Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જ્યારે નથી રહ્યો કોઈ બોજ ત્યારે માણો જીવનની મોજ

જ્યારે નથી રહ્યો કોઈ બોજ ત્યારે માણો જીવનની મોજ

Published : 27 September, 2023 02:52 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

હવે ઉંમર થઈ ગઈ, શું ફરવાનું? એવું વિચારવાને બદલે હવે જ ઉંમર છે ફરવાની એવું વિચારવું.

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ ટૂરિઝમ ડે

પ્રતીકાત્મક તસવીર


પાછલી વયે જ્યારે જીવનની તમામ જવાબદારીઓ પૂરી થઈ ગઈ હોય એ પછી મુક્તપણે દુનિયા જોવા નીકળી પડવામાં જ ખરી મજા છે. નવા લોકોને મળવાની, મુક્ત વિચારધારા અને પોતાનું અલગ સોશ્યલ સર્કલ વિકસાવવાનો જે અનુભવ છે એ વડીલોને પણ સમૃદ્ધ કરે છે. મળીએ એવા વડીલોને જેમણે નિવૃત્તિ પછી હરવા-ફરવાનું શરૂ કરી દીધું છે

જુવાની જવાબદારીઓ નિભાવવામાં ગઈ અને પાછલી વયે હવે શરીર સાથ નથી આપતું એમ કહીને કેટલાય વડીલો પોતાની જિંદગીને ઘરની ચાર દીવાલ કે સોસાયટી અને વધુમાં વધુ મંદિર સુધી સીમિત કરી નાખે છે. પણ જે સિનિયર સિટિઝન્સ નિવૃત્ત થયા પછી જિંદગીની બીજી ઇનિંગ્સને ભરપૂર માણી લેવા માટે તત્પર છે તેઓ નવાં-નવાં સ્થળોએ ફરીને નવી દુનિયા, નવી સંસ્કૃતિઓ અને નવા લોકોને મળીને જાતને તરોતાજા રાખે છે. ઘરમાં બેઠા-બેઠા એકલતામાં સરી પડાય એના બદલે હવાફેર થયા કરે તો તન-મન રિફ્રેશ થઈ જાય. આજે મળીએ એવા વડીલોને જેઓ જીવનના પાછલા પડાવમાં હરવાફરવાના તેમના શોખને મસ્ત માણે છે. 



