Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ત્રીની સફળતાને કેમ શંકાની નજરે જોવાય છે?

સ્ત્રીની સફળતાને કેમ શંકાની નજરે જોવાય છે?

04 June, 2023 08:01 AM IST | Mumbai
Jane Borges | jane.borges@mid-day.com

સ્ત્રીની મહત્ત્વાકાંક્ષા એ શું એક ક્રાઇમ છે? પોતાના લેટેસ્ટ વેબશોમાં હંસલ મહેતાએ ‘મિડ-ડે’ના ભૂતપૂર્વ ઇન્વેસ્ટિગેટિવ એડિટર જે. ડે પર ધોળા દિવસે થયેલા ગોળીબારની ઘટના અને એ પછીના ઘટનાક્રમને ક્રાઇમ રિપોર્ટરની નજરે ઝીલવાનો પ્રયાસ કર્યો છે;

સ્ત્રીની મહત્ત્વાકાંક્ષા એ શું એક ક્રાઇમ છે? Exclusive

સ્ત્રીની મહત્ત્વાકાંક્ષા એ શું એક ક્રાઇમ છે?


કરિશ્મા તન્નાને મુખ્ય રોલમાં લઈને હંસલ મહેતાએ બનાવેલો વેબ-શો ‘સ્કૂપ’ વાત મહિલા રિપોર્ટર જ્યારે રિપોર્ટનો સબ્જેક્ટ બને છે ત્યારે શું થાય એની છે : ‘મિડ-ડે’ના ભૂતપૂર્વ ઇન્વેસ્ટિગેટિવ એડિટર જે. ડેની હત્યા પછી શંકાના ઘેરામાં આવેલાં જર્નલિસ્ટ જિજ્ઞા વોરાના જેલમાંના તેમના અનુભવો પર આધારિત આ વેબ-શો સતત એવો સવાલ ઊભો કરે છે કે શું મહત્ત્વાકાંક્ષા રાખવાથી સ્ત્રી ગુનેગાર બની જાય છે? આ પ્રશ્ન અને શો બન્ને વિશે જૅન બોર્જેસે ખાસ ચર્ચા કરી હંસલ મહેતા, કરિશ્મા તન્ના અને જિજ્ઞા વોરા સાથે.

પોતાના લેટેસ્ટ વેબશોમાં હંસલ મહેતાએ ‘મિડ-ડે’ના ભૂતપૂર્વ ઇન્વેસ્ટિગેટિવ એડિટર જે. ડે પર ધોળા દિવસે થયેલા ગોળીબારની ઘટના અને એ પછીના ઘટનાક્રમને ક્રાઇમ રિપોર્ટરની નજરે ઝીલવાનો પ્રયાસ કર્યો છે; જે પોલીસ, મીડિયા અને અન્ડરવર્લ્ડની ભયંકર ગૂંચવણના કેન્દ્રમાં હતી જિજ્ઞા વોરા અને તેને કેન્દ્રસ્થાને રાખીને કહેવાયેલી આ વાર્તાને સ્ક્રીન પર સાકાર કરી છે કરિશ્મા તન્નાએ. ચાલો, આ વેબશોના ગુજરાતીઓ પાસેથી જાણીએ તેમની કેફિયત


એ અનુભવે મને તોડી નાખી. એને હું કદી ભૂલી શકીશ નહીં. મેં મારી જાતને વારંવાર પૂછ્યા કર્યું કે હું આમાંથી કેમ પસાર થઈ રહી છું અને શા માટે? જ્યારે મારી અંગ-તપાસ (સ્ટ્રિપ-સર્ચ) ચાલી રહી હતી ત્યારે બહાર એક પુરુષ કૉન્સ્ટેબલ પણ બેઠો હતો. એ રાતે હું સૂઈ શકી નહોતી. હું માત્ર એટલું જ વિચારી શકતી હતી કે તે કૉન્સ્ટેબલ હસી રહ્યો હશે.
જિજ્ઞા વોરા


