ઇતિહાસ મુજબ અફઝલ ખાન સાથેની મુલાકાત વખતે શિવાજી મહારાજે વાઘનખ છુપાવીને રાખ્યા હતા.
ટ્રેલરમાં દર્શાવાયેલા સીનમાં આ મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના બદલીને બતાવવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે
રિતેશ દેશમુખે ડિરેક્ટ કરેલી તેને શિવાજી મહારાજના રોલમાં ચમકાવતી ‘રાજા શિવાજી’નું ટ્રેલર સોમવારે રિલીઝ થયું હતું. આ રિલીઝ પછી ટ્રેલરમાં બતાવવામાં આવેલા વાઘનખના સીનને કારણે વિવાદ સર્જાયો છે. આ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે અફઝલ ખાનને મળતાં પહેલાં જ છત્રપતિ શિવાજી મહારાજ ખુલ્લેઆમ પોતાના વાઘનખ બતાવે છે. આ સીન સામે સોશ્યલ મીડિયા પર ભારે વિરોધ થયો છે. ઘણા લોકોનું કહેવું છે કે આ દૃશ્ય ઇતિહાસને ખોટી રીતે રજૂ કરે છે અને હકીકત સાથે ચેડાં કરે છે.
ઇતિહાસ મુજબ અફઝલ ખાન સાથેની મુલાકાત વખતે શિવાજી મહારાજે વાઘનખ છુપાવીને રાખ્યા હતા. આ મુલાકાત ‘નિઃશસ્ત્ર’ હોવાનું દેખાડવામાં આવી હતી, પરંતુ બન્ને તરફથી હુમલાની તૈયારી હતી. જ્યારે અફઝલ ખાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે શિવાજી મહારાજે છુપાવેલા વાઘનખથી જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
ટ્રેલરમાં દર્શાવાયેલા સીનમાં આ મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના બદલીને બતાવવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે. જોકે રિતેશ દેશમુખે લોકોને આ વિવાદ મામલે પ્રતિભાવ આપતાં પહેલાં ફિલ્મ જોવાની વિનંતી કરી છે.
વાઘનખ શું છે?
વાઘનખ એક ઐતિહાસિક હથિયાર છે જે પંજાના આકારનું નાનું ખંજર છે. એનો ઉપયોગ છત્રપતિ શિવાજી મહારાજે ૧૬૫૯માં પ્રતાપગડના યુદ્ધ દરમ્યાન કર્યો હતો. વાઘનખનો આ પ્રયોગ માત્ર યુદ્ધની ઘટના નહોતો, એ ચતુરાઈ, તૈયારી અને વ્યૂહરચનાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે. આજે પણ આ ઘટના ભારતીય ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પ્રસંગ તરીકે ઓળખાય છે.
