પ્રભુ દેવાની પત્ની હિમાની સિંહે ગઈ કાલે બાળકને જન્મ આપ્યો હતો. હિમાની તેની બીજી પત્ની છે
પ્રભુ દેવા
પ્રભુ દેવા પચાસ વર્ષની ઉંમરે ચોથા બાળકનો પિતા બન્યો છે. પ્રભુ દેવાની પત્ની હિમાની સિંહે ગઈ કાલે બાળકને જન્મ આપ્યો હતો. હિમાની તેની બીજી પત્ની છે. તેમણે ૨૦૨૦માં લગ્ન કર્યાં હતાં. લગ્નનાં ત્રણ વર્ષ બાદ તેઓ પેરન્ટ્સ બન્યા છે. ફરી પિતા બનવાથી તે ખૂબ જ ખુશ છે અને તેના બાળક સાથે વધુ સમય વિતાવવા માટે આતુર છે. તેણે તેનું કામ પણ ઓછું કરી નાખ્યું છે. તે હવે સિલેક્ટિવ કામ કરવા માગે છે અને તેની ફૅમિલી સાથે સમય પસાર કરવા માગે છે. પ્રભુ દેવા પહેલી વાર દીકરીનો પિતા બન્યો છે. તેમણે હજી સુધી એનું નામ જાહેર નથી કર્યું. પ્રભુ દેવાએ પહેલાં રમલાત સાથે લગ્ન કર્યાં હતાં. તેમને ત્રણ દીકરાઓ વિશાલ, રિશી રાઘવેન્દ્ર દેવા અને આદિત દેવા છે. વિશાલ ૨૦૦૮માં કૅન્સરને કારણે મૃત્યુ પામ્યો હતો. ૨૦૧૦માં પ્રભુ દેવાના ડિવૉર્સ થયા હતા અને એ પાછળનું કારણ તેનું નયનતારા સાથેનું અફેર હોવાનું બહાર આવ્યું હતું. હિમાની ફિઝિયોથેરપિસ્ટ છે અને તેમણે તેમનાં લગ્ન ખૂબ જ સાદગીથી કર્યાં હતાં અને લોકોની નજરથી દૂર રાખ્યાં હતાં.

