રામોજી ફિલ્મસિટીના ફાઉન્ડરના નિધન પર શોક વ્યક્ત કરીને રાજામૌલીએ કહ્યું...
રામોજી રાવ
હૈદરાબાદમાં આકર્ષક રામોજી ફિલ્મસિટી બનાવનારા રામોજી રાવનું ગઈ કાલે સવારે લાંબી માંદગી બાદ નિધન થયું હતું. તેઓ ૮૭ વર્ષના હતા. તેમની સારવાર હૈદરાબાદની સ્ટાર હૉસ્પિટલમાં ચાલી રહી હતી. તેમના નિધન બાદ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીએ લખ્યું છે કે ‘એક વ્યક્તિ જેમણે છેલ્લાં ૫૦ વર્ષથી સખત મહેનત અને રચનાત્મક કાર્યોથી અનેક લોકોને રોજગાર પૂરા પાડ્યા છે, લાખો લોકોનો જીવનનિર્વાહ થયો છે. રામોજી રાવ ગારુને ભારત રત્નથી સન્માનિત કરીને તેમને ખરી શ્રદ્ધાંજલિ આપી શકાય.’
બીજી તરફ રજનીકાન્ત કહે છે, ‘મારા ગુરુ અને મારા શુભચિંતક શ્રી રામોજી રાવ ગારુના નિધનના સમાચારથી હું અતિશય દુખી થયો છું. તેમણે જર્નલિઝમ અને સિનેમામાં ઇતિહાસ રચ્યો છે. મારી લાઇફમાં તેઓ મારા માર્ગદર્શક અને પ્રેરણાસ્રોત હતા. તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું.’

