સોનુ સૂદે ‘જવાન’ જોઈ અને શાહરુખ ખાનનાં ખૂબ વખાણ કર્યાં છે. શાહરુખ અને સોનુ સૂદે ‘હૅપી ન્યુ યર’માં સાથે કામ કર્યું હતું

ફાઇલ તસવીર
સોનુ સૂદે ‘જવાન’ જોઈ અને શાહરુખ ખાનનાં ખૂબ વખાણ કર્યાં છે. શાહરુખ અને સોનુ સૂદે ‘હૅપી ન્યુ યર’માં સાથે કામ કર્યું હતું. બૉક્સ-ઑફિસ પર ‘જવાન’ રેકૉર્ડ બનાવી રહી છે. ફિલ્મનું કલેક્શન પણ શાનદાર છે. ફિલ્મ જોયા બાદ ‘હૅપી ન્યુ યર’નો ડાયલૉગ શૅર કરીને એક્સ પર સોનુ સૂદે પોસ્ટ કર્યું કે ‘કિસ્મત બડી કુત્તી ચીઝ હોતી હૈ, સાલી કભી ભી પલટ જાતી હૈ. લેકિન ‘જવાન’ અપની કિસ્મત ખુદ લિખતા હૈ. મુબારક હો શાહરુખ ખાન ભાઈ.’
સોનુ સૂદને રિપ્લાય આપતાં શાહરુખે પોસ્ટ કર્યું કે ‘થૅન્ક યુ સોનુ સૂદ. તારી શુભેચ્છા મારા માટે ખૂબ મહત્ત્વ રાખે છે. કિસ્મત પલટે કે ન પલટે, પરંતુ તારા જેવો ભાઈ હોવાનો મને ગર્વ છે. લવ યુ.’
બીજી તરફ વરુણ ધવને પણ ‘જવાન’નાં વખાણ કર્યાં હતાં. શાહરુખ અને વરુણે ‘દિલવાલે’માં કામ કર્યું હતું. ફિલ્મ જોયા બાદ એક્સ પર વરુણે પોસ્ટ કર્યું કે ‘‘જવાન’ બ્લૉકબસ્ટર ફિલ્મ છે. એક ઍક્ટર અને સુપરસ્ટાર શાહરુખ ખાને અદ્ભુત ફિલ્મ આપી છે. મને ફિલ્મ જોવાની ખૂબ મજા આવી હતી. એવું લાગ્યું જાણે એક બાળક કૅન્ડીના સ્ટોરની સામે ઊભો છે. ડિરેક્ટર ઍટલીએ દરેક ક્ષણને ખૂબ સુંદર રીતે દેખાડી છે. અન્ના ક્યા બાત હૈ, સર સુપર સ્ટફ.’
વરુણની આ વાત પર શાહરુખને પણ હસવું આવી ગયું હતું. તેને રિપ્લાય આપતાં શાહરુખે લખ્યું કે ‘થૅન્ક યુ માય મૅન. પોતાની જાતને કૅન્ડી સ્ટોરની બહાર ઊભેલા બાળક તરીકે વ્યક્ત કરવું સારી વાત છે. તારા માટે પ્રેમ, સારા સ્વાસ્થ્ય અને હંમેશાં બેસ્ટ કરે એવી કામના કરું છું.’