હું એક સ્ત્રીની હાડમારીને સ્ક્રીન પર ઝીલવા માગતો હતો. સાવ સાદી-સરળ જરૂરિયાતો ધરાવતી એક સ્ત્રી જ્યારે મોટા ગુનાહિત કૃત્યના કેન્દ્રસ્થાને આવી જાય, તેની સામે સઘન તપાસ શરૂ થાય. એક સ્ત્રીની સફળતાને જૂની રીતે જોવામાં આવી. એવું તે શું બન્યું કે એક રિપોર્ટર અચાનક રિપોર્ટનો વિષય બની જાય છે?’ 
હંસલ મહેતા

ઘરની સામે જ બનેલી ઘટનાઓને સ્ક્રીન પર જોવાનો અનુભવ કંપાવી દેનારો અને બેચેન કરી દે એવો હોય. આ અનુભવ થોડો જિજ્ઞાસાભર્યો પણ બન્યો, કારણ કે અહીં સ્ક્રીન પર દેખાતાં પાત્રો પોતાની ભૂમિકા ભજવતા કલાકારો માત્ર નથી, પણ એવા લોકો છે જેઓ સ્ક્રીન પરની ઘટનાઓની વાસ્તવિકતાને આજે પણ જીવી રહ્યા છે. એવા લોકોમાં આ લખનાર ઉપરાંત તેના ભૂતપૂર્વ અને અત્યારના વરિષ્ઠ સહકર્મીઓનો પણ સમાવેશ થાય છે. ફિલ્મનિર્માતા હંસલ મહેતાની લેટેસ્ટ નેટફ્લિક્સ રિલીઝ ‘સ્કૂપ’ આવા જ પ્રકારનો અનુભવ આપતો વેબશો છે.


જિજ્ઞા વોરાએ પોતાની અનુભવકથા પરથી લખેલું પુસ્તક ‘બિહાઇન્ડ બાર્સ ઇન ભાયખલા : માય ડેઝ ઇન પ્રિઝન’ ૨૦૧૯માં બહાર પડ્યું. એ પુસ્તક પરથી પ્રેરિત વેબશો ‘સ્કૂપ’ મુંબઈના એક ક્રાઇમ રિપોર્ટર અને ‘ધી એશિયન એજ’ અખબારનાં ભૂતપૂર્વ ડેપ્યુટી બ્યુરો ચીફ સાથે બનેલી અસામાન્ય ઘટનાઓ પર આધારિત છે, જેમાં સૌથી મુખ્ય ઘટના શહેરમાં ચકચાર મચાવી દેનારી એક હત્યા છે. ધોળા દિવસે થયેલી આ હત્યા માટે શંકાના વર્તુળમાં ક્રાઇમ રિપોર્ટર જિજ્ઞા વોરાનું નામ આવતાં સૌ આઘાત અનુભવે છે.

‘મિડ-ડે’ના ક્રાઇમ અને ઇન્વેસ્ટિગેશનના એડિટર ૫૬ વર્ષના જ્યોતિર્મય ડે (જે. ડે) પર ગોળીબાર માટેના આરોપીઓમાં જિજ્ઞા વોરાનું પણ નામ હતું. ૧૧ જૂન ૨૦૧૧ના દિવસે પવઈના હીરાનંદાની ગાર્ડન્સ પાસે મોટરસાઇકલ પર સવાર ચાર માણસોએ જે. ડેની ગોળી મારીને હત્યા કરી હતી. એક સમયે દાઉદ ઇબ્રાહિમનો મુખ્ય સાથી રહેલો છોટા રાજન ઉર્ફે રાજન સદાશિવ નિખાલજેને આ હત્યા માટે ૨૦૧૮માં દોષી જાહેર કરવામાં આવ્યો અને અત્યારે તે તિહાર જેલમાં કેદ છે. જિજ્ઞા વોરા પર એવો આરોપ હતો કે તેણે અન્ડરવર્લ્ડ ડૉન સાથે ફ્રન્ટ પેજ ઇન્ટરવ્યુના બદલામાં જે. ડે વિશે મહત્ત્વની માહિતી રાજનને પૂરી પાડી હતી. જોકે સાત વર્ષ પછી મે ૨૦૧૮માં પુરાવાના અભાવે જિજ્ઞાને નિર્દોષ જાહેર કરવામાં આવી હતી.

