સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ બાદ સાહિલ ખાને સલમાન ખાનને કર્યો ટાર્ગેટ
સાહિલ ખાન અને સલમાન ખાન (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
2001માં આવેલી ફિલ્મ 'સ્ટાઇલ'એ દર્શકોનું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મ દ્વારા અભિનેતા સાહિલ ખાને બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. પહેલી જ ફિલ્મથી સાહિલને નામ અને ચાહકોનો પ્રેમ મળ્યો હોવા છતા તે બૉલીવુડમાં ટકી ન શક્યો. પ્રથમ ફિલ્મ બાદ અભિનેતાને બૉલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન અને ભાઈજાન સલમાન ખાન સાથે પ્રખ્યાત મૅગેઝિનના કવર પૅજ પર સ્થાન મળ્યું હતું. સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા બાદ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના લોકો પર કેમ્પ્સ ચલાવવાના અને લૉબિઇંગ કરીને અમુક જ લોકો સાથે કામ કરવું એવું વલણ તેમજ નેપોટિઝમના આરોપ લાગી રહ્યાં છે. ત્યારે અભિનેતા સાહિલ ખાન પણ આરોપ લગાવવાની હરોળમાં જોડાઈ ગયો છે. સાહિલનું કહેવું છે કે, તેને ફિલ્મો ન મળવાનું કારણ બૉલીવુડના પૉપ્યુલર ખાન છે. 2001માં બૉલીવુડમાં ડેબ્યુ કર્યા બાદ સાહિલ ખાન ફક્ત સાત ફિલ્મોમાં દેખાયો હતો.
સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા બાદ સાહિલ ખાને સલમાન ખાનને ટાર્ગેટ કરીને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, જીવનમાં બહુ ઓછા લોકો સાથે એવું બને કે પહેલી જ ફિલ્મ બાદ ઈન્ડિયાના સૌથી ટૉપ મૅગેઝિનના કવર પર ભારતના બે સુપરસ્ટાર સાથે ફીચર થવાનો મોકો મળે. પરંતુ તેમાંથી એક સુપરસ્ટરને બહુ ખોટું લાગ્યું. જ્યારે હું તો નવો હતો, તેમનો ફૅન હતો, નબળો હતો.
ADVERTISEMENT
બૉલીવુડનો કયા ખાનની એ વાત કરે છે તેનું નામ લીધા વગર સાહિલે આગળ લખ્યું હતું કે, પછી તેઓ અનેકવાર મને સાઈડ રૉલ માટે બોલાવતા. ટીવી શો માટે પણ બોલાવતા. અને પછી કેટલીક ફિલ્મોમાંથી મને કઢાવી દીધો. નામ મોટા પણ દર્શન ખોટા. વિચારો કોણ હશે. પણ મને ફરક નથી પડતો કારણકે સુશાંત સિંહ રાજપુતે તેમનો અસલી ચહેરો બધા સામે લાવી દીધો છે. દુનિયાના આ લોકો નવી ટેલેન્ટથી કેટલા ડરે છે. 20 વર્ષમાં જોન અબ્રાહમ સિવાય કોઈ મોટો સ્ટાર ઈન્ડસ્ટ્રીમાં નથી આવ્યો. કોઈ આવવા જ નથી દેતુ. ફક્ત સ્ટાર કિડ્સને જ કામ મળે છે. આ વિષે વિચારો. તમારી આત્માને શાંતિ મળશે.
14 જૂને સુશાંત સિંહ રાજપુતે બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેના મૃત્યુ પછી બૉલીવુડના કેટલાક નિર્માતાઓ પર આઉટસાઈડર્સને કામ નહીં આપવાના આરોપ લગાડવામાં આવી રહ્યાં છે. 'દબંગ' ફિલ્મના ડાયરેક્ટર અભિનવ સિંહ કશ્યપે પણ સલમાન ખાન પર કેમ્પ ચલાવવાનો આરોપ લગાડયો છે.


