Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંજય ગોરડિયાની એક એવી વાત જે બહુ ઓછા લોકોને ખબર છે...

સંજય ગોરડિયાની એક એવી વાત જે બહુ ઓછા લોકોને ખબર છે...

20 November, 2022 05:29 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

ગુજરાતી ઑડિયન્સ આજે બે સ્ટારથી બહુ ઇમ્પ્રેસ છે. એક તો સિદ્ધાર્થ રાંદેરિયા અને બીજા સંજય ગોરડિયા. સિદ્ધાર્થભાઈ વિશે તો અગાઉ વાત કરી છે એટલે આજે વાત કરવી છે ધી જોકસમ્રાટ એવા સંજયભાઈની

ફાઇલ તસવીર

ઍન્ડ ઍકશન...

ફાઇલ તસવીર


સંજય ગોરડિયાને કોણ ઓળખતું ન હોય!

આજે ગુજરાતી થિયેટરમાં બે જ વ્યક્તિ એવી છે જેના નામ પર ઑડિયન્સ થિયેટર સુધી જાય છે. એક નામ સિદ્ધાર્થ રાંદેરિયા અને બીજું નામ સંજય ગોરડિયા. સિદ્ધાર્થસરની વાત તો તમને અગાઉ કહી છે એટલે હવે વાત કરવાની છે આપણા સંજયસરની. સંજયસરને તમે મળો તો તમને ખબર પડે કે તે કેટલા ડાઉન-ટુ-અર્થ છે. તેમની પાસેથી એટલું શીખવા મળે કે ન પૂછો વાત. તેમની નાનામાં નાની વાત પણ તમારી લાઇફ ચેન્જ કરી દે એ પ્રકારની હોય છે. પૈસાથી માંડીને પરસેવો પાડવા સુધીની તેમની વાત સાંભળો તો તમારી આંખો પહોળી થઈ જાય. 
સંજયસર એવી વ્યક્તિ છે જેણે થિયેટરના સૌથી નાના લેવલ પર કામ શરૂ કર્યું અને આજનું આ સ્ટારડમ મેળવ્યું. તેમની લાઇફની સ્ટોરી તો ઑલરેડી આપણા ‘મિડ-ડે’માં આવે જ છે એટલે તમને એ વિશે તો ખબર જ હશે, પણ ધારો કે તમે એ વાંચતાં ન હો તો તમે ખરેખર એ મિસ કરો છો. મેં તો અમુક કિસ્સાઓ તેમના મોઢે જ સાંભળ્યા છે. એ સાંભળ્યા પછી ખરેખર એવું થાય કે સ્ટ્રગલ આને કહેવાય. આજે આપણે નાની અમસ્તી વાતમાં થાકી જઈએ કે કંટાળી જઈએ, પણ સંજયભાઈને ક્યારેય એવું થયું નથી. સંજયભાઈ હંમેશાં દોડતાં રહે અને ભૂતકાળને પાછળ મૂકીને આગળ વધતાં રહે. સંજયભાઈની એક વાત તમને કહું.



જો તમે તેમના પરિચયમાં હો તો એ ક્યારેય તમને ખોટી સલાહ ન આપે. ક્યારેય નહીં એટલે ક્યારેય નહીં. ભલે તેમનું અહિત થતું હોય તો પણ તે તમને ખોટી સલાહ તો ન જ આપે.


સંજયભાઈની બીજી વાત, દરેકેદરેક વાતને તે એવી રીતે રજૂ કરે કે તમે હસ્યા વિના રહો નહીં. હા, એ દરેક વ્યક્તિને હસાવી શકે એટલી ક્ષમતા રાખે છે. જો કોઈ માણસ ધ્રુસકે-ધ્રુસકે રડતો હોય તો તેને પણ તે પોતાની સામાન્ય વાતોથી હસાવી દે. આ સ્ટેજ પર પહોંચ્યા પછી પણ તેમનું તાજ્જુબ અકબંધ છે. પોતે સારું કામ કર્યું હોય તો એનું એક્સાઇટમેન્ટ પણ તેમને હોય. હમણાં તેમની એક ફિલ્મ આવી. નામ એનું ‘વ્હાલમ જાઓને...’

જો તમે આ ફિલ્મ હજુ ન જોઈ હોય તો એક વાર જઈને જોઈ આવજો. નાનો કહેવાય એવો રોલ છે અને એ પછી પણ તે એવી રીતે આખી ફિલ્મમાં છવાઈ ગયા છે જાણે કે એ તેમની પોતાની ફિલ્મ હોય. ફિલ્મ પૂરી થયા પછી પણ તમારા મનમાંથી એ કૅરૅક્ટર નીકળે નહીં. આવું ત્યારે જ શક્ય બને જ્યારે બે કારણો હોય. એક તો એ ફિલ્મના લીડ રોલમાં તમે હો અને કાં તો તમે તમારા એ રોલને લીડ રોલ માનતા હો અને સંજયસરને આ બીજી વાત લાગુ પડે છે.


સંજયસર પોતાની લાઇફ એટલી સરસ રીતે જીવે છે કે તમે ધારી પણ ન શકો અને એવું શું કામ છે એનું કારણ પણ તમને મારે સમજાવવું છે.

તેમના મન પર, મસ્તક પર ક્યાંય તેમનું સ્ટારડમ નથી અને એ જ કારણ છે કે તે તમને લારી પર ખાતાં પણ જોવા મળી જાય અને એ તમને ઑટોમાં જતાં પણ જોવા મળી જાય. સંજયસર પોતાની જ નબળી સિચુએશન પર પણ સતત હસતાં રહે અને હસાવતાં પણ રહે. અમે બન્નેએ ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ કરી અને આ જ ફિલ્મના કારણે હું તેમને આટલી નજીકથી ઓળખતો થયો. ઓળખતો પણ થયો અને તેમને સમજતો પણ થયો. હું કહીશ કે સંજય ગોરડિયા બનવું બહુ અઘરું છે અને એ પછી પણ સંજય ગોરડિયા આજે પણ સહજ બનીને રહી શકે છે.
તેમણે એટલાં સરસ-સરસ નાટકો આપ્યાં કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. જયા બચ્ચનથી લઈને શત્રુઘ્ન સિંહા અને જાવેદ જાફરી, ઝીનત અમાન જેવા સ્ટાર્સને તે સ્ટેજ પર લાવ્યા, પણ એ પછી પણ તેમને કોઈ વાતનો ઘમંડ નથી. તે સહજ રીતે માને છે કે મારું કામ હતું અને મેં એ કામ કર્યું. તે કોઈ વાતનો જશ લેતા જ નથી. હા, ખરેખર અને તેમની પાસેથી આ વાત સૌ કોઈએ શીખવા જેવી છે. તે એવું માને છે અને ચોખ્ખું કહે પણ છે કે જો મેં ન કર્યું હોત તો કોઈ બીજાએ કર્યું હોત તો પછી મારે એનો જશ લઈને શું કામ હવામાં ફરવાનું!

સંજયસરની વાત કરવાની આવે ત્યારે મારી જીભ જરા પણ અટકે નહીં અને એવું જ બીજા કેટલાક લોકો માટે પણ લાગુ પડે છે. એ પણ સંજયસર વિશે બોલવાનું ચાલુ કરે પછી જરા પણ અટકે નહીં. દાખલા તરીકે સિદ્ધાર્થ રાંદેરિયા કે વિપુલ મહેતા. એ બન્ને પણ સંજયસરની વાત કે તેમનાં વખાણ કરતાં સહેજ પણ થાકે નહીં, પણ સૌથી અગત્યની કહેવાની તો બાકી છે એ વાત, જે વાત મારા જેવા બહુ ઓછા લોકોને ખબર હશે. એ વાત વિશે હવે વાત કરીશું આવતાં અઠવાડિયે, પણ એ પહેલાં એટલું કહીશ તમને કે, સંજયસરની એ વાત મને ‘કહેવતલાલ પરિવાર’ના શૂટિંગ દરમ્યાન ખબર પડી હતી. સંજયસરના ફૅન્સ અને તેમના ફ્રેન્ડ્સ સુધ્ધાંને મજા આવે એવી એ વાત સાથે મળીશું હવે નેક્સ્ટ સન્ડેના. ત્યાં સુધી, ઍક્શન...

તમારા કામે લાગી જાઓ...

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2022 05:29 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK