તે હવે રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’માં જોવા મળવાનો છે.
અર્જુન કપૂર
અર્જુન કપૂરનું કહેવું છે કે તે ક્યારેય ઇન્સિક્યૉર ઍક્ટર નથી રહ્યો. તે હવે રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’માં જોવા મળવાનો છે. તે આ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળશે જેને રાક્ષસ કહેવામાં આવી રહ્યો છે. અર્જુન પાત્રને લઈને એક્સપરિમેન્ટ્સ કરવામાં માને છે. તે ફક્ત હીરો તરીકે જ નહીં, પરંતુ પાત્રને સારી રીતે લખવામાં આવ્યું હોય તો તે વિલન બનવા પણ તૈયાર છે. આ વિશે વાત કરતાં અર્જુને કહ્યું કે ‘મેં ક્યારે પણ ઍક્ટર બનવાનું પ્લાનિંગ નહોતું કર્યું. જોકે મને ફિલ્મો સાથે પ્રેમ થઈ ગયો, કારણ કે મેં જોયું કે લોકોને મનોરંજન પૂરું પાડવા માટે લોકો કેટલા સમર્પણથી કામ કરે છે. મને એ જાણીને ખુશી થાય છે કે મારી નજીકના લોકો તેમના કામથી લોકોને ખુશી આપે છે. મેં જ્યારે ઍક્ટિંગ વિશે જાણવાની કોશિશ કરી તો મને ફક્ત ઍક્ટિંગ કરવી હતી અને કૅમેરા સામે રહેવું હતું. મેં એ વાત પર ક્યારેય ફોકસ નથી કર્યું કે મને કયા પાત્ર માટે પસંદ કરવામાં આવ્યો છે. મેં ઍક્ટરને શૉટ દરમ્યાન ખુશી મહસૂસ કરતા જોયા છે અને મારે એ જ કરવી હતી. હું કામ કરવા અને ખૂબ જ મહેનત કરવા માગતો હતો.’
ઍક્ટિંગ વિશે વાત કરતાં અર્જુને કહ્યું કે ‘મને એ વાતની ખુશી છે કે મને ઍક્ટિંગ કરવાનો ચાન્સ મળ્યો. હું રોજ એ જ કરી રહ્યો છું જે મને પસંદ છે. હું ક્યારેય ઇન્સિક્યૉર ઍક્ટર નથી રહ્યો. મેં હીરો તરીકે કામ કર્યું છે. મેં ‘ગુંડે’માં બે હીરો તરીકે કામ કર્યું હતું. ‘મુબારકા’માં ગ્રુપમાં કામ કર્યું. ‘કી ઍન્ડ કા’માં કરીના કપૂર ખાનના હાઉસ હસબન્ડ તરીકે કામ કર્યું. હું હવે ઍન્ટિહીરો બની રહ્યો છું. હું એ દરેક ફિલ્મમેકરનો આભારી છું જેમણે મને ચમકવા માટે ચાન્સ આપ્યો. મને એ વાતની ખુશી છે કે રોહિત શેટ્ટી જેવા ડિરેક્ટરે મને તેની ‘સિંઘમ અગેઇન’માં વિલન તરીકે પસંદ કર્યો. આ ફિલ્મ માટે મેં મારું બધું આપ્યું છે. ફિલ્મ રિલીઝ થયા બાદ લોકોના અભિપ્રાય માટે હું આતુર છું.’