Deys murder accusedજે. ડેની હત્યાના સાતમાંથી છ આરોપીઓ સાથે પોલીસની મુંબઈ પોલીસ કમિશનરની ઑફિસની ફાઇલ તસવીર.

એ સમયે જિજ્ઞા વોરા જે બ્રૉડશીટ માટે કામ કરતી હતી એમાં આ લખનાર પોતે સબ-એડિટર હતી. ‘સ્કૂપ’ વેબશોમાં એવી અનેક ઘટનાઓને ફરી જીવંત કરવામાં આવી છે જેની આ લખનાર પોતે સાક્ષી રહી છે. જે દિવસે રાજને અખબારની ઑફિસની લૅન્ડલાઇન પર ફોન કર્યો હતો ત્યારે કૉલ સ્પીકર પર હતો. જિજ્ઞાએ રાજનનો ઇન્ટરવ્યુ લીધો ત્યારે અમે બધા તેની આસપાસ ટોળે વળીને ઊભા હતા. એ પછીના દિવસે તેણે ફ્રન્ટ પેજ રિપોર્ટ ફાઇલ કર્યો હતો. જોકે કોઈને ખ્યાલ નહોતો કે આ એક્સક્લુઝિવ આર્ટિકલ અને રાજન સાથેના ફોનકૉલનો ઉપયોગ જિજ્ઞાની વિરુદ્ધ પુરાવા તરીકે કરવામાં આવશે. મુંબઈ પોલીસ અને ત્યાર બાદ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ આરોપ મૂક્યો હતો કે જિજ્ઞા રાજન સાથે સંપર્કમાં હતી અને જેનાથી જે. ડેની હત્યા થઈ એવા હિટજૉબ માટે રાજનને ઉશ્કેરતી હતી. જે. ડે એ સમયે ‘મિડ-ડે’માં નોકરી કરતા હતા અને મુંબઈમાં ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ તરીકે ખૂબ પ્રતિષ્ઠિત અને જાણીતા હતા.
આ વેબશોની રિલીઝ પહેલાં અમે ૪૮ વર્ષની જિજ્ઞા વોરાને મળ્યા ત્યારે અમારો પહેલો પ્રશ્ન તેમને હતો, ‘શું તમે જોયો છે આ શો?’

‘ના.’ તે નર્વસ થઈને કહે છે, ‘શો જોવાનો અર્થ એ થશે કે ભૂતકાળની ફરી મુલાકાત કરવી. અલબત્ત, હું જાણું છું કે મારી અનુભવકથા સુરક્ષિત હાથમાં છે.’ 

જિજ્ઞાની સાથે ફિલ્મનિર્માતા હંસલ મહેતા અને જિજ્ઞા વોરા પર આધારિત પાત્ર ‘જાગૃતિ પાઠક’ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી કરિશ્મા તન્ના પણ જોડાયાં છે.

Scoopઆ વેબશો જિજ્ઞા વોરાનાં સંસ્મરણો પર આધારિત છે. શોમાં જિજ્ઞાએ ભાયખલા મહિલા જેલમાં વિતાવેલા સમયની કહાણી વિગતવાર કહેવામાં આવી છે.

૨૦૨૦માં કોરોના મહામારીનાં થોડાં અઠવાડિયાં પહેલાં જ હંસલ મહેતાએ જિજ્ઞા વોરાની અનુભવકથાનું પુસ્તક વાંચ્યું હતું. હંસલ મહેતા કહે છે, ‘મેં આ પુસ્તક વાંચ્યું અને લાગ્યું કે થોડાક ઉપર ઊઠવાની, થોડું આગળ વધવાની જરૂર છે. જિજ્ઞાએ તેના જેલના દિવસોને ખૂબ વિગતવાર વર્ણવ્યા હતા, પણ સિનેમેટિક દૃષ્ટિએ જ્યાં સુધી વ્યક્તિ અને પાત્રને સારી રીતે સમજી ન લઈએ ત્યાં સુધી જેલના અનુભવોને ધાર્યો ઓપ આપી શકાય નહીં.’