ગોવા વર્ષમાં બે-ત્રણ વાર જાઉં


૭૦ વર્ષના ડૉ. સુ​ધીર શાહે હજી પાંચ વર્ષ પહેલાં સુધી ગાયનેક પ્રોફેશનમાં ખૂબ ઍ​​ક્ટિવ લાઇફ જીવી, પણ એ પછી તેમણે ​રિટાયરમેન્ટ લીધી. એ પછી જ ખરી લાઇફ શરૂ થઈ એમ જણાવતાં ડૉ. સુધીર કહે છે, ‘મારું માનવું છે કે ​ખરેખર જીવવાની લાઇફ ૬૦ વર્ષ પછીની જ છે જેમાં તમારી બચત ભેગી થઈ હોય. તમારી સાંસારિક જવાબદારી પૂરી થ ઈ હોય. તમારી પાસે અનુભવોનો ખજાનો હોય. તમને એ પણ ખબર હોય કે હવે પછીનાં પંદર વર્ષ જેટલી મજા કરવી હોય એટલી કરી લેવી જોઈએ, જે તમને તમારી બચત અને આવક તમારા પોતાના માટે વાપરવાની છૂટ આપે છે. સૌથી વધારે ખુશી તો જુદી-જુદી જગ્યાએ ફરવાની આવે છે. મારી જિંદગીમાં મારાં બાળકો યુએસએ હોવાથી બાર વખત ત્યાં ગયો છું. ત્યાં ખુલ્લું વાતાવરણ, આબોહવા અને જોવાલાયક અસંખ્ય સુંદર જગ્યાઓ છે. જેટલું ફરીએ એટલી મજા આવે. જોકે સાઠ વર્ષ પછી ફૉરેન ટૂર કરવામાં તકલીફ પડતી હતી. ટ્રાવેલિંગ દરમિયાન બેસવાની નાની ​સીટ, ઇ​મિગ્રેશન વગેરેમાં થાકી જવાતું હતું. ૬૦થી ૭૦ વર્ષમાં હું અને મારી પત્ની જ્યો​તિ ભારતના મોટા ભાગના ટૂ​​રિસ્ટ સ્પૉટ્સ જોયેલા છે. દરેક ટ્રિપમાં સાથે ટ્રાવેલ કરતા ​મિત્રોનું એક વર્તુળ બનતું જતું હતું જે વૉટ્સઍપમાં એક ગ્રુપ તરીકે સદાય ચાલુ રહેતું હતું. તેથી અત્યારે અમારી પાસે કાશ્મીર, કેરળ, ઊટી વગેરેનાં અલગ-અલગ ગ્રુપ ચાલે છે જેના માધ્યમથી અમે એકબીજા સાથે અનુભવો શૅર કરીએ છીએ. એ મજા જ કંઈક જુદી હોય છે. આપણો ભારત દેશ ખૂબ નાનો હોય એવું લાગે છે. ભારતમાં જોવાનું એટલું બધું છે કે એની ​વિ​વિધતા, લાક્ષ​ણિકતા પરદેશમાં નથી. ફૉરેનમાં આ બધું મૉનોટોનસ લાગે. છેલ્લે મેં મારો ૭૦મો બર્થ-ડે બાલીમાં સેલિબ્રેટ કર્યો હતો, પણ ટ્રાવેલ સમયે ત્યાંની ઇ​મિગ્રેશન પ્રોસેસથી લઈને ફૂડની બાબતે ખૂબ તકલીફ પડી. એ પછી અમે નક્કી કર્યું કે પાસપોર્ટને સંતાડી દઈએ અને આધાર કાર્ડથી જ જેટલી જગ્યાએ ફરાય એટલું ફરવું છે. એટલે કે આપણા ભારત દેશમાં જ ફરવું છે. અમે મણિપુરના ઇમ્ફાલમાં પણ જઈ આવ્યા છીએ. ત્યાં અમે પર્વત ઉપર રહેતા અમુક સ્થાનિકોને મળ્યા અને ​જિંદગી જીવવાની જડીબૂટી અમને મળી ગઈ. પર્વતના ​નિર્દોષ લોકોની પાસે ટીવી નહોતું, રોજ છાપું નહોતું આવતું, ઇન્ટરનેટ નહોતું અને નજીકનું દવાખાનું ૨૫ ​કિલોમીટર દૂર હતું. તેમ છતાં એ લોકોને કોઈ ફરિયાદ નહોતી અને ખૂબ જ આનંદિત હતા અને એટલા જ હેલ્ધી હતા. ખૂબ કામ કરવું, જમવું, રાત્રે ભેગા મળીને વાતો કરવી અને નૃત્ય કરવું એ એમની લાઇસ્ટાઇલ હતી. તેમને એ પણ ખબર નહોતી કે ભારતના વડા પ્રધાન કોણ છે, ઇન્કમ ટૅક્સ શું છે કે બાજુમાં કયું રાજ્ય છે, ગુજરાત ક્યાં આવેલું છે, મુંબઈ શું છે, કંઈ જ ખબર નહોતી. દેશવિદેશના કોઈ સમાચારોની તેમને ચિંતા નહોતી અને તેથી એ લોકો સૌથી વધુ આનંદિત હતા. મણિપુરના એક્સ્પીરિયન્સ પછી મને લાગ્યું કે જેટલું જ્ઞાન ઓછું એટલી ચિંતા ઓછી અને એટલી જ વધુ જીવવાની મજા. રશિયા, યુક્રેન, બ્રા​ઝિલ કે અમેરિકામાં શું થાય છે એનાથી આપણા અંગત જીવનમાં કે રોજબરોજની ​જિંદગીમાં કંઈ ફેર પડતો નથી. ટૂંકમાં ૬૦ વર્ષ પછીની જિંદગીમાં ખાસ કરીને જુદાં-જુદાં ઐતિહાસિક સ્થળો, સંસ્કૃતિ, ભોજન માણવાં જોઈએ. મારાં ગમતાં શહેરોમાં વારાણસી, લખનઉ, મૈસૂર, ઊટી, જોધપુર, ​સિક્કિમ અને ગોