કૅટરિનાની કૉપી કરાઈ?
વાસ્તવિક માણસોથી પ્રેરિત થયેલા રોલમાં ઍક્ટરો સાધારણ રીતે જોવા મળે છે, પણ એક સફળ ઍક્ટરના કિરદાર પરથી પ્રેરિત થયેલા રોલમાં બીજો ઍક્ટર કામ કરે એવું ભાગ્યે જ બન્યું છે. જાણવા મળ્યાં પ્રમાણે દિબાકર બૅનરજીની આગામી ફિલ્મ ‘શાંઘાઈ’ના એક રોલ પાછળની પ્રેરણા કૅટરિના કૈફનું ‘ચિકની ચમેલી’નું કિરદાર છે. ફિલ્મમાં બ્રિટિશ મૉડલ સ્કાર્લેટ મેલિસ વિલ્સનનું કિરદાર યુકેની એક છોકરીનું છે, જે ઇન્ડિયા આવીને મોટી સ્ટાર બને છે.
ફિલ્મમાં સ્કાર્લેટનું આઇટમ સૉન્ગ ‘ઇમ્પોર્ટેડ કમરિયા’ પણ કૅટરિનાનું ‘અગ્નિપથ’નું સૉન્ગ ‘ચિકની ચમેલી’ પરથી લેવામાં આવ્યું હોવાનું ચર્ચામાં છે. ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ કહ્યું હતું કે ‘ફિલ્મમાં સ્કાર્લેટનો રોલ ખૂબ જ નાનો છે. તેને એક ફિલ્મસ્ટાર બતાવવામાં આવી છે જે એક વખત પૉલિટિકલ સભા પહેલાંના ફંક્શનમાં પર્ફોર્મન્સ આપે છે. ઇન્ડિયા આવીને બ્રિટિશ છોકરી મોટી સ્ટાર બની હોવાનું ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે.’
ADVERTISEMENT
રસપ્રદ રીતે થોડા સમય પહેલાં ફિલ્મના મ્યુઝિક લૉન્ચમાં સ્કાર્લેટને તેના પફોર્ર્મન્સ માટે ખૂબ સારા પ્રતિભાવ મળ્યાં હતા. જોકે ફિલ્મના લીડ રોલના ઍક્ટરો ઇમરાન હાશ્મી અને અભય દેઓલ વ્યસ્ત હોવાથી મ્યુઝિક લૉન્ચમાં હાજરી નહોતા આપી શક્યા.
દિબાકર બૅનરજીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું, ‘ફિલ્મમાં તેનો રોલ મૂળ બ્રિટિશની છોકરીનો છે જે ઇન્ડિયા આવીને બૉલીવુડની ટોચની સ્ટાર બને છે અને આઇટમ સૉન્ગ કરવા માટે એક પૉલિટિકલ પાર્ટી દ્વારા તેને બોલાવવામાં આવે છે. વિદેશની ઘણી છોકરીઓને બૉલીવુડમાં કામ કરવાની તક મળી છે. ઇન્ડિયામાં ગોરી ચામડીની વધુ પ્રશંસા કરવામાં આવે છે. સૉન્ગમાં પણ અમે એ જ દેખાડી રહ્યા છીએ અને એટલા માટે જ ‘ઇમ્પોર્ટેડ કમરિયા’ ગીત રાખવામાં આવ્યું છે.’


