જેકી શ્રોફ આજકાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર ખાવાની વાનગીની સાથે પર્યાવરણને બચાવવા માટે પણ પહેલ ચલાવે છે.
જેકી શ્રોફ
જેકી શ્રોફનું કહેવું છે કે તેની મમ્મી તેની હેરસ્ટાઇલને દેવ સાહબની સ્ટાઇલમાં રાખતી હતી. જેકી શ્રોફ આજકાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર ખાવાની વાનગીની સાથે પર્યાવરણને બચાવવા માટે પણ પહેલ ચલાવે છે. દેવ આનંદની ૧૦૦મી બર્થ-ઍનિવર્સરી હોવાથી જૅકી શ્રોફે તેમની સાથેની મુલાકાત વિશે વાત કરી હતી.
આ વિશે જૅકી શ્રોફે કહ્યું કે ‘હું દેવ સાહબને ૪૦ વર્ષ અગાઉ મળ્યો હતો અને મારા માટે એ સપનું પૂરું થવા સમાન હતું. મારી મમ્મી મારી હેરસ્ટાઇલ દેવ સાહબ જેવી બનાવતી હતી. તેમનાં રોમૅન્ટિક સૉન્ગ મને ખૂબ જ પસંદ હતાં. હું તેમને પહેલી વાર તેમની ઑફિસમાં મળ્યો હતો અને તેમને જોઈને બેભાન જેવો થઈ ગયો હતો. તેઓ હંમેશાં મારું નામ ત્રણ વાર બોલતા હતા અને તેમણે મને એક રોલ પણ ઑફર કર્યો હતો. હું હજી પણ એ સપનાને નથી ભૂલી શકતો. તેઓ હંમેશાં એનર્જીથી ભરપૂર રહેતા હતા. તેઓ મને હંમેશાં એક સ્ટેપ આગળનું વિચારવા કહેતા હતા. તેમના જેવું કોઈ ન હોઈ શકે. તેઓ એક આઇકન હતા. તેઓ મારા માટે મારા ભગવાન હતા. તેમની ‘ગાઇડ’ હંમેશાં મારી સાથે રહેશે. આ ફિલ્મમાં તેમની ઑરા એકદમ અદ્ભુત હતી. તેમની ‘હરે રામ હરે ક્રિષ્ના’, ‘તેરે મેરે સપને’ વગેરે જેવી ફિલ્મો મારી ફેવરિટ છે. તેમની ફિલ્મો હું વારંવાર જોઈ શકું છું.’


