દીકરી શ્રુતિ હાસને હાલમાં એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો
કમલ હાસન, અપર્ણા સેનના, શ્રુતિ હાસન
કમલ હાસનની દીકરી શ્રુતિ હાસને એક વાતચીત દરમ્યાન ખુલાસો કર્યો છે કે તેના પિતા અને દિગ્ગજ અભિનેતા કમલ હાસન બંગાળી ઍક્ટ્રેસ અપર્ણા સેન સાથે પ્રેમમાં હોવાને કારણે બંગાળી શીખ્યા હતા. હાલમાં ‘કૂલી’ના નિર્માતાઓએ ફિલ્મનો એક પ્રમોશનલ વિડિયો શૅર કર્યો છે જેમાં શ્રુતિ અને અભિનેતા સત્યરાજ વચ્ચે વાતચીત થઈ રહી છે. સત્યરાજે આ વાતચીત દરમ્યાન શ્રુતિની તેના પિતાની જેમ અનેક ભાષાઓ જાણવાની પ્રશંસા કરી. તેણે એ પણ નોંધ્યું કે કમલ હાસને એક બંગાળી ફિલ્મ કરી હતી અને એના માટે બંગાળી ભાષા શીખી હતી. આના જવાબમાં શ્રુતિએ ખુલાસો કર્યો કે તેના પિતાએ આ ભાષા ફિલ્મ માટે નહીં, પરંતુ બંગાળી ઍક્ટ્રેસ અપર્ણા સેન સાથે પ્રેમમાં હોવાને કારણે શીખી હતી.
શ્રુતિએ વાતચીત દરમ્યાન કહ્યું કે ‘શું તમે જાણો છો કે તેમણે બંગાળી કેમ શીખી? કારણ કે એ સમયે તેઓ અપર્ણા સેન સાથે પ્રેમમાં હતા અને તેમને પ્રભાવિત કરવા માટે મારા પિતાએ બંગાળી શીખી હતી. તેમણે ફિલ્મો માટે આ ભાષા શીખી નહોતી. મારા પિતાની ફિલ્મ ‘હે રામ’માં રાની મુખરજીના પાત્રનું નામ પણ અપર્ણા હતું, જે અપર્ણા સેનના નામ પરથી રાખવામાં આવ્યું હતું.’
ADVERTISEMENT
કોણ છે અપર્ણા સેન?
અપર્ણા સેન બંગાળી સિનેમાનાં સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંનાં એક છે અને તેઓ ફિલ્મમેકર પણ છે. તેમણે નવ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા છે અને ૧૯૮૭માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અપર્ણા બૉલીવુડની જાણીતી અભિનેત્રી કોંકણા સેન શર્માનાં મમ્મી છે.