તેમણે નક્કી કર્યું હતું કે શોમાં એવાં પાત્રો હશે જેમને તે નામ નહીં આપે અને ડ્રામા સર્જશે. ‘અને એથી જ મને લાગ્યું કે જિજ્ઞાના જીવનથી પ્રેરિત કથાને ફિક્શન સાથે જોડીને થોડા અલગ સ્વરૂપમાં બનાવવાની જરૂર છે.’ જોકે હંસલ મહેતા સ્પષ્ટતા કરે છે કે મોટા ભાગનાં પાત્રો જિજ્ઞાની દુનિયાના લોકોનું જ ડ્રામેટિક વર્ઝન છે. હા, એમાં એક અપવાદ છે નાના (રાજન દ્વારા વપરાતું નામ). મુંબઈના પત્રકારો હર્ષવર્ધન શ્રોફ (હર્મન બાવેજા) જેવાં ઘણાં પાત્રોને ઓળખી જશે. હર્ષવધર્ન શ્રોફ મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારી હતા અને એ સમયે હત્યાની તપાસનું નેતૃત્વ કરી રહ્યા હતા. બંગાળી ફિલ્મના સુપરસ્ટાર પ્રોસેનજિત ચૅટરજી આ શોમાં જે. ડેની ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો : ‘સ્કૂપ’નું પાત્ર મારા માટે કરીઅર ચેન્જિંગ છે : કરિશ્મા તન્ના

આ વેબશોમાં હંસલ મહેતા જેલની અનુભવકથા સાથે માણસની મહત્ત્વાકાંક્ષા-સપનાંઓ વિશે એક વ્યાપક વાર્તા કહેવા માગે છે. હંસલ મહેતા જણાવે છે, ‘એ (જિજ્ઞા વોરાનું પાત્ર) એક સારું ઘર ઇચ્છતી હતી. તે પોતાના પરિવાર માટે સારું જીવન ઇચ્છતી હતી. મુંબઈમાં રહેતી દરેક યુવતીની આ આકાંક્ષા હોય છે અને એમ છતાં કારણ કે તે એક સ્ત્રી છે, તેની સફળતાને અલગ રીતે જોવામાં આવી. એ જ કારણે તેની મહત્ત્વાકાંક્ષાઓને શંકાની નજરે જોવામાં આવી.’

હંસલ મહેતા કહે છે, ‘મેં હંમેશાં લોકો અને તેમની આંતરિક દુનિયાની શોધખોળ કરી છે અને આ વેબશો એ પ્રયાસોનું જ વિસ્તરણ છે. હું માત્ર વિકિપીડિયામાં એન્ટ્રી કરવા કે પત્રકારની આપવીતી - જર્નલિસ્ટ અકાઉન્ટ માટે આ શો નહોતો કરવા માગતો.’ 

નોંધનીય છે કે હંસલ મહેતાની તાજેતરની ફિલ્મ ‘ફરાઝ’ પણ બાયોગ્રાફિકલ ફિલ્મ હતી અને ૨૦૧૬ના ઢાકા આતંકી હુમલા પર આધારિત હતી.

Gun images૨૭ જૂન, ૨૦૧૧ની ફાઇલ તસવીર, જેમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન પોલીસે જે. ડે પર ગોળીબાર માટે હત્યારાઓએ વાપરેલી બંદૂકો સૌની સામે મૂકી હતી.

‘હું એક સ્ત્રીની હાડમારીને સ્ક્રીન પર ઝીલવા માગતો હતો. સાવ સાદી-સરળ જરૂરિયાતો ધરાવતી એક સ્ત્રી જ્યારે મોટા ગુનાહિત કૃત્યના કેન્દ્રસ્થાને આવી જાય, તેની સામે સઘન તપાસ શરૂ થાય... જોકે આ બધાથી મોટો પ્રશ્ન મારે મૂકવો છે. એ પ્રશ્ન છે કે શું મહત્ત્વાકાંક્ષી હોવાને લીધે એક સ્ત્રી ગુનેગાર બની જાય છે? એવું તે શું થાય છે કે એક રિપોર્ટર અચાનક રિપોર્ટનો વિષય બની જાય છે?’

