તેણે ૨૦૦૩માં પંજાબી રૅપ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી.

યો યો હની સિંહ
હિપ-હોપ આર્ટિસ્ટ અને રૅપર યો યો હની સિંહની લાઇફ પરથી ડૉક્યુ-ફિલ્મ બનવા જઈ રહી છે. આ ડૉક્યુ-ફિલ્મમાં તેની લાઇફની શરૂઆતથી લઈને અત્યાર સુધીની દરેક વાત કરવામાં આવશે. તે તેની કરીઅરના સૌથી મહત્ત્વના સમયે તેની બીમારીને કારણે ઘણાં વર્ષ માટે ગાયબ થઈ ગયો હતો. આ બીમારી વિશે પણ તેની ડૉક્યુ-ફિલ્મમાં વાત કરવામાં આવશે. તેણે ૨૦૦૩માં પંજાબી રૅપ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. આઠ વર્ષની સ્ટ્રગલ બાદ ૨૦૧૧માં તેણે ‘બ્રાઉન રંગ’ દ્વારા ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તે ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગયો હતો. દરેક ફિલ્મમાં તેનું એક સૉન્ગ હોવું અનિવાર્ય હતું. આ ડૉક્યુ-ફિલ્મને ઑસ્કર વિનિંગ ફિલ્મમેકર ગુનીત મોન્ગા પ્રોડ્યુસ કરશે. મોઝેઝ સિંહ દ્વારા એને ડિરેક્ટ કરવામાં આવશે, જેમાં તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફનો સમાવેશ કરવામાં આવશે. આ વિશે હની સિંહે કહ્યું કે ‘મારા પર્સનલ અને કરીઅરના ઇશ્યુ વિશે હું મીડિયામાં વાત કરતો આવ્યો છું, પરંતુ હું હજી સુધી એને સહન નથી કરી શક્યો. મારા ફૅન્સે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને તેઓ મારી આખી સ્ટોરી જાણવાના હકદાર છે. નેટફ્લિક્સની ડૉક્યુ-ફિલ્મમાં મારી લાઇફ, મારો ઉછેર, હું કઈ પરિસ્થિતિમાં હતો અને મારી જર્ની અને એમાંથી હું કેવી રીતે બહાર આવ્યો દરેક વિશે ખૂબ જ પ્રામાણિકતાથી વાત કરવામાં આવશે.’