કરિશ્મા હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેના વેકેશનના વિડિયો અને ફોટો શૅર કરી રહી છે

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્નાનું કહેવું છે કે તેના જન્મ વખતે તેના પિતાએ એક મહિના સુધી તેનો ચહેરો નહોતો જોયો. કરિશ્મા હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેના વેકેશનના વિડિયો અને ફોટો શૅર કરી રહી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં તેના બાળપણના દિવસો વિશે વાત કરતાં કરિશ્માએ કહ્યું કે ‘હું જ્યારે સમજણી થઈ હતી ત્યારે મારી મમ્મીએ મને કહ્યું હતું કે મારા જન્મ વખતે મારા પપ્પા ખુશ નહોતા. તેમને દીકરાની ઇચ્છા હતી અને એક ટિપિકલ ગુજરાતી ફૅમિલીની જેમ તેમના પર પ્રેશર પણ હતું. તેમનું માનવું હતું કે દીકરો જ તેમના પરિવારને આગળ વધારી શકે છે અને વધુ પૈસા કમાઈ શકે છે. મારી મમ્મીને બે દીકરીઓ હતી. મારાં દાદા-દાદી અમને સેકન્ડહૅન્ડ ટ્રીટમેન્ટ આપતાં હતાં. જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી મમ્મીએ એક અઠવાડિયા સુધી મારો ચહેરો નહોતો જોયો. મારા પિતા એક મહિના સુધી મને મળવા નહોતા આવ્યા, કારણ કે બીજી પણ દીકરી જ થઈ હતી. મારી મમ્મીએ જ્યારે મને આ કહ્યું ત્યારે મારું દિલ તૂટી ગયું હતું. એવું નહોતું કે મારા પિતા મને પ્રેમ નહોતા કરતા, પરંતુ તેમના પર પણ ફૅમિલી પ્રેશર હતું અને એથી તેઓ મને મળવા નહોતા આવ્યા. મારા પિતાને દીકરીઓ પસંદ હતી, પરંતુ તેઓ ઘરમાં એ વાત નહોતા કરી શકતા.’