હંસલ મહેતા કહે છે, ‘કરિશ્મા તન્ના આ ભૂમિકા માટેની પરફેક્ટ ફિટ છે, કારણ કે પાત્ર માટે જરૂરી સ્પિરિટને-ભાવનાને કરિશ્માએ આત્મસાત્ કર્યા છે.’

સ્ટૉકબ્રોકર હર્ષદ મહેતાના જીવન પર આધારિત અને હંસલ મહેતા દિગ્દર્શિત ૨૦૨૦માં રિલીઝ થયેલા વેબશો ‘સ્કૅમ ૧૯૯૨’ની કરિશ્મા ફૅન રહી છે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની ટીમે કરિશ્માનો સંપર્ક કર્યો એ પછી તેણે ભૂમિકા માટે ઑડિશન આપ્યું હતું. ‘હું સ્થળ પર પહોંચી ત્યાં સુધી મને કહેવામાં નહોતું આવ્યું કે આ શો શેના પર છે. જ્યારે મને ખબર પડી કે એ હંસલસરની સિરીઝ માટે છે ત્યારે મારો ઉત્સાહ બમણો થઈ ગયો હતો. ઑડિશન આપ્યા બાદ મેં તેમને એક મેસેજ મોકલ્યો હતો.’

હંસલ મહેતા વચ્ચે જ કહે છે, ‘તેણે મને ગુજરાતીમાં મેસેજ કર્યો હતો : ઑડિશન કર્યું, બહુ મજા આવી.’ જોકે હંસલ મહેતાએ એ બાબત ખાસ નોંધી હતી કે કરિશ્મા ત્યારે પણ અતિ ઉત્સાહમાં હતી. ‘તેનું ઑડિશન પરફેક્ટ નહોતું, પણ તેનામાં પોતાને સાબિત કરવાની ભૂખ હું જોઈ શકતો હતો અને તેની એ બાબત મને સ્પર્શી ગઈ, મારી સાથે મેળ ખાઈ ગઈ.”

કરિશ્મા કહે છે, ‘હું મારી ગ્લૅમરસ ઇમેજમાંથી બહાર આવવા માટે આતુર હતી. મને એ દર્શાવવાની તક જોઈતી હતી કે હું પણ અભિનય કરી શકું છું. જ્યારે મને ફોન પર જણાવવામાં આવ્યું કે આ શો માટે મારી પસંદગી થઈ ગઈ છે ત્યારે હું સુન્ન થઈ ગઈ હતી.’

કરિશ્મા જેને ‘ભયાવહ’ કહે છે એવું આ પાત્ર ભજવવા માટે તેણે તૈયારી પણ ખૂબ કરી છે. જે. ડે અને જિજ્ઞા વોરા સાથે સંકળાયેલા પત્રકારોની દુનિયાની શોધખોળ કરીને તેણે તૈયારી આરંભી હતી. હોમવર્ક તરીકે એક ભૂતપૂર્વ પત્રકાર સાથે કરિશ્મા પોલીસ સ્ટેશન પણ ગઈ હતી અને એક ક્રાઇમ રિપોર્ટરનું બારીકીથી નિરીક્ષણ પણ કર્યું હતું. ક્રાઇમ જર્નલિસ્ટ વિશે કરિશ્મા કહે છે, ‘મેં તેની બૉડી-લૅન્ગ્વેજનું ખૂબ ધ્યાનથી અવલોકન કર્યું. તે પોલીસ સાથે કેવી રીતે વાત કરે છે એ ખાસ નોંધ્યું.’

