મહેશ બાબુ અને પ્રિયંકા ચોપડાને સાથે ચમકાવતી આ ફિલ્મમાં ઑફર કરવામાં આવેલો રોલ પસંદ ન પડ્યો
નાના પાટેકર અને એસ. એસ. રાજામૌલી
નાના પાટેકર હાલમાં તેમની આગામી ફિલ્મ ‘હાઉસફુલ 5’ ને કારણે ચર્ચામાં છે ત્યારે તેમને લગતા એક મોટા સમાચાર મળ્યા છે. રિપોર્ટ પ્રમાણે નાના પાટેકરે એસ. એસ. રાજામૌલી જેવા ખ્યાતનામ ડિરેક્ટરની ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. આ ફિલ્મમાં મહેશ બાબુ અને પ્રિયંકા ચોપડા મુખ્ય ભૂમિકામાં છે. આ વર્ષે જાન્યુઆરીમાં એનું શૂટિંગ શરૂ થયું હતું. રાજામૌલી આ ફિલ્મમાં નાના પાટેકરને એક મહત્ત્વના રોલ માટે સાઇન કરવા ઇચ્છતા હતા અને આ માટે તેઓ નાના પાટેકરને મળવા માટે પુણે પણ ગયા હતા. એવું પણ કહેવાય છે કે નાનાને આ માટે ૨૦ કરોડ રૂપિયાની ફી ઑફર કરવામાં આવી હતી, જ્યારે તેમના હિસ્સે માત્ર ૧૫ દિવસનું શૂટિંગ હતું. જોકે રિપોર્ટ પ્રમાણે નાના પાટેકરે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે.
આ ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘નાના પાટેકર અને રાજામૌલી વચ્ચેની મુલાકાત સારી રહી હતી. બન્નેએ પાત્રને લઈને ચર્ચા કરી. ઇનપુટ્સ પણ આપ્યા. જોકે પછી નાના પાટેકરે કહ્યું કે આ પાત્રમાં એવું કશું નથી જે તેઓ કરવા ઇચ્છે છે. જોકે નાના પાટેકરે એમ પણ કહ્યું છે કે તેઓ નજીકના ભવિષ્યમાં રાજામૌલી સાથે કામ કરવાની ઇચ્છા રાખે છે.’

