Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ જંકશન: આજે રિલીઝ થઈ રહી છે આ ફિલ્મો

ફિલ્મ જંકશન: આજે રિલીઝ થઈ રહી છે આ ફિલ્મો

Published : 19 June, 2026 10:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘જિંદગી Once More’ ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બહુ મહત્ત્વની છે કારણ કે કરણ જોહરનું પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સ આ ફિલ્મ દ્વારા પ્રથમ વખત ગુજરાતી સિનેમામાં એન્ટ્રી કરી રહ્યું છે.

ફિલ્મોનાં પોસ્ટર્સ

ફિલ્મોનાં પોસ્ટર્સ


ફિલ્મ જંકશન: આજે રિલીઝ થઈ રહી છે આ ફિલ્મો

જિંદગી Once More



‘જિંદગી Once More’ ગુજરાતી 
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બહુ મહત્ત્વની છે કારણ કે કરણ જોહરનું પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સ આ ફિલ્મ દ્વારા પ્રથમ વખત ગુજરાતી સિનેમામાં એન્ટ્રી કરી રહ્યું છે. આ ​ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, આરતી પટેલ, દીપ ધોળકિયા અને જાહ્‌નવી ધકાણ છે. આ વાર્તા પિતા અને પુત્રના અનોખા અને ખાસ સંબંધો પર આધારિત છે. વાર્તામાં એક દીકરો તેના પિતાના ભૂતકાળના ગૌરવ વિશે જાણી જાય છે અને ત્યાર પછી તે પોતાના પિતાને ફરીથી એ જ સન્માનજનક સ્થાન પર પાછા લાવવા માટે પ્રયત્નો શરૂ કરે છે. ફિલ્મમાં કૉમેડી, ઇમોશન્સ અને સંગીતનો સમન્વય જોવા મળે છે.


કૉકટેલ 2

શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ રોમૅન્ટિક કૉમેડી-ડ્રામા ૨૦૧૨માં આવેલી સુપરહિટ હિન્દી ફિલ્મ ‘કૉકટેલ’ની સ્પિરિચ્યુઅલ સીક્વલ છે. આ ફિલ્મ આજના આધુનિક યુગના પ્રેમ, મિત્રતા અને સંબંધોની ગૂંચવણો પર આધારિત છે. ફિલ્મમાં ત્રણ મુખ્ય પાત્રો વચ્ચેનો રોમૅન્ટિક લવ-ટ્રાયન્ગલ અને એનાથી ઊભી થતી મનોરંજક પરિસ્થિતિઓ દર્શાવવામાં આવી છે. આ ફિલ્મનો રનટાઇમ ૧૫૦ મિનિટ છે. ફિલ્મની બોલ્ડ થીમ અને કન્ટેન્ટને કારણે સેન્સર બોર્ડ તરફથી આ ફિલ્મને A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. 


OTT જંક્શન

અબ હોગા હિસાબ

શાહીર શેખ, સંજય કપૂર અને મૌની રૉયની વેબ-સિરીઝ ‘અબ હોગા હિસાબ’ બદલો અને દગા પર આધારિત એક ડ્રામા છે. આ સિરીઝની વાર્તા પંજાબમાં રહેતા બે ભાઈઓ બૉબીનો રોલ કરી રહેલા શાહીર શેખ અને બંટીનો રોલ કરી રહેલા અવિનાશ મિશ્રાની આસપાસ ફરે છે. મોટો ભાઈ બૉબી પોતાના નાના ભાઈ બંટીના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવસ-રાત મહેનત કરે છે અને તેને વિદેશ મોકલવાનું સપનું જુએ છે. જોકે પરિસ્થિતિઓ એવી રીતે બદલાય છે કે બન્ને ભાઈઓના જીવનમાં દગો, સંઘર્ષ અને બદલો કેન્દ્રસ્થાને આવી જાય છે જેના કારણે તેમની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આ સિરીઝ ઍમૅઝૉન MX પ્લેયર પર સ્ટ્રીમ થઈ રહી છે. આ ઉપરાંત એને પ્રાઇમ વિડિયો, જિયો ટીવી અને ઍરટેલ એક્સસ્ટ્રીમ પર પણ જોઈ શકાય છે.

ઠુકરા કે મેરા પ્યાર - સીઝન 2

૨૦૨૪માં ‘ઠુકરા કે મેરા પ્યાર’  વેબ-સિરીઝની પ્રથમ સીઝન સરપ્રાઇઝ હિટ સાબિત થઈ હતી. હવે લગભગ બે વર્ષ બાદ એની બીજી સીઝન આવી છે. આ સીઝનમાં બન્ને ભૂતપૂર્વ પ્રેમીઓ નાના શહેરની ઉતાર-ચડાવભરી સત્તાની રાજનીતિ વચ્ચે ફરી એક વાર આમને-સામને આવે છે. આ વખતે વાર્તા માત્ર રોમૅન્સ સુધી સીમિત નથી પણ સાઇકોલૉજિકલ યુદ્ધમાં પરિવર્તિત થઈ ગઈ છે. આ યુદ્ધમાં દગો, મહત્ત્વાકાંક્ષા અને લાગણીઓ સૌથી ખતરનાક હથિયાર બની જાય છે. આ વેબ-સિરીઝ જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.

ધુરંધર : ધ રિવેન્જ

રણવીર સિંહની સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’એ કમાણીના મામલે બૉક્સ-ઑફિસના અનેક રેકૉર્ડ્‌સ તોડી નાખ્યા હતા. હવે આજથી ફિલ્મનું અનએડિટેડ ઇન્ટરનૅશનલ કટ નેટફ્લિક્સ ઇન્ડિયા પર જોવા મળશે. આના કારણે ભારતીય દર્શકો હવે પહેલી વાર ‘ધુરંધર : ધ રિવેન્જ’નું સંપૂર્ણ અનમ્યુટેડ અને ઇન્ટરનૅશનલ વર્ઝન જોઈ શકશે. આ નવા સ્ટ્રીમિંગ વર્ઝનમાં એવાં તમામ અનકટ દૃશ્યો સામેલ હશે જે ભારતીય સિનેમાઘરોમાં બતાવવામાં આવ્યાં નહોતાં. એની સાથે ‘રૉ ઍન્ડ અનદેખા’ વર્ઝન પણ ઉપલબ્ધ રહેશે. નેટફ્લિક્સ ઇન્ડિયાએ ગઈ કાલે પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફૉર્મ પર એક નવો પ્રમોશનલ વિડિયો શૅર કરીને આ અનકટ વર્ઝનની સત્તાવાર જાહેરાત કરી હતી. આ વર્ઝનમાં બિન-સેન્સર્ડ સંવાદો અને મૂળ ઑડિયો ટ્રૅક્સ સામેલ હશે, જે અગાઉ માત્ર વિદેશી બજારોમાં જ રિલીઝ કરવામાં આવ્યા હતા. દર્શકો ફિલ્મને હિન્દી, તેલુગુ, તામિલ, કન્નડા અને મલયાલમ ભાષાઓમાં જોઈ શકશે.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK