વિધુ વિનોદ ચોપડાને કારણે હું સુસાઇડ કરવાના આરે હતો : ચેતન ભગત
ચેતન ભગત
રાઇટર ચેતન ભગતે આરોપ મૂક્યો છે કે એક સમયે તે વિધુ વિનોદ ચોપડાને કારણે સુસાઇડ કરવાનો હતો. સુશાંત સિંહ રાજપૂતની ‘દિલ બેચારા’ રિલીઝના આરે છે. એવામાં ક્રિટિક્સને સલાહ આપતાં ટ્વિટર પર ચેતન ભગતે ટ્વીટ કર્યું હતું કે ‘સુશાંતની છેલ્લી ફિલ્મ રિલીઝ થવાની છે. હું તમામ દંભી અને એલિટ ક્રિટિક્સને કહેવા માગું છું કે જે કંઈ પણ ફિલ્મ વિશે લખો તો સમજદારીથી લખજો. ઓવરસ્માર્ટ ન બનતા. ખરાબ લખતા નહીં. નિષ્પક્ષ અને સમજદાર બનો. તમારી ખરાબ ટ્રિક્સનો ઉપયોગ ન કરતા. તમે ઘણીબધી લાઇફ બરબાદ કરી નાખી છે. હવે બસ કરો. અમે બધું જ જોઈશું.’
તેના આ ટ્વીટ પર વિધુ વિનોદ ચોપડાની વાઇફ અનુપમા ચોપડાએ ટ્વીટ કર્યું હતું કે ‘દર વખતે તું એમ ન વિચારી શકે કે ઉપદેશનો સ્તર નીચે પડી જશે, પરંતુ એ નીચે આવી જ જાય છે.’
અનુપમાના ટ્વીટ પર રિપ્લાય આપતાં ચેતન ભગતે ટ્વીટ કર્યું હતું કે ‘મૅમ, જ્યારે તમારા પતિએ મને જાહેરમાં નીચો દેખાડ્યો, બેશરમ બનીને બધા જ બેસ્ટ સ્ટોરી અવૉર્ડ્સ લઈ ગયા, મને ક્રેડિટ આપવાની ના પાડી દીધી અને મને લગભગ સુસાઇડ કરવાના આરે પહોંચાડી દીધો હતો ત્યારે તમે માત્ર જોઈ રહ્યાં હતાં. ત્યારે તમારો ઉપદેશ ક્યાં ગયો હતો?’
અન્ય એક ટ્વીટમાં ચેતન ભગતે ટ્વીટ કર્યું હતું કે ‘મારી નૉવેલ ‘ફાઇવ પૉઇન્ટ સમવન’ અને એની સ્ટોરી પર ‘3 ઇડિયટ્સ’ આધારિત હતી. એ વર્ષે ફિલ્મે તમામ અવૉર્ડ્સ જીત્યા હતા. મને એક પણ અવૉર્ડ એની સ્ટોરી માટે આપવામાં આવ્યો નહીં, તેમણે જ બધા અવૉર્ડ્સ લઈ લીધા. હું એક નિસહાય ન્યુકમર હતો. મને ખૂબ હેરાન કરવામાં આવતો હતો અને એની મારા પર ભારે માઠી અસર પડી હતી.’


