આમિરે કહ્યું કે ‘સામાન્ય રીતે અમ્મી એવું નથી કહેતાં કે તેઓ મારા શૂટિંગ પર આવવા માગે છે.`
ફિલ્મમાં આમિરનાં ૯૧ વર્ષનાં માતા ઝીનત ખાન અને તેની બહેન નિખત ખાન દેખાશે
આમિર ખાનની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ ૨૦ જૂને રિલીઝ થવાની છે. હવે આમિરે પોતે ખુલાસો કર્યો છે કે આ ફિલ્મમાં તેનાં ૯૧ વર્ષનાં માતા ઝીનત ખાન અને તેની બહેન નિખત ખાન પણ જોવા મળશે.
આમિરે કહ્યું કે ‘સામાન્ય રીતે અમ્મી એવું નથી કહેતાં કે તેઓ મારા શૂટિંગ પર આવવા માગે છે. એથી મને ખબર નથી કે તેમને શું લાગ્યું, ફિલ્મના ગીતના શૂટિંગની સવારે અમ્મીએ ફોન કર્યો અને કહ્યું કે તેઓ આજે શૂટિંગ પર આવવા માગે છે. મેં તેમના માટે કાર મોકલી અને મારી બહેન તેમને શૂટિંગ પર લઈ આવી, તેઓ વ્હીલચૅર પર આવ્યાં. આ એક લગ્નનું ગીત હતું. દિગ્દર્શક આર. એસ. પ્રસન્ના મારી પાસે આવ્યા અને કહ્યું કે સર, જો તમને કોઈ વાંધો ન હોય તો શું તમે અમ્મીજીને શૉટમાં સામેલ કરવાની વિનંતી કરી શકો? આ ફિલ્મનું છેલ્લું ગીત છે, જે લગ્નસમારોહનું દૃશ્ય છે; તેઓ સરળતાથી મહેમાનોમાંના એક હોઈ શકે છે; હું ઇચ્છું છું કે તેઓ ફિલ્મનો ભાગ બને. મેં જ્યારે આ વિશે અમ્મીને પૂછ્યું ત્યારે મારા આશ્ચર્ચ વચ્ચે તેઓ તૈયાર થઈ ગયાં. તેઓ એક કે બે શૉટમાં છે. આ મારી એકમાત્ર ફિલ્મ છે જેનો તેઓ ભાગ રહ્યાં છે. આ ફિલ્મમાં મારી બહેન નિખત પણ છે.’

