવૉર્સ થઈ ગયા છે અને રાજની કોઈ પુત્રી નથી. શ્યામલી ડે અને રાજ નિદિમોરુએ ૨૦૧૫માં લગ્ન કર્યાં હતાં. શ્યામલીએ અનેક ફિલ્મોમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. રાકેશ ઓમપ્રકાશ મેહરા અને વિશાલ ભારદ્વાજ સાથે રાજ નિદિમોરુની પત્નીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. શ્યામલીએ સ્ક્રિપ્ટ-રાઇટિંગ અને ફિલ્મ-પ્રોડક્શનમાં ક્રીએટિવ કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે. તેઓ જે જાણીતી ફિલ્મો સાથે જોડાયેલાં છે એમાં ‘રંગ દે બસંતી’, ‘ઓમકારા’ વગેરેનો સમાવેશ છે.

