સિંગર કુમાર સાનુની પહેલી પત્નીએ પતિ અને સાસરિયાંના ત્રાસની વાતો ઇન્ટરવ્યુમાં શૅર કરી
સિંગર કુમાર સાનુની પહેલી પત્ની
સિંગર કુમાર સાનુની પહેલી પત્ની રીટા ભટ્ટાચાર્યએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં ભૂતપૂર્વ પતિ કુમાર સાનુ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને તેની સાથે થયેલા અન્યાયની વાત કરી છે.
રીટાએ આરોપ મૂક્યા હતા કે કુમાર સાનુએ મને ઘરમાં ગોંધી રાખી હતી. પોતાનો અનુભવ જણાવતાં તેણે કહ્યું હતું કે ‘હું બે બાળકોની માતા છું. મેં ક્યારેય અલગ થવાનું વિચાર્યું નહોતું. હું ક્યારેય ઘરના દરવાજાની બહાર ગઈ નહોતી. મને ગેટની બહાર જવાની પરવાનગી જ નહોતી. કુમાર સાનુની જે જિંદગી હતી એમાં ખલેલ પહોંચાડવાની મંજૂરી નહોતી. પાર્લર જવાની પરવાનગી નહોતી. વૅક્સિંગ કરાવવાની પરવાનગી નહોતી. હું પ્રેગ્નન્ટ હતી ત્યારે પણ મને ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી. મેં મારા જીવનમાં મેકઅપ કે કાજલ પણ જોયાં નહોતાં.’
ADVERTISEMENT
રીટાએ તેની સાથે થતા અત્યાચાર વિશે કહ્યું હતું કે ‘એક વખત આ લોકો ક્યાંક ફરવા ગયા હતા ત્યારે તેમણે કિચનનો સામાન તાળું મારીને રાખ્યો હતો. મેં પછી વૉચમૅનને બોલાવીને એક કિલો ચોખા મગાવીને ખાવાનું બનાવ્યું હતું. બાળકો પણ એ જ ખીચડી ખાતાં હતાં. આ લોકોએ મારાં બાળકોનું દૂધ બંધ કરી દીધું હતું. મારાં બાળકોનું બેબી-ફૂડ બંધ કરી દીધું હતું. મારાં બાળકોના ડૉક્ટરને પૈસા આપવાની ના પાડી દીધી હતી. જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે આ લોકોએ મને ક્યારેય સરખી રીતે જમવાનું નહોતું આપ્યું. હું ભૂખી રહેતી હતી. મને ઘણી વાર ઊલટી થઈ જતી હતી. સાસરાના ઘરના બધાએ મને ખૂબ ત્રાસ આપ્યો હતો.’


