ધ કેરલા સ્ટોરીના ડિરેક્ટર સુદીપ્તો સેને લાપતા લેડીઝને ૧૩ અવૉર્ડ આપવા સામે આક્રોશ વ્યક્ત કર્યો
સુદીપ્તો સેન
આ વર્ષે અમદાવાદમાં યોજાયેલા ફિલ્મફેર અવૉર્ડ્સ 2025માં ડિરેક્ટર કિરણ રાવની ‘લાપતા લેડીઝ’ને કુલ ૧૩ અવૉર્ડ્સ મળ્યા અને એને વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાં ગણવામાં આવી. જોકે આ ગ્રૅન્ડ ઇવેન્ટ પછી ‘ધ કેરલા સ્ટોરી’ના ડિરેક્ટર સુદીપ્તો સેને પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘ચોરેલી વાર્તા પરથી બનેલી ફિલ્મને આટલા બધા અવૉર્ડ આપવામાં આવ્યા છે. આ સિનેમા નહીં, તમાશો છે.’
સુદીપ્તો સેને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક નોંધ લખતાં કહ્યું હતું કે ‘ફિલ્મફેરે આ વર્ષે ભારતીય સિનેમાના શ્રેષ્ઠ પ્રયાસોની અવગણના કરી છે. એક ચોરાયેલી વાર્તા પરથી બનેલી ફિલ્મ, એક હિંસા શીખવનારી ફિલ્મ અને એક એવી ફિલ્મ જે બૉક્સ-ઑફિસ પર ત્રણ દિવસ પણ ટકી નથી શકી એવી ફિલ્મોએ તમામ ટ્રોફી જીતી લીધી. આથી સ્પષ્ટ છે કે સારા કાર્યને કોઈ ઓળખ નથી મળી. ફિલ્મફેર જેવી સંસ્થાઓ વાસ્તવમાં ગ્લૅમર અને સ્ટાર પાવર સમક્ષ ઝૂકી ગઈ છે અને એ સિનેમાની કળા પ્રત્યે સમર્પિત નથી. મને ખુશી છે કે અમારે આ તમાશાનો ભાગ નથી બનવું પડ્યું.’
ADVERTISEMENT
સુદીપ્તો સેને તેની પોસ્ટમાં લખ્યું છે કે ‘અમને નકલી હાસ્ય અને ફોટો ક્લિક કરાવવાની મજબૂરીથી બચાવી લેવામાં આવ્યા. મુંબઈમાં અને કાન ફેસ્ટિવલમાં જે નકલી ગ્લૅમર બતાવવામાં આવે છે એનાથી દૂર રહીને જીવવામાં જ સુકૂન છે.’
આ પોસ્ટમાં સુદીપ્તોએ સીધું કોઈનું નામ નથી લીધું, પણ ચર્ચા પ્રમાણે તેઓ ‘લાપતા લેડીઝ’, ‘કિલ’ અને ‘આઇ વૉન્ટ ટુ ટૉક’ જેવી ફિલ્મોની વાત કરી રહ્યા છે.