ઘણા સમય સુધી હંસલ મહેતાએ ઇરાદાપૂર્વક કરિશ્મા સહિતના કલાકારોને જિજ્ઞા વોરા સાથે મેળવવાનું ટાળ્યું હતું. તે જણાવે છે, ‘તેમના વાસ્તવિક અનુભવોની નકલ કરવાને બદલે પાત્ર સાથે કલાકારો પોતાના સંબંધનું પોતાની રીતે અર્થઘટન કરી શકે એવી સ્વતંત્રતા હું તેમને આપવા માગતો હતો.’ શૂટિંગના છેલ્લા શેડ્યુલ દરમિયાન જ જિજ્ઞા વોરા કલાકારોની મુલાકાતે આવ્યાં હતાં. ‘અને જિજ્ઞાએ અમને બધાને ભરપેટ ખવડાવ્યું, ઓહો શું કહું!’ હંસલ મહેતા હસી પડે છે, ‘અમે ઘાટકોપરમાં શૂટિંગ કરી રહ્યા હતા. જિજ્ઞા ત્યાં એકદમ નજીકમાં જ રહે છે. સતત બે દિવસ સુધી જિજ્ઞા અમારા માટે ભરી-ભરીને ખાવાનું લઈ આવી... કેરીનો રસ, થેપલાં, કારેલાંનું શાક. એ બધું ખાધા પછી હું શૂટિંગ કરવાની સ્થિતિમાં નહોતો રહ્યો.’

સમગ્ર વેબશો જેના પરથી પ્રેરિત છે એ પ્રેરકબળ, એ વ્યક્તિનું સેટ પર હાજર હોવું એ બધામાં જુદા જ પ્રકારનો ઉત્સાહ-ઉમંગ જગાવી દે છે. ‘એવું લાગતું હતું કે પરિવારનો કોઈ સભ્ય અમને મળવા આવ્યો છે.’ કરિશ્મા તન્ના ઉમેરે છે, ‘શૂટિંગમાં એક સીન હતો, જ્યાં જાગૃતિ તેના દાદા સાથે છે. જિજ્ઞા ત્યારે કૅમેરાની પાછળ ઊભી હતી. તે અમને જોઈ રહી હતી અને રડી રહી હતી.’
વેબશોમાં તેની માતાની ભૂમિકા ભજવતી મોરલી પટેલે જિજ્ઞાને કહ્યું કે એવું લાગે છે જાણે તે તેની પોતાની જ દીકરી છે. આ વાત જ‌ણાવવા સાથે જ જિજ્ઞાએ ઉમેર્યું હતું કે ‘મારા દાદાની ભૂમિકા ભજવતા સનત વ્યાસ જ્યારે મને મળ્યા ત્યારે રડી પડ્યા હતા. આ બધા અનુભવો ખૂબ સંવેદનશીલ હતા. એવું લાગતું હતું કે હું મારા પોતાના પરિવારને જ મળી રહી છું.’ 

ટ્રાયલના સમય દરમિયાન જ જિજ્ઞાએ તેમનાં દાદા-દાદી અને માતાને ગુમાવ્યાં હતાં.

ભાયખલાની મહિલા જેલમાં વિચલિત કરી મૂકે એવો એક અનુભવ જિજ્ઞાને પહેલા જ દિવસે થયો હતો. એક મહિલા કૉન્સ્ટેબલ દ્વારા તેની તપાસ કરવામાં આવી. ‘એ અનુભવે મને તોડી નાખી... એને હું કદી ભૂલી શકીશ નહીં. મેં મારી જાતને વારંવાર પૂછ્યા કર્યું કે હું આમાંથી કેમ પસાર થઈ રહી છું અને શા માટે? જ્યારે મારી સ્ટ્રિપ-સર્ચ કે અંગતપાસ ચાલી રહી હતી ત્યારે બહાર એક પુરુષ કૉન્સ્ટેબલ પણ બેઠો હતો. એ રાતે હું સૂઈ શકી નહોતી... હું માત્ર એટલું જ વિચારી શકતી હતી કે તે કૉન્સ્ટેબલ હસી રહ્યો હશે.’

કરિશ્મા કબૂલે છે કે એ સીન શૂટ કરવો ખૂબ મુશ્કેલ હતો. ‘એ સીન ભાવનાત્મક રીતે તોડી નાખે એવો હતો... હું અનુભવી શકતી હતી કે મારું પાત્ર કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું અને જેલમાં કેવી રીતે તેને ખોટી સમજવામાં આવી હતી.’

