આવારાપન પછી જન્નતની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ
ઇમરાન હાશ્મી
ઇમરાન હાશ્મીની લેટેસ્ટ ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ પચીસમી એપ્રિલે રિલીઝ થવાની છે ત્યારે હવે લાંબા સમય પછી તે ફરીથી ચર્ચામાં આવ્યો છે. ઇમરાન ‘ગ્રાઉન્ડ ઝીરો’ સિવાયના તેના નેક્સ્ટ પ્રોજેક્ટને કારણે પણ લાઇમલાઇટમાં આવ્યો છે. હાલમાં ઇમરાન હાશ્મીએ પોતાની ફિલ્મ ‘આવારાપન’ની સીક્વલની જાહેરાત કરી હતી અને હવે તેણે માહિતી આપી છે કે મારી હિટ ફિલ્મ ‘જન્નત’ની પણ સીક્વલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. મૅચ-ફિક્સિંગની થીમવાળી ‘જન્નત’ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે પણ લોકોને બહુ ગમી હતી.
‘આવારાપન’ની સીક્વલનું કામ ૨૦૨૫ના જુલાઈથી શરૂ થશે અને એને ૨૦૨૬ના એપ્રિલમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. ‘જન્નત’ની સીક્વલ વિશે વાત કરતાં ઇમરાને કહ્યું છે કે ‘આ સીક્વલ બનાવવામાં ટીમ કોઈ ઉતાવળ કરવા નથી માગતી, કારણ કે ઉતાવળ કરવાથી કામ બગડી શકે છે. જ્યારે અમને લાગશે કે અમારી પાસે મજબૂત અને જોરદાર સ્ક્રિપ્ટ છે ત્યારે સીક્વલનું કામ આગળ વધારવામાં આવશે. અમે ઇચ્છીએ છીએ કે સીક્વલની વાર્તા મૂળ ફિલ્મની વાર્તા કરતાં પણ સારી હોય.’

