શાહરુખે પણ કહ્યું કે મેં અલ્લુ અર્જુનની ફિલ્મ ત્રણ દિવસમાં ત્રણ વાર જોઈ હતી

ફાઇલ તસવીર
શાહરુખ ખાનની ‘જવાન’ની પાછળ સાઉથના સ્ટાર પણ દીવાના બની ગયા છે. અલ્લુ અર્જુને પણ ‘જવાન’ જોઈ અને ફિલ્મના તમામ કલાકારોની પ્રશંસા કરી છે. આ ફિલ્મને સાઉથના ઍટલીએ ડિરેક્ટ કરી છે. સાત સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મમાં શાહરુખની સાથે નયનતારા, સાન્યા મલ્હોત્રા, વિજય સેતુપતિ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળી રહી છે. ફિલ્મની પ્રશંસા કરતાં એક્સ પર અલ્લુ અર્જુને પોસ્ટ કર્યું કે ‘ફિલ્મ ‘જવાન’ની શાનદાર સફળતા માટે પૂરી ટીમને અભિનંદન. ફિલ્મના કલાકારો, ટેક્નિશ્યન્સ, ક્રૂ અને પ્રોડ્યુસર્સને શુભેચ્છા. શાહરુખ ખાન ગારુનો અત્યાર સુધીનો ભવ્ય અવતાર છે. પોતાના સ્વૅગથી આખા ભારતને મંત્રમુગ્ધ કર્યા છે. સર, અમને અતિશય ખુશી છે. તમારા માટે પ્રાર્થના કરી હતી. વિજય સેતુપતિ ગારુ હંમેશાં પ્રમાણે અદ્ભુત રહ્યા છે. દીપિકા પાદુકોણ મનમોહક, શાનદાર અને પ્રભાવશાળી છે. નયનતારા રાષ્ટ્રીય સ્તરે ખૂબ ચમકી રહી છે. અનિરુદ્ધ, તારા મ્યુઝિક પર આખું ભારત નાચી રહ્યું છે. ડિરેક્ટર ઍટલી ગારુ તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે લોકોને વિચારતા કરી દેનારી ભારતીય બૉક્સ-ઑફિસ પર આ કમર્શિયલ ફિલ્મ બનાવીને ઇતિહાસ રચી દીધો છે અને એનો અમને ગર્વ થઈ રહ્યો છે.’
અલ્લુ અર્જુને કરેલી પ્રશંસાથી શાહરુખ પણ ખુશ થયો છે. તેને રિપ્લાય આપતાં શાહરુખે લખ્યું કે ‘થૅન્ક યુ સો મચ માય મૅન. તારા પ્રેમ અને પ્રાર્થના માટે આભાર. વાત જ્યારે સ્વૅગની આવે તો જે
પોતે જ ફાયર છે તેની પાસેથી પ્રશંસા મળે તો ખૂબ ખુશી થાય છે. મારો દિવસ બની ગયો. હવે બમણા જવાન હોવાનો એહસાસ થઈ રહ્યો છે. હું એટલું જરૂર કહીશ કે મારે તારી પાસેથી શીખવું જોઈએ, કેમ કે મેં ત્રણ દિવસમાં ત્રણ વખત ‘પુષ્પા’ જોઈ હતી. હું વહેલાસર તને મળવા આવીશ અને પર્સનલી તને ગળે મળીશ. સ્વૅગ કરતો રહે. લવ યુ.’