દેશ પ્રત્યેની ડ્યુટીને મહત્ત્વ આપીને કંગના રનૌતે તેની ફિલ્મને પોસ્ટપોન કરી : બહુ જલદી રિલીઝ-ડેટ જાહેર કરવામાં આવશે
કંગના રનોટ
કંગના રનૌતે તેની ‘ઇમર્જન્સી’ની રિલીઝને પોસ્ટપોન કરી છે. ઇન્દિરા ગાંધીના જીવન પરથી બનાવવામાં આવેલી આ ફિલ્મ ૧૪ જૂને રિલીઝ થવાની હતી. આ ફિલ્મની સ્ટોરી લખવાની સાથે એને પ્રોડ્યુસ અને ડિરેક્ટ પણ કંગનાએ કરી છે. આ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનું પાત્ર પણ તેણે ભજવ્યું છે. કંગના હાલમાં ભારતીય જનતા પાર્ટીમાંથી હિમાચલ પ્રદેશના મંડીમાંથી લોકસભાનું ઇલેક્શન લડી રહી છે. આ ઇલેક્શનને કારણે ફિલ્મની રિલીઝને અટકાવવામાં આવી છે. ઇલેક્શનનું છેલ્લું ચરણ એક જૂને છે અને એનું રિઝલ્ટ ચાર જૂને રિલીઝ કરવામાં આવશે. કંગનાની ટીમ દ્વારા એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહ્યું છે કે તે દેશની સેવાના તેના કમિટમેન્ટને લઈને હાલમાં વ્યસ્ત છે. આથી તે ફિલ્મ પર ધ્યાન આપી શકે એમ નથી. આ ફિલ્મની નવી તારીખ બહુ જલદી જાહેર કરવામાં આવશે.

