કરીનાને અમેરિકન ક્રાઇમ-ડ્રામા ‘મૅર ઑફ ઈસ્ટટાઉન’ ખૂબ પસંદ છે અને એમાં કેટ વિન્સલેટે ભજવેલો પોલીસનો રોલ પણ તેને ગમે છે

કરીના કપૂર
કરીના કપૂર ખાનનું પાત્ર કેટ વિન્સલેટ પરથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યું છે. તેણે હંસલ મહેતાની વર્કિંગ ટાઇટલ ‘ધ બકિંગહૅમ મર્ડર્સ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મનું શૂટિંગ યુકેમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તે ડિટેક્ટિવ પોલીસના રોલમાં દેખાશે. બકિંગહૅમમાં થયેલી મર્ડર મિસ્ટરીની તે તપાસ કરતી જોવા મળશે. કરીનાને અમેરિકન ક્રાઇમ-ડ્રામા ‘મૅર ઑફ ઈસ્ટટાઉન’ ખૂબ પસંદ છે અને એમાં કેટ વિન્સલેટે ભજવેલો પોલીસનો રોલ પણ તેને ગમે છે. પોતાના રોલ વિશે કરીનાએ કહ્યું કે ‘મને ‘મૅર ઑફ ઈસ્ટટાઉન’ ગમે છે. હંસલ જ્યારે મારી પાસે આવ્યા તો મેં તેમને કહ્યું કે મને આવો રોલ કરવાની ઇચ્છા છે. એથી અમે એમાં થોડોઘણો ફેરફાર કર્યોં છે. એમાં કેટ વિન્સલેટે પોલીસનો રોલ કર્યો છે. પહેલી વખત હું આવો રોલ કરી રહી છું. હું હિન્દીમાં સારી રીતે વાત કરી શકું છું અને હિન્દીમાં જ વિચારું પણ છું, કારણ કે આખી લાઇફ મેં આવું જ કર્યું છે. તમે જ્યારે હિન્દીમાં વિચારતા હો પરંતુ ઇંગ્લિશમાં વાત કરો તો એ ખરેખર અઘરું છે, કારણ કે પહેલી વખત મારા માટે એ અવળી સ્થિતિ હતી.’ આ ફિલ્મને એકતા કપૂર સાથે મળીને કરીના પ્રોડ્યુસ પણ કરી રહી છે. એ વિશે કરીનાએ કહ્યું કે ‘મેં કદી પણ નહોતું વિચાર્યું કે હું પ્રોડ્યુસર બનીશ. જોકે મેં જ્યારે આ પ્રોજેક્ટ વિશે સાંભળ્યું તો મને લાગ્યું કે આ રેગ્યુલર હિન્દી ફિલ્મો કરતાં અલગ છે. એથી મને લાગ્યું કે આ સરસ અને હટકે છે. એકતા અને હંસલે મને જ્યારે કહ્યું કે તને જ્યારે સ્ક્રિપ્ટ ખૂબ ગમી છે તો તું ક્રીએટિવ પ્રોડ્યુસર બની શકે છે. એના વિશે વિચાર કર અને તારું નામ આપજે. ઘણું વિચાર્યા બાદ મને લાગ્યું કે જો મને કોઈ વસ્તુ અને જે કૅરૅક્ટર હું ભજવું છું એ આટલું ગમે છે તો મને લાગ્યું કે એ મજેદાર રહેશે. ખબર નથી કે હું ભવિષ્યમાં પણ આગળ કરવાની છું કે નહીં. જોઈએ આગળ શું થાય છે. મારા માટે આ અલગ ફિલ્મ છે, કારણ કે તમે મને મેઇનસ્ટ્રીમમાં ગીત ગાતાં, ડાન્સ કરતાં, ગ્લોસ અને ગ્લૅમરના અવતારમાં જોઈ છે. જોકે આ ફિલ્મ ચોંકાવનારી અને અલગ રહેશે.’

