આમિર ખાને સ્પષ્ટતા કરી છે કે હું ફિલ્મ પર ત્યારે જ કામ શરૂ કરીશ જ્યારે મને તૈયારીથી સંતોષ થશે
આમિર ખાનની ફાઇલ તસવીર
આમિર ખાન પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘મહાભારત’ને લઈને ફરી ચર્ચામાં છે. આ ફિલ્મ વિશે લાંબા સમયથી અટકળો ચાલી રહી છે, પરંતુ હવે આમિરે પોતે જ ખુલ્લેઆમ જણાવ્યું છે કે તે આ પ્રોજેક્ટ માટે આટલો સમય કેમ લઈ રહ્યા છે. આમિર કહે છે કે ‘મહાભારતની વાર્તા પર ફિલ્મ બનાવવી એ ખૂબ મોટી જવાબદારી છે. હું એમાં કોઈ પણ પ્રકારની ઝડપ નથી કરવા માગતો. આ વાર્તામાં કંઈ પણ ચૂકીને લોકોને નિરાશ નથી કરવા માગતો.’
આમિરે પોતાના આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં કહ્યું છે કે ‘મહાભારત દરેક ભારતીયના દિલ સાથે જોડાયેલી કહાની છે. તે આપણા સંસ્કારો અને વિચારસરણીનો ભાગ છે. ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેણે ભગવદ્ ગીતા ન વાંચી હોય કે બાળપણમાં દાદી-નાની પાસેથી તેની કથાઓ ન સાંભળી હોય. જો મહાભારત બનાવવામાં જરાય ચૂક થશે તો હું દોષી ગણાઈશ અને હું નથી ઇચ્છતો કે આવું બને. મહાભારતને તમે નિરાશ કરી શકો છો, પણ મહાભારત ક્યારેય તમને નિરાશ નહીં કરે. આ કારણોસર હું ફિલ્મ પર ત્યારે જ કામ શરૂ કરીશ જ્યારે મને લાગશે કે હું એવી ફિલ્મ બનાવી શકું છું કે જેને જોઈને દરેક ભારતીયને ગર્વનો અનુભવ થાય.’


