યુવાન ટૅલન્ટને અવસર આપવા જાહેરાત કરી એક ખાસ પ્રોજેક્ટની
દીપિકાએ પોતાના જન્મદિવસે ક્રીએટિવ ટૅલન્ટને પ્લૅટફૉર્મ આપવા માટે ‘ધ ઑનસેટ પ્રોગ્રામ’ નામના ખાસ પ્રોજેક્ટની જાહેરાત કરી
ગઈ કાલે દીપિકા પાદુકોણની ૪૦મી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસરે દીપિકાએ યુવાન અને હોશિયાર ટૅલન્ટને અવસર આપવા માટે અનોખી પહેલ કરી છે. દીપિકા ઍક્ટર અને પ્રોડ્યુસર તો છે જ, સાથે-સાથે મેન્ટલ હેલ્થ માટે પણ કાર્ય કરે છે. હવે દીપિકાએ પોતાના જન્મદિવસે ક્રીએટિવ ટૅલન્ટને પ્લૅટફૉર્મ આપવા માટે ‘ધ ઑનસેટ પ્રોગ્રામ’ નામના ખાસ પ્રોજેક્ટની જાહેરાત કરી છે.
પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો શૅર કરીને દીપિકાએ કહ્યું હતું કે ‘છેલ્લા એક વર્ષથી હું દેશ-વિદેશમાંથી શ્રેષ્ઠ ક્રીએટિવ ટૅલન્ટને ઓળખવા અને તેમને જોવા, સાંભળવા અને અનુભવ મેળવવાનો મંચ આપવા અંગે ખૂબ જ ગંભીરતાથી વિચારી રહી હતી. ‘ધ ઑનસેટ પ્રોગ્રામ’ના લૉન્ચની જાહેરાત કરતાં મને ખૂબ આનંદ થાય છે અને આગામી પેઢીની ક્રીએટિવ ટૅલન્ટ સાથે તમને બધાને મળાવવાની મને આતુરતા છે.’
ADVERTISEMENT
દીપિકાએ આ પ્રોજેક્ટની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘આનો હેતુ ભારતીય ફિલ્મ, ટીવી અને જાહેરાતની દુનિયામાં પોતાની કરીઅર બનાવવા માગતા નવા ક્રીએટિવ આર્ટિસ્ટ્સને તક આપવાનો છે. આ પ્લૅટફૉર્મનો હેતુ તેમની પ્રતિભાને જોવાનો, સાંભળવાનો અને સાચા અર્થમાં જોઈ શકાય, સાંભળી શકાય અને દુનિયા સામે રજૂ થઈ શકે એ જ એનો મુખ્ય ઉદ્દેશ છે. આના પ્રથમ તબક્કામાં લેખન, દિગ્દર્શન, કૅમેરા, લાઇટ, એડિટિંગ, સાઉન્ડ, આર્ટ, કપડાંની ડિઝાઇન, હેર-સ્ટાઇલિંગ, મેકઅપ અને પ્રોડક્શન જેવાં ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.’
દીપિકાનો ‘ધ ઑનસેટ પ્રોગ્રામ’ હવે onsetprogram.in પર ઉપલબ્ધ છે, જ્યાં લોકો પોતાનું કામ મોકલી શકે છે અને ફિલ્મ તથા ક્રીએટિવ ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ લોકો સાથે કામ કરવાની તક મેળવી શકે છે.