આ પણ વાંચો : Scoop વેબ સિરીઝ વિરુદ્ધ મેદાનમાં ઉતર્યો છોટા રાજન, બોમ્બે હાઈકોર્ટમાં કરી અરજી

એક પુસ્તક અને સેલિબ્રિટી ઍક્ટર-ડિરેક્ટરે ભજવેલો શો લૉન્ચ થવા છતાં જિજ્ઞા કહે છે કે તેના નિર્દોષ છૂટ્યાનાં પાંચ વર્ષ પછી પણ જીવનમાં ખાસ કંઈ બદલાયું નથી. તે કહે છે, ‘મારી પાસે હજી નોકરી નથી. આ વરસો દરમિયાન સમાજ સપોર્ટિવ નથી રહ્યો. લોકો મને જજ કરતા રહ્યા, ખોટી રીતે લેબલ લગાવતા રહ્યા, મીડિયા પણ એમાં અપવાદ ન રહ્યું.’ 

એક રીતે તેના પોતાના જ લોકો તેની વિરુદ્ધ થઈ ગયા છે એ જોઈને જિજ્ઞા માટે તો પોતે જે વ્યવસાયમાં નિપુણ થઈ હતી એનાથી જ સાવચેત થવાનો સમય આવ્યો હતો. નિર્દોષ જાહેર થઈ એ પછી આ અખબારને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં જિજ્ઞાએ જણાવ્યું હતું કે મેઇનસ્ટ્રીમ પ્રેસ - મુખ્ય અખબારો તેની વિરુદ્ધ થઈ ગયાં હતાં. જે. ડેની હત્યામાં મહિલા પત્રકારની સંડોવણી વિશે એક ટૅબ્લૉઇડમાં ફ્રન્ટ પેજ રિપોર્ટ હતો, જેમાં જિજ્ઞા વોરાનું વર્ઝન પણ સામેલ નહોતું. એમાં જિજ્ઞાને એક ‘અપરાધી’ તરીકે દર્શાવી દેવામાં આવી હતી.

જિજ્ઞા કહે છે, ‘આ પુસ્તક લખવું મારા માટે થેરપી જેવું હતું. હું ઇચ્છતી હતી કે લોકો સત્ય જાણે.’

હવે ૨૩ વર્ષના થયેલા જિજ્ઞાના પુત્રએ પણ એ સમયમાં ઘણું વેઠવું પડ્યું હતું. ‘જ્યારે મારી ધરપકડ થઈ ત્યારે તે છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. તેની સાથે સ્કૂલમાં ઘણું ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ક્લાસમેટ્સ દ્વારા તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવી હતી. બધા તેને કહેતા કે તેની મમ્મી હત્યારી છે, પણ તેણે ક્યારેય તેમના પર વિશ્વાસ કર્યો નહીં અને તેણે ક્યારેય ફરિયાદ પણ કરી નહીં. હું ભાગ્યશાળી છું કે આવા સમયે તે મારી સાથે હતો.’

આ પણ જુઓ : એક `સ્કૂપ’ મેળવવા માટે પત્રકારે શું આ કિંમત ચૂકવવી પડે છે? - હંસલ મેહતા

આ વાતો પરથી અમને વેબશોનો એક સીન યાદ આવે છે, જેમાં જાગૃતિ તેના પુત્રને આલિંગન આપે છે, જ્યારે તે કહે છે કે ‘મારી મમ્મી તો એક કૉક્રૉચને પણ ન મારી શકે.’
હંસલ મહેતાને આશા છે કે આ વેબશો સત્ય પર પ્રકાશ પાડશે. તે કહે છે, ‘બસ, એ જ હેતુ છે. હું ઇચ્છું છું કે વધુ ને વધુ લોકો આ શો જુએ અને ખરેખર શું થયું હતું એ જાતે જ નક્કી કરે.’

04 June, 2023 08:01 AM IST | Mumbai | Jane Borges

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK