PVR આઇનૉક્સે દિનેશ વિજનની કંપની મૅડૉક ફિલ્મ્સ પર કાયદાકીય કાર્યવાહી કરી. આ રિલીઝના મામલે નિર્માતાઓનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલીને કારણે દેશની પરિસ્થિતિ નવી ફિલ્મની રિલીઝ માટે અનુકૂળ નથી.
ભૂલ ચૂક માફ ફિલ્મ પોસ્ટર
PVR આઇનૉક્સે ‘ભૂલ ચૂક માફ’ ફિલ્મની થિયેટર-રિલીઝ રોકવા બદલ એના નિર્માતા દિનેશ વિજનની કંપની મૅડૉક ફિલ્મ્સ પર ૬૦ કરોડ રૂપિયાનો દાવો કર્યો છે. આ રિલીઝના મામલે નિર્માતાઓનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલીને કારણે દેશની પરિસ્થિતિ નવી ફિલ્મની રિલીઝ માટે અનુકૂળ નથી. સામા પક્ષે PVR આઇનૉક્સની દલીલ છે કે ફિલ્મની રિલીઝ માટેની તમામ તૈયારીઓ થઈ ગયા બાદ, સિનેમાઘરોમાં ફિલ્મ બતાવવાનું વચન આપ્યા પછી મૅડૉક ફિલ્મ્સ દ્વારા પીછેહઠ કરવાથી તેમને ભારે નુકસાન થયું છે.
આ ઘટનાક્રમ વિગતે જોઈએ તો ‘ભૂલ ચૂક માફ’ ૯ મેએ રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ ફિલ્મના નિર્માતાઓએ ૭ મેએ અચાનક સિનેમાઘરોમાં રિલીઝ કરવાનો ઇનકાર કર્યો હતો. ચર્ચા એવી હતી કે ફિલ્મનિર્માતા કંપની મૅડૉક ફિલ્મ્સને આ માટે OTT કંપની ઍમૅઝૉન પ્રાઇમ તરફથી ખૂબ મોટી ડીલની ઑફર મળી છે. એક રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં ઍમૅઝૉન પ્રાઇમની ફિલ્મનિર્માણ કંપની MGM સ્ટુડિયોઝનું જ રોકાણ થયેલું હોવાથી તેમણે સિનેમાઘરોમાં રિલીઝ કરવાને બદલે OTT પર બતાવવું વધુ યોગ્ય ગણ્યું છે.


