કરીનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઇટાલિયન ફૅશન-બ્રૅન્ડની બરાબર ફિરકી ઉતારી
કરીના કપૂરે હાલમાં ઇટાલિયન ફૅશન-બ્રૅન્ડ પ્રાડાનાં કોલ્હાપુરી ચંપલની ડિઝાઇનની નકલ કરવાના વિવાદ પર પોતાની આગવી સ્ટાઇલમાં કમેન્ટ કરી છે.
કરીના કપૂરે હાલમાં ઇટાલિયન ફૅશન-બ્રૅન્ડ પ્રાડાનાં કોલ્હાપુરી ચંપલની ડિઝાઇનની નકલ કરવાના વિવાદ પર પોતાની આગવી સ્ટાઇલમાં કમેન્ટ કરી છે. હાલમાં કરીનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક તસવીર શૅર કરી, જેમાં તેણે પોતાનાં પરંપરાગત કોલ્હાપુરી ચંપલ પહેર્યાં છે. આ પોસ્ટની કૅપ્શનમાં તેણે લખ્યું હતું, ‘સૉરી, આ પ્રાડા નથી, પણ મારાં ઓરિજિનલ કોલ્હાપુરી છે.’ કરીનાની આ પોસ્ટે સોશ્યલ મીડિયા પર ખૂબ ધ્યાન ખેંચ્યું છે અને ફૅન્સ તેની આ સ્ટાઇલનાં વખાણ કરી રહ્યા છે.
શું છે વિવાદ?
થોડા સમય પહેલાં ઇટાલિયન ફૅશન-બ્રૅન્ડ પ્રાડાના મેન્સ સ્પ્રિંગ/સમર ૨૦૨૬ કલેક્શનમાં રજૂ થયેલાં ફુટવેરની ડિઝાઇન ભારતીય કોલ્હાપુરી ચંપલને બહુ મળતી આવી હતી. પ્રાડાએ આ ડિઝાઇનને ‘ટો રિંગ સૅન્ડલ્સ’ તરીકે રજૂ કરી હતી અને એની કિંમત લગભગ ૧.૨ લાખ રૂપિયા રાખવામાં આવી હતી. જોકે પ્રાડાએ આ ડિઝાઇનનું શ્રેય ભારતીય મૂળને ન આપવા બદલ એની ટીકા કરવામાં આવી હતી.

