શાહરુખ માટે સ્પેશ્યલ અપીરન્સ આપવા તે હંમેશાં તૈયાર રહેશે
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ ફિલ્મોમાં સ્પેશ્યલ પાર્ટ ભજવવા માટે કોઈ ફી નથી લેતી. અગાઉ તેણે હસબન્ડ રણવીર સિંહ સાથે ‘83’માં તેની વાઇફનો રોલ કર્યો હતો અને એ માટે પણ તેણે કોઈ રકમ નહોતી લીધી. હાલમાં રિલીઝ થયેલી ‘જવાન’માં તે શાહરુખ ખાન સાથે જોવા મળી રહી છે. એમાં પણ તે સ્પેશ્યલ રોલમાં છે. ફિલ્મોમાં સ્પેશ્યલ રોલ ભજવવા માટે કોઈ ફી લે છે કે નહીં એવું પૂછવામાં આવતાં દીપિકા પાદુકોણે કહ્યું કે ‘ના, હું ફી નથી લેતી. મેં ‘83’માં એટલા માટે કામ કર્યું કેમ કે હું એ મહિલાઓને સમર્પિત કરવા માગતી હતી જે પોતાના હસબન્ડની પ્રગતિ માટે તેમની પડખે ઊભી રહે છે. આવી રીતે યોગદાન આપતાં મેં મારી મમ્મીને જોઈ છે. એથી જે મહિલાઓ તેમના હસબન્ડની કરીઅરને સપોર્ટ કરવા માટે બલિદાન આપે છે તેમના પ્રત્યે હું સન્માન વ્યક્ત કરવા માગતી હતી. આ સિવાય શાહરુખ ખાન અને રોહિત શેટ્ટીની ફિલ્મોમાં સ્પેશ્યલ અપીરન્સ આપવા માટે હું હંમેશાં તૈયાર છું.’
શાહરુખની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી દીપિકાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ બન્નેએ ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘હૅપી ન્યુ યર’ અને ‘પઠાન’માં પણ સાથે કામ કર્યું હતું. શાહરુખ સાથેના તાલમેલ વિશે દીપિકાએ કહ્યું કે ‘અમે બન્ને એકબીજાનાં લકી ચાર્મ છીએ. જોકે લક કરતાં પણ વિશેષ અમારો સંબંધ છે. હું એવા લોકોમાં સામેલ છું જેની સાથે શાહરુખ અચકાયા વગર વાત કરી શકે છે. અમને એકબીજા પ્રત્યે અતિશય સન્માન અને વિશ્વાસ છે. મને એવું લાગે છે કે એ બાબત જ સોનામાં સુગંધ ભળવા જેવી છે.’