પપ્પાની બર્થ-ડે પાર્ટી પ્રસંગે ભેગા થયેલા ફોટોગ્રાફર્સને સ્પષ્ટ શબ્દોમાં કરીના કપૂરે આપી સૂચના
રણધીર કપૂર, કરિશ્મા કપૂર, બબીતા કપૂર, કરીના કપૂર
રણધીર કપૂરે ૧૫ ફેબ્રુઆરીએ પોતાની ૭૮મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી હતી. આ દિવસની ઉજવણી કરવા માટે તેમના પરિવાર દ્વારા ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં પરિવારજનો ઉપરાંત બૉલીવુડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. આ સેલિબ્રેશનની તસવીરો હવે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.
કરીના કપૂર અને સૈફ અલી ખાને ભૂતકાળમાં ક્યારેય ફોટોગ્રાફર્સને તેમનાં બાળકોની તસવીરો લેતાં રોક્યાં નથી, પરંતુ રણધીર કપૂરની બર્થ-ડે પાર્ટીમાં આ વખતે કંઈક અલગ થયું. આ ફંક્શનમાં કરીનાએ પાપારાઝીને તેમનાં બાળકોની તસવીરો લેતાં રોકી દીધા હતા. કરીના કપૂર મુંબઈમાં તેમના પપ્પા રણધીર કપૂરની ૭૮મી વર્ષગાંઠની પાર્ટીમાં પહોંચી હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં તે કહેતી જોવા મળે છે, ‘મારી તસવીરો લઈ લો અને પ્લીઝ જાઓ. બાળકોનું પહેલાં જ કહ્યું હતું.’
ADVERTISEMENT
વિડિયોમાં કરીના ફોટોગ્રાફર્સને કડક શબ્દોમાં ચેતવણી આપતી જોવા મળે છે અને તેમનાં બાળકોની તસવીરો ન લેવા માટે સ્પષ્ટ મનાઈ કરતી જોવા મળે છે. કરીનાની વાત સાંભળીને પાપારાઝી તેમને ખાતરી આપે છે કે તેઓ તેમનાં બાળકોની તસવીરો નહીં લે. આમ છતાં અંદર જતાં-જતાં કરીના આ વાતો વારંવાર પુનરાવર્તિત કરતી જોવા મળે છે. આ ઘટનાનો વિડિયો હાલમાં વાઇરલ બન્યો છે.
ગયા મહિને સૈફ પર થયેલા અટૅક પછી સૈફ અને કરીનાએ સિક્યૉરિટીને લગતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને પાપારાઝી અને મીડિયાને તેમનાં બાળકોની તસવીરો ન લેવા અને તેમના ઘરની બહાર ભેગા ન થવા માટે વિનંતી કરી હતી.
બર્થ-ડે સેલિબ્રેટ કરવા ભેગા થયા મિત્રો અને પરિવારજનો, લાંબા સમય પછી જોવા મળ્યાં શશી કપૂરનાં સંતાનો
રણધીર કપૂરે ૧૫ ફેબ્રુઆરીએ પોતાની ૭૮મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી હતી અને એ માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં કરીના કપૂરની મિત્ર મલાઇકા અરોરા પોતાની બહેન અમૃતા સાથે આવી હતી. બન્નેએ સાથે મળીને ફોટોગ્રાફર્સ માટે અનેક પોઝ આપ્યા હતા. કરીના કપૂરની નણંદ અને અભિનેત્રી સોહા અલી ખાન પણ આ પાર્ટીમાં પોતાની દીકરી ઇનાયા અને મોટી બહેન સબા સાથે હાજર રહી હતી. ઍક્ટ્રેસ નેહા ધુપિયા પણ પોતાનાં બાળકો અને પતિ અંગદ બેદી સાથે રણધીર કપૂરની બર્થ-ડે પાર્ટીમાં પહોંચી હતી. આ પાર્ટીમાં શ્લોકા મહેતા પણ પોતાનાં બાળકો સાથે આવી હતી.
રણધીર કપૂરનો જમાઈ સૈફ અલી ખાન પણ આ પાર્ટીમાં પોતાના પુત્ર તૈમૂર અલી ખાન સાથે હાજર રહ્યો હતો. બન્નેએ આ અવસરે વાઇટ ટી-શર્ટ પહેર્યું હતું. કરીના કપૂર પોતાના પિતાની બર્થ-ડે પાર્ટીમાં કૅઝ્યુઅલ લુકમાં પહોંચી હતી. તેણે વાઇટ શર્ટ સાથે બ્લુ જીન્સ પહેર્યું હતું. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહા કપૂર પણ આ પાર્ટીમાં દાદી નીતુ કપૂર સાથે પહોંચી હતી. આ પાર્ટીમાં શશી કપૂરના દીકરાઓ કુણાલ કપૂર અને કરણ કપૂર લાંબા સમય પછી જાહેરમાં જોવા મળ્યા હતા.
રણધીર કપૂરની બર્થ-ડે પાર્ટીમાં ટ્રોલ થઈ નીતુ કપૂર
રણબીર અને આલિયાની દીકરી રાહાની ક્યુટનેસ કોઈ પણ ફંક્શનમાં બધાનું દિલ જીતી લે છે. તે દરેક ફંક્શનમાં ફોટોગ્રાફર્સને ઉત્સાહથી મળે છે અને પોઝ આપે છે. તે માત્ર અઢી વર્ષની છે, પણ તેના વિડિયો બધાનું દિલ જતી લે છે. જોકે રણધીર કપૂરની બર્થ-ડે પાર્ટીમાં રાહા એકદમ શાંત હતી અને તેણે સ્માઇલ પણ નહોતી કરી. તે બસ ટગર-ટગર જોયા કરતી હતી.
પાર્ટીમાં દાદી નીતુ કપૂર સાથે હોવા છતાં રાહાને તેની નૅનીએ ઉઠાવીને રાખી હતી. નીતુનું આ પ્રકારનું વર્તન સોશ્યલ મીડિયામાં ટ્રોલ થયું હતું. કેટલાક યુઝર્સે દાદી નીતુ પર ટિપ્પણી કરી કે આ દાદી ક્યારેય પૌત્રીને ઉઠાવતી નથી?
નીતુના વર્તનને સોશ્યલ મીડિયામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને નીતુ ટ્રોલ થઈ હતી. કેટલીક વ્યક્તિઓએ રાહાની સરખામણી કરિશ્મા કપૂર અને આલિયા ભટ્ટ સાથે કરી હતી.

