અનુપમ ખેર જ્યારે ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરતા હતા ત્યારે રાજન લાલે તેમને ખૂબ સપોર્ટ કર્યો હતો. એનો વિડિયો તેમણે શૅર કર્યો છે.
અનુપમ ખેર , રાજન લાલ
અનુપમ ખેરે તેમના જૂના મિત્ર રાજન લાલ સાથે મુલાકાત કરી હતી. આ બન્ને ૩૯ વર્ષ પછી મળ્યા છે. અનુપમ ખેર જ્યારે ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરતા હતા ત્યારે રાજન લાલે તેમને ખૂબ સપોર્ટ કર્યો હતો. એનો વિડિયો તેમણે શૅર કર્યો છે. એ વિડિયોમાં અનુપમ ખેર કહી રહ્યા છે કે ‘મિત્રો, આજે હું તમારી મુલાકાત એવી વ્યક્તિ સાથે કરાવવા માગું છું જેમણે મારી સ્ટ્રગલના દિવસોમાં મને ખૂબ મદદ કરી છે. મારી કરીઅરમાં તેમનું યોગદાન પણ ખૂબ છે. તમારી સ્ટ્રગલના દિવસોમાં જે તમને મદદ કરે છે એ લોકો તમને આજીવન યાદ રહે છે. અનેક લોકો તેમને ઓળખે છે. હું જ્યારે ભટ્ટસાહબને ત્યાં અને મુંબઈમાં ધક્કા ખાતો હતો ત્યારે રાજન ભટ્ટ સાહબના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા. તેમને મળીને હું જ્યારે નીચે જતો તો રાજન મને પરાઠાં, જમવાનું ખવડાવતા અને સાથે જ આત્મવિશ્વાસ પણ આપતા હતા. તેમને હું આજે ૩૯ વર્ષ પછી મળી રહ્યો છું.’
આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી, ‘રાજન લાલ : એક મિત્ર, એક મદદગાર, જેમને હું ૩૯ વર્ષ બાદ દુબઈમાં મળ્યો હતો. ૧૯૮૨માં જ્યારે મુંબઈમાં હું કામ શોધી રહ્યો હતો અને સ્થિતિ પણ કાંઈક સારી નહોતી એ વખતે ડિરેક્ટર મહેશ ભટ્ટ સાહબના બિલ્ડિંગ નીચે એક નાના ફ્લૅટમાં રાજન લાલ રહેતા હતા. મને તેઓ ઉમળકાથી મળતા હતા અને મને જમાડતા હતા. તેમનું વર્તન મારી સાથે ખૂબ સારું હતું.’

