‘ક્રૂ’માં બન્ને હિરોઇનને ચારથી પાંચ કરોડ અને બેબોને દસ કરોડની સાથે દિલજિતને ત્રણ કરોડ અને કપિલ શર્માને પચાસ લાખ આપવામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે
ક્રૂ ફિલ્મની કાસ્ટ
કરીના કપૂર ખાનને તેની અન્ય કો-સ્ટાર કરતાં બસો ટકા વધુ ફી ‘ક્રૂ’ માટે આપવામાં આવી છે. કરીના હંમેશાં તેની ફીને લઈને ચર્ચામાં રહે છે. નિતેશ તિવારીની ‘રામાયણ’ માટે તેણે બાર કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હોવાની વાતો પણ બહાર આવી હતી. જોકે હાલમાં જ રિલીઝ થયેલી ‘ક્રૂ’ માટે તેને દસ કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવી હોવાની ચર્ચા છે. આ રકમ તેની કો-સ્ટાર્સ તબુ અને ક્રિતી સૅનન કરતાં બસો ટકાથી પણ વધારે છે. આ ફિલ્મમાં તેના જૅસ્મિન કોહલીના પાત્ર માટે તેને દસ કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવી છે. તબુ અને ક્રિતીને ચારથી પાંચ કરોડ આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. તબુને ‘ભોલા’ માટે ચાર કરોડ આપવામાં આવ્યા હતા અને ક્રિતીને શાહિદ કપૂર સાથેની ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ માટે ચારથી પાંચ કરોડ રૂપિયા મળ્યા હતા. આથી તબુ અને ક્રિતીની ફી કરતાં કરીનાને ૨૩૩ ટકા વધુ ફી ઑફર કરવામાં આવી હોવાની ચર્ચા છે. આ ફિલ્મમાં ક્રિતીના પ્રેમી અને કસ્ટમ્સ ઑફિસર તરીકે દિલજિત દોસંજે કામ કર્યું છે. તેને આ ફિલ્મ માટે ત્રણ કરોડ આપવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ ફિલ્મમાં તબુના પતિ તરીકે કપિલ શર્મા નાનકડી ભૂમિકામાં છે અને એ માટે તેને પચાસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાની વાતો ચાલી રહી છે.
પહેલા વીક-એન્ડમાં ‘ક્રૂ’એ કર્યો ૩૨.૬૦ કરોડનો બિઝનેસ
‘ક્રૂ’એ પહેલા વીક-એન્ડમાં ૩૨.૬૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ ૬૦ કરોડના બજેટમાં બની છે. વર્લ્ડવાઇડ આ ફિલ્મે ૬૨.૫૩ કરોડનું કલેક્શન કર્યું છે. કરીના કપૂર ખાન, તબુ અને ક્રિતી સૅનન ફિલ્મમાં ઍર-હૉસ્ટેસના રોલમાં લોકોને હસાવતી જોવા મળે છે. ફિલ્મના ત્રણ દિવસના કલેક્શન પર નજર નાખીએ તો શુક્રવારે ૧૦.૨૮ કરોડ, શનિવારે ૧૦.૮૭ કરોડ અને રવિવારે ૧૧.૪૫ કરોડની સાથે ‘ક્રૂ’એ કુલ મળીને ૩૨.૬૦ કરોડ રૂપિયાનો વકરો કરી લીધો છે.

