તે કહે છે કે જે લોકો તમને પસંદ ન કરે એ લોકો આવી વાતો કરે છે
અક્ષયકુમાર
અક્ષયકુમારની ફિલ્મો બૅક-ટુ-બૅક ફ્લૉપ થઈ રહી છે. એવામાં તે ફિલ્મોને ઉતાવળમાં પૂરી કરી દે છે એના કારણે ફિલ્મો ચાલતી નથી એવા તેના પર આરોપ મૂકવામાં આવ્યા છે. એ આરોપ પર અક્ષયકુમારનું માનવું છે કે જે લોકો તમને પસંદ નથી કરતા તેઓ આવી વાતો કરે છે. તેનું કહેવું છે કે ફિલ્મો જલદી પૂરી કરવાની તેની ક્ષમતાની અગાઉ પ્રશંસા કરવામાં આવતી હતી અને હવે ફિલ્મો ફ્લૉપ જાય છે તો એ વિશેષતાની લોકો નિંદા કરે છે. ૨૦૨૨માં આવેલી તેની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કાંઈ ખાસ કમાલ નહોતી દેખાડી શકી. લોકોએ અક્ષયકુમાર પર આરોપ કર્યો કે તેણે આ ફિલ્મને પૂરતો સમય નહોતો આપ્યો એથી ફ્લૉપ ગઈ હતી. એ વિશે અક્ષયકુમાર કહે છે, ‘ટૉમ ક્રુઝની ફિલ્મ ‘મિશન ઇમ્પૉસિબલ’, જેને બેસ્ટ ઍક્શન ફિલ્મ કહેવામાં આવે છે, એનું શૂટિંગ માત્ર પંચાવન દિવસમાં પૂરું કરવામાં આવ્યું હતું. એવી કેટલીક ફિલ્મો છે જેનું શેડ્યુલ ૭૫ દિવસનું રહ્યું છે. તો કેટલીક એવી છે જે ૩૦ દિવસમાં પૂરી થઈ છે. ડિરેક્ટરની જેટલી ઇચ્છા હોય એટલો સમય હું આપું છું. હું એના ઊંડાણમાં નથી જવા માગતો કે આ બધું કોણે શરૂ કર્યું, કેમ કે આ બધું એ લોકો કરે છે જે તમને પસંદ નથી કરતા.’