ફિલ્મ આ વર્ષે ૨૩ જૂને થિયેટરમાં રિલીઝ થશે : ટીઝર જીતી રહ્યું છે દર્શકોના દિલ

‘મૈદાન’માં અજય દેવગન
આજે રામનવમી (Rama Navami)ના અવસરે અભિનેતા અજય દેવગન (Ajay Devgn)એ ફેન્સને ડબલ ટ્રીટ આપી છે. આજે અભિનેતાની ફિલ્મ ‘ભોલા’ (Bholaa) થિયેટરમાં રિલીઝ થઈ છે. સાથે જ અભિનેતાની બહુ ચર્ચિત અને રાહ જોવાતી ફિલ્મ ‘મૈદાન’ (Maidaan)નું ટીઝર રિલીઝ થયું છે. ૧.૩૦ મિનિટનું આ ટીઝર રિલીઝ થયા બાદ દર્શકોના દિલ જીતી રહ્યું છે.
‘મૈદાન’ ફિલ્મમાં ૧૯૫૨-૧૯૬૨ દરમિયાન ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગની વાત છે. આ માત્ર એક રમત નથી, સંઘર્ષની વાર્તા પણ છે. આ રમતમાં થતા રાજકારણની વાર્તા છે. દેશ માટે ગર્વની ક્ષણની વાર્તા છે. બોની કપૂર (Boney Kapoor)ની આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે, જેનું નિર્દેશન અમિત રવિન્દ્રનાથ શર્મા (Amit Ravindra Nath Sharma)એ કર્યું છે અને સંગીત એઆર રહેમાન (A. R. Rahman)નું છે. ફિલ્મમાં અજય દેવગન કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકામાં જોવા મળશે. તે સિવાય ફિલ્મમાં પ્રિયમણી (Priyamani) અને ગજરાજ રાવ (Gajraj Rao) સહિત અનેક યુવા કલાકારો છે. આ યુવા કલાકારોમાં એક ગુજરાતી યુવા કલાકાર રિષભ જોષી (Rishabh Joshi) પણ છે.
એક મિનિટ ૩૦ સેકન્ડના ટીઝરની શરુઆત એક મેદાનથી થાય છે જ્યાં કેટલાક ખેલાડીઓ વરસાદમાં ફૂટબોલ રમતા જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં એક અવાજ આવે છે, `હેલસિંકી ઓલિમ્પિક સ્ટેડિયમમાં આપનું સ્વાગત છે, આજે અવિરત વરસાદને કારણે મેદાન વરસાદના ધાબળાથી ઢંકાયેલું છે. આજે ભારતીય ટીમ અનુભવી યુગોસ્લાવિયનો સામે ટકરાશે. ભારત, એક યુવા દેશ, તેની સ્વતંત્રતાના પાંચમા વર્ષમાં બીજી વખત ઓલિમ્પિકમાં ફૂટબોલ રમત માટે ક્વોલિફાય થયો છે. ભારતીય ખેલાડીઓ માટે આ મેદાનમાં ખુલ્લા પગે રમવું પડકારજનક રહેશે. ટીઝરનો છેલ્લો ડાયલોગ ખૂબ જ દમદાર છે, જે અજય બોલ્યો છે – ‘આજ મેદાન મેં ઊતરના ૧૧, લેકિન દિખના એક’.
આ પણ વાંચો – Maidaan Teaser: 30 માર્ચે `મેદાન` માં ઉતરશે અજય દેવગન, સાથે હશે આ ગુજરાતી યુવા કલાકાર
આ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ કોરોના વાયરસ રોગચાળાને કારણે અટકી ગઈ હતી. મે ૨૦૨૨થી તેને રિલીઝ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આખરે હવે ૨૩ જૂન ૨૦૨૩ના રોજ થિયેટરોમાં ફિલ્મ રિલીઝ થશે.
‘મૈદાન’નું ટિઝર પ્રોમિસિંગ હોવાથી ફિલ્મ માટે ફૅન્સની આશા વધુ બંધાઈ છે.