અલાયા ફર્નિચરવાલાનું કહેવું છે કે ‘ફ્રેડી’માં તેને તેના રોલની તૈયારી કરવા માટે સમય નહોતો મળ્યો.

અલાયા ફર્નિચરવાલા
અલાયા ફર્નિચરવાલાનું કહેવું છે કે ‘ફ્રેડી’માં તેને તેના રોલની તૈયારી કરવા માટે સમય નહોતો મળ્યો. ડિઝની+હૉટસ્ટાર પર આ ફિલ્મ બીજી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મને શશાંક ઘોષે ડિરેક્ટ કરી છે. તો બાલાજી ટેલિફિલ્મ્સ, એન. એચ. સ્ટુડિયોઝ અને નૉર્ધર્ન સ્ટુડિયોઝે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન ડેન્ટિસ્ટ ડૉ. ફ્રેડીને રોલમાં દેખાવાનો છે. આ ફિલ્મનું જ્યારે અલાયાએ શૂટિંગ શરૂ કર્યું ત્યારે તે ચંડીગઢમાં અન્ય પ્રોજેક્ટમાં બિઝી હતી. એ પ્રોજેક્ટ પૂરો કરીને બીજા જ દિવસે તે ‘ફ્રેડી’ના સેટ પર પહોંચી ગઈ હતી. એથી તેને તૈયારી કરવાનો પૂરતો સમય નહોતો મળ્યો. એ વિશે અલાયાએ કહ્યું કે ‘ખરેખર તો હું તૈયારી કરવામાં માનનારી ઍક્ટર છું. તૈયારી કરવામાં મને સહજતા લાગે છે. જોકે ‘ફ્રેડી’ તો એકદમ અલગ અનુભવ હતો. એ સમયે હું ચંડીગઢમાં અન્ય ફિલ્મના શૂટિંગમાં બિઝી હતી અને એ શેડ્યુલ આગળ વધી ગયું. એથી એનું શૂટિંગ પૂરું કરીને હું મુંબઈ પાછી આવી અને બીજા જ દિવસે હું ‘ફ્રેડી’ના સેટ પર પહોંચી ગઈ હતી. એ બન્ને ફિલ્મો વચ્ચે તૈયારી કરવાનો મને સમય ન મળ્યો.’
ફિલ્મમાં કૈનાઝના રોલમાં અલાયા દેખાવાની છે. સેટ પર જ તે રોલની તૈયારી કરતી હતી. એ વિશે અલાયાએ કહ્યું કે ‘સેટ પર શૂટિંગ દરમ્યાન જ હું મારા રોલની તૈયારી કરતી હતી. પૅકઅપ કર્યા બાદ હું મારા ઍક્ટિંગ કોચ પાસે પહોંચી જતી હતી અને બીજા દિવસની તૈયારીમાં જોડાઈ જતી હતી. સદ્નસીબે મારી ટૅલન્ટેડ અને સ્કિલ્ડ ટીમના સપોર્ટ અને માર્ગદર્શનથી હું મારા પાત્ર કૈનાઝને સાકાર કરી શકી હતી.’