દેશવિદેશમાં રહેતા તેમના પ્રશંસકો માટે તેમનું અવસાન એક મોટો આઘાત હતો
લતા મંગેશકર
લતા મંગેશકરના અવસાનને એક વર્ષ પસાર થઈ ગયું છે એમ છતાં એ દુ:ખમાંથી તેમનો પરિવાર બહાર નથી આવ્યો. ગયા વર્ષે ૬ ફેબ્રુઆરીએ લતા મંગેશકરે લાંબી માંદગી બાદ દુનિયામાંથી વિદાય લીધી હતી અને સ્વરસમ્રાજ્ઞી હંમેશાં માટે મૌન થઈ ગયાં હતાં. દેશવિદેશમાં રહેતા તેમના પ્રશંસકો માટે તેમનું અવસાન એક મોટો આઘાત હતો. તેમને અંતિમ વિદાય આપવા માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. આજે એક વર્ષ પસાર થતાં તેમનાં નાનાં બહેન ઉષા મંગેશકરે કહ્યું કે ‘અમે આજે પણ એ વાત સ્વીકારી નથી શકતાં કે તેઓ અમારી વચ્ચે નથી રહ્યા. એક વર્ષ પસાર થઈ ગયું છે અને અમને વિશ્વાસ નથી થતો કે તેઓ હવે હયાત નથી. તેઓ એક વિશાળ પ્રવાહ હતાં અને એને ઘટાડી ન શકાય. આખો દિવસ તેમનો અવાજ ગુંજે છે.
તેમની યાદો આજે પણ છે. મારો ફોન જ્યારે પણ રણકે છે તો મને એમ લાગે છે કે ‘શું દીદીએ કૉલ કર્યો હશે?’ લોકો તેમને યાદ કરતાં ઘરે આવે છે. અમને ખૂબ દુ:ખ થાય છે. તેઓ ભગવાનમાં ખૂબ આસ્થા ધરાવતાં હતાં. તેઓ પૂજા કરતાં હતાં. તેમનો રૂમ અગરબત્તીની સુગંધથી મહેકતો હતો. તેમની આ બધી નાની-નાની વસ્તુઓને અમે યાદ કરીએ છીએ. તેમની સાથે બેસો એટલે તમને શાંતિનો એહસાસ થાય. તેઓ શાંતિનું પ્રતિબિંબ હતાં. તેઓ ફૅમિલી, ફ્રેન્ડ્સ અને સ્ટાફ સાથે ખૂબ સહજ હતાં. તેમના અવાજમાં એક પ્રકારની દિવ્યતા હતી.’ બીજી તરફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કેટલાક લોકોએ તેમને સોશ્યલ મીડિયામાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
ADVERTISEMENT
"આજે એક વર્ષ પસાર થઈ ગયું છે જ્યારે ભારત રત્ન લતા મંગેશકરજી આપણને છોડી ગયાં હતાં. આપણે જેમને પ્રેમ કરીએ છીએ તેઓ આપણને કદી પણ છોડીને નથી જતાં, તેઓ તો દરરોજ આપણી સાથે હાજર હોય છે. દેખાતાં નથી, સંભળાતાં નથી પરંતુ હંમેશાં નજીક હોય છે. એટલો જ પ્રેમ, એટલી જ યાદ અને ખૂબ પ્રેમાળ. એક વર્ષ તમારા વગર એવી રીતે પસાર થયું જાણે એક અમરત્વ. તમારી યાદ હંમેશાં આવશે." - પંકજ ઉધાસ
"યુનિવર્સનો અવાજ એક વર્ષ અગાઉ પાછો યુનિવર્સમાં પહોંચી ગયો." - વિશાલ દાદલાણી
આ પણ વાંચો : કોસ્ટલ રોડનું નામ લતા દીદીના નામે રાખવાની મંગેશકર પરિવારે કરી માગ
લતા મંગેશકરની યાદમાં હાજી અલીમાં તેમના સ્મારકનું થયું ભૂમિપૂજન
મેરી આવાઝ હી પહચાન હૈ
લતા મંગેશકરની ગઈ કાલે પહેલી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપતા આર્ટિસ્ટ સુદર્શન પટનાઈકે ઓડિશાના સમુદ્રકિનારે રેતીથી તેમની એક ભવ્ય કલાકૃતિ બનાવી હતી. આવી રીતે તેણે ભારત રત્ન લતાદીદીને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં.

