શાહરુખ-સલમાનને એકસાથે ચમકાવતી સૌપ્રથમ ફિલ્મ રીરિલીઝ થવા જઈ રહી છે
‘કરણ અર્જુન’નો સીન
આજકાલ જૂની ફિલ્મોને રીરિલીઝ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે રાકેશ રોશને ગઈ કાલે ‘કરણ અર્જુન’ના પુનર્જન્મની જાહેરાત કરી છે. શાહરુખ ખાન અને સલમાન ખાનને એકસાથે ચમકાવતી પહેલવહેલી ફિલ્મ ‘કરણ અર્જુન’ના પ્રોડ્યુસર-ડિરેક્ટર રાકેશ રોશને ગઈ કાલે સોશ્યલ મીડિયા પર આ ફિલ્મનું નવું ટીઝર શૅર કરીને લખ્યું હતું કે કરણ અર્જુન આ રહે હૈં, ૨૦૨૪ની ૨૨ નવેમ્બરથી દુનિયાભરના સિનેમા હૉલમાં આ પુનર્જન્મના સાક્ષી બનો. ઉલ્લેખનીય છે કે ૧૯૯૫માં આવેલી આ ફિલ્મ પુનર્જન્મ અને બદલા પર આધારિત હતી. આ ફિલ્મમાં શાહરુખ અને સલમાન સાથે કાજોલ, મમતા કુલકર્ણી, રાખી અને અમરીશ પુરી હતાં. સલમાને પણ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર આ ફિલ્મની રીરિલીઝના સમાચાર આપીને લખ્યું, ‘રાખીજી ને સહી કહા થા ફિલ્મ મેં કિ મેરે કરણ અર્જુન આએંગે... નવેમ્બર ૨૨ કો દુનિયાભર કે સિનેમાઘરોં મેં.’
રાકેશ રોશનનું ટાઇમિંગ જબરદસ્ત
ADVERTISEMENT
૧ નવેમ્બરે રિલીઝ થતી ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલભુલૈયા 3’ના ફીવરમાંથી ફિલ્મરસિકો બહાર આવી ગયા હશે એ પછી તથા પાંચમી ડિસેમ્બરથી ‘પુષ્પા 2 : ધ રૂલ’નો જુવાળ આવે એ પહેલાં ‘કરણ અર્જુન’ને રીરિલીઝ કરવાનો રાકેશ રોશનનો પ્લાન કાબિલેદાદ છે. હવે માત્ર એ જોવાનું રહ્યું કે ત્રીસેક વર્ષ જૂની આ ફિલ્મ જોવા લોકો થિયેટરમાં આવે છે કે નહીં.