આ દિશામાં તેણે વહેલાસર કાર્યવાહી કરવાની માગણી કરી છે
સેલિના જેટલી
સેલિના જેટલી વિરુદ્ધ અપમાનજનક વાતો પાકિસ્તાનના જર્નલિસ્ટે કરી હતી. એથી હવે પોતાને ન્યાય મળે એ માટે સેલિના રાષ્ટ્રીય મહિલા આયોગમાં પહોંચી છે. આ દિશામાં તેણે વહેલાસર કાર્યવાહી કરવાની માગણી કરી છે. એ વિશે સેલિનાએ ટ્વીટ કર્યું કે ‘થોડા મહિના પહેલાં પોતાની જાતને હિન્દી ફિલ્મ ક્રિટિક અને જર્નલિસ્ટ કહેનાર પાકિસ્તાનનો જર્નલિસ્ટ ઉમૈર સંદુએ મારા માટે ભયાનક વાતો ટ્વિટર પર કહી હતી. એમાં તેણે જણાવ્યું કે મારું મારા મેન્ટર ફિરોઝ ખાન અને તેમના દીકરા ફરદીન ખાન સાથે રિલેશન છે. સાથે જ તેણે ઑસ્ટ્રલિયામાં મારા અને મારા પરિવારની સલામતી પર પણ હુમલો કર્યો હતો. તેની પજવણી બાદ અને તેણે કરેલા દાવા વાઇરલ થતાં મને લાખો લોકો, એમાં પાકિસ્તાનીઓ પણ સામેલ છે, તેમણે ટ્વિટર પર મને સપોર્ટ કર્યો. તે સતત તેનું લોકેશન બદલી રહ્યો હતો, પરંતુ પાકિસ્તાનમાં જ છુપાયેલો છે. એથી ત્યાં કાયદાકીય કાર્યવાહી શક્ય નથી. આ જ કારણ છે કે આ મુદ્દો હું રાષ્ટ્રીય મહિલા આયોગમાં લઈ ગઈ છું. તેમણે મારી ફરિયાદ પર ધ્યાન દોર્યું. તેમણે મિનિસ્ટ્રી ઑફ એક્સ્ટર્નલ અફેર્સને લેટર લખીને આ દિશામાં વહેલાસર કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેમના તરફથી લેટર દ્વારા અમને સકારાત્મક જવાબ મળ્યો છે. મિનિસ્ટ્રીએ એ મુદ્દાને ગંભીરતાથી લઈને દિલ્હીના પાકિસ્તાન હાઈ કમિશનને તપાસ કરવા કહ્યું છે અને જલદી પગલાં લેવા કહ્યું છે. આવું વર્તન ન માત્ર મારા કૅરૅક્ટર પર કલંક છે પરંતુ મારી ગરિમા, એક મા અને પરિવાર પર પણ હુમલો છે. મારા ગૉડફાધર અને મારા પ્રેમાળ મેન્ટર મિસ્ટર ફિરોઝ ખાન જે હયાત પણ નથી કે તેઓ જાતે એ વિશે પોતાનો બચાવ કરી શકે. તેઓ મારા માટે એક ગુરુ, મિત્ર હતા. તેમણે આપેલાં પ્રેમ, સન્માન અને કરીઅર માટે હું આભારી છું. હું ઇન્ડિયન આર્મીના વૉર હીરોની દીકરી છું અને છેવટ સુધી લડાઈ લડીશ. એના માટે મારે જો પાકિસ્તાન જઈને તેને પાઠ ભણાવવો પડે તો પણ જઈશ.’


