કેટલાક લોકો ફિલ્મને ધર્મની વિરુદ્ધ નેગેટિવ પ્રૉપગૅન્ડા જણાવી રહ્યા છે.
અશોક પંડિત
‘72 હૂરેં’ના પ્રોડ્યુસર અશોક પંડિતે જણાવ્યું કે તેઓ કોઈ ધમકીઓથી ડરતા નથી. તેમની આ ફિલ્મને લઈને ખાસ્સો વિવાદ થયો છે. ફિલ્મને લઈને લોકો મિક્સ રીઍક્શન આપી રહ્યા છે. કેટલાક લોકો એને ધર્મની વિરુદ્ધ નેગેટિવ પ્રૉપગૅન્ડા જણાવી રહ્યા છે. ફિલ્મના ડિરેક્ટર સંજય પૂરણસિંહને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેણે પોલીસ પ્રોટેક્શન માગ્યું છે તો અશોક પંડિતને પણ સુરક્ષા આપવામાં આવી છે. એથી મહારાષ્ટ્રની સરકાર અને મુંબઈ પોલીસનો તેમણે આભાર વ્યક્ત કર્યો છે. એ વિશે અશોક પંડિતે કહ્યું કે ‘મારી ફિલ્મ ‘72 હૂરેં’ રિલીઝ થઈ છે. ફિલ્મને લઈને શાનદાર રિસ્પૉન્સ મળી રહ્યા છે. મારા ઘર અને ઑફિસ પર સલામતી વધારવામાં આવી છે. મને પર્સનલી પણ સુરક્ષા આપવામાં આવી છે. મને ઘણા દિવસોથી મારવાની ધમકીઓ મળી રહી હતી. સોશ્યલ મીડિયા પર અપશબ્દો કહેવામાં આવે છે. આ ધમકીઓ એ લોકો આપી રહ્યા છે જે આતંકવાદને સપોર્ટ કરે છે. હું દર્શકોને વિનંતી કરું છું કે તેઓ ફિલ્મ જોઈને એને સપોર્ટ કરે. અમે આ ફિલ્મ આતંકવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવવા પર બનાવી છે. હું કોઈ ધમકીઓથી નથી ડરતો, કારણ કે મારા માટે દેશ પહેલાં આવે છે.’


