સાયરાબાનુએ ગઈ કાલે ફેમસ આર્ટિસ્ટ એમ. એફ. હુસેનની ૧૦૮મી બર્થ-ઍનિવર્સરી હોવાથી તેમની સાથેની યાદોને તાજી કરી છે.
એમએફ હુસેને બનાવેલું દિલીપકુમારનું પોર્ટ્રેટ હજી સુધી સાચવ્યું છે સાયરાબાનુએ
સાયરાબાનુએ ગઈ કાલે ફેમસ આર્ટિસ્ટ એમ. એફ. હુસેનની ૧૦૮મી બર્થ-ઍનિવર્સરી હોવાથી તેમની સાથેની યાદોને તાજી કરી છે. તેમણે બનાવેલું દિલીપકુમારનું પોર્ટ્રેટ સાયરાબાનુએ સાચવી રાખ્યું છે. એમ. એફ. હુસેન અને દિલીપકુમારનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સાયરાબાનુએ કૅપ્શન આપી હતી, ‘મકબૂલ ફિદ્દા હુસેન તો સાહેબના મોટા પ્રશંસક અને ખાસ મિત્ર હતા. તેઓ હંમેશાં ‘ધ તાજ હોટેલ ચેમ્બર્સ’માં હાઈ ટી, લન્ચ, ડિનર્સ અને ફૅમિલી ફંક્શન માટે મળતા હતા. એ સિવાય ક્યારેક પ્રાણસા’બ અને સતીશ ભલ્લા અમારા ઘરની બહાર આવીને હૉર્ન વગાડતા હતા, જેથી તેઓ દિલીપસા’બને મિડનાઇટ ડ્રાઇવ માટે લઈ જઈ શકે. અમને પત્નીઓને ખૂબ ધીરજ રાખવી પડે. મિસ્ટર હુસેન અમારા ઘરે આવતા હતા એ વાત મને બરાબર યાદ છે. એક વખત તો સાહેબને હાઈ ફીવર હતો અને મિસ્ટર હુસેન તેમનાં વાઇફ સાથે અમારા ઘરે આવ્યા હતા. તેઓ સાહેબના બેડ પાસે બેસી ગયા અને ડ્રૉઇંગપેપર કાઢીને સાહેબનું પોર્ટ્રેટ બનાવવા માંડ્યા હતા. હું એ સ્કેચને હંમેશાં સાચવી રાખીશ. બીજી વખત તેઓ પૂરી તૈયારી સાથે પેઇન્ટિંગનો સામાન લઈને આવ્યા હતા. એ કૅન્વસ તેઓ જમીન પર પાથરીને બેસી ગયા હતા. સાહેબને ચૅર પર બેસાડ્યા હતા અને તેમનું પોર્ટ્રેટ બનાવ્યું હતું. ત્યાર બાદ એ પોર્ટ્રેટ તેમણે હૈદરાબાદ મ્યુઝિયમમાં આપ્યું હતું. પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત મિસ્ટર હુસેનને આખું વિશ્વ ઓળખતું હતું. તેમની થીમમાં ઘોડા, મધર ટેરેસા, મહાત્મા ગાંધી અને રામાયણ છલકાતું હતું. ‘ફાઇવ હૉર્સ’ એ તેમનાં ફેમસ પેઇન્ટિંગ્સમાંનું એક હતું. મિસ્ટર હુસેનની એક અસાધારણ ટેવ હતી, તેઓ પોતાની શાનદાર મર્સિડીઝ કારમાંથી ઉઘાડા પગે બહાર આવતા હતા. મને હંમેશાં એ વાતનું આશ્ચર્ય થતું હતું કે તેઓ ઠંડા દેશમાં કેવી રીતે ઉઘાડા પગે રહેતા હશે. શૂઝ વગર તેઓ કેવી રીતે ચાલતા હશે? આપણે બધા જાણીએ છીએ કે તેઓ માધુરી દીક્ષિત નેનેના વ્યક્તિત્વના પ્રશંસક હતા. તેમણે તેનું અનેક સુંદર પેઇન્ટિંગ્સ બનાવ્યું હતું અને સાથે જ ‘ગજ ગામિની’માં તેને કાસ્ટ પણ કરી હતી. મિસ્ટર હુસેનની પાછળ ફીમેલ ફૅન્સ હંમેશાં ઘેલી રહેતી હતી અને તેમની નજર તેમના પર રહેતી હતી.’