ડ્રેસમાં સળ ન પડે એ માટે સતત ૬થી ૭ કલાક ઊભી રહેવાનું પસંદ કર્યું હોવાનો થયો ખુલાસો
ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચનની ગણતરી બૉલીવુડની પ્રોફેશનલ ઍક્ટ્રેસ તરીકે થાય છે. હાલમાં આ વાતને ટેકો આપતો ખુલાસો તેને લીડ ઍક્ટ્રેસ તરીકે ચમકાવતી ‘પોન્નિયિન સેલ્વન’ના જ્વેલરી-ડિઝાઇનરે કર્યો છે. ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન’માં ઐશ્વર્યાએ રાણી નંદિનીનું પાત્ર ભજવ્યું હતું જેમાં ભારે અને શાનદાર જ્વેલરીનો ઉપયોગ થયો હતો. આ જ્વેલરી બનાવવા માટે અનેક કારીગરોએ મહિનાઓ સુધી મહેનત કરી હતી જેથી તે ચોલ યુગની અસલિયત દર્શાવી શકે.
આ ડિઝાઇનરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ‘ફિલ્મના શૂટ દરમ્યાન ઐશ્વર્યાએ લગભગ ૬થી ૭ કલાક સુધી બેસવાનું ટાળીને સતત ઊભી રહેવાનું પસંદ કર્યું હતું, કારણ કે ઐશ્વર્યા નહોતી ઇચ્છતી કે તેના ભારે અને રૉયલ કૉસ્ચ્યુમમાં સળ પડે. ઐશ્વર્યા પોતાના લુક અને પાત્ર માટે ખૂબ સજાગ રહે છે અને દરેક નાની-નાની બાબતનું પણ ખાસ ધ્યાન રાખે છે.’
