તેણે પોતાનો રોષ સોશ્યલ મીડિયામાં વ્યક્ત કર્યો છે. આ બન્નેએ ‘લીઓ’માં કામ કર્યું છે.

ત્રિશા ક્રિષ્નન
સાઉથના ઍક્ટર મન્સૂર અલી ખાને તાજેતરમાં જ ત્રિશા ક્રિષ્નનને લઈને અપમાનજનક કમેન્ટ કરી હતી. એને લઈને ત્રિશા ખાસ્સી ગુસ્સે થઈ છે. તેણે પોતાનો રોષ સોશ્યલ મીડિયામાં વ્યક્ત કર્યો છે. આ બન્નેએ ‘લીઓ’માં કામ કર્યું છે. ત્રિશા સાથે કામ કરવાની તક મળતાં મન્સૂરે કહ્યું કે ‘મને જ્યારે જાણ થઈ કે હું ત્રિશા સાથે કામ કરી રહ્યો છું તો મને લાગ્યું કે ફિલ્મમાં હું તેની સાથે બેડરૂમ સીન કરવાનો છું. મને એવું લાગ્યું કે અગાઉની ફિલ્મમાં અન્ય ઍક્ટ્રેસને જે રીતે હું બેડરૂમમાં લઈ જતો હતો એ જ રીતે આ ફિલ્મમાં પણ હું તેને લઈ જઈશ. અનેક ફિલ્મોમાં મેં રેપ સીન્સ કર્યા છે. આ મારા માટે કંઈ નવી વાત નથી. જોકે આ ફિલ્મના સેટ પર તો મને ત્રિશા જોવા પણ નથી મળી.’
તેની આવી કમેન્ટને લઈને ઇન્સ્ટાસ્ટોરી પર ત્રિશાએ લખ્યું કે ‘તાજેતરમાં જ એક વિડિયો મારા ધ્યાનમાં આવ્યો છે જેમાં મિસ્ટર મન્સૂર અલી ખાન મારા વિશે ખરાબ અને અપમાનજનક વાત કરી રહ્યો છે. તેની આ વાતની હું નિંદા કરું છું. તેની આ વાત સેક્સિસ્ટ, અપમાનજનક, ભેદભાવપૂર્ણ, ઘૃણાભરી અને ખરાબ છે. તે ભલે મારી સાથે કામ કરવાની કામના વ્યક્ત કરે, પરંતુ હું આભારી છું કે મને કદી પણ તેના જેવી બકવાસ વ્યક્તિ સાથે સ્ક્રીન શૅર કરવાની તક નથી મળી. હું એ વાતની પૂરી ખાતરી રાખીશ કે મારી કરીઅર દરમ્યાન ભવિષ્યમાં પણ મને તેની સાથે કામ ન કરવા મળે. તેના જેવા લોકો માનવતા પર કલંક છે.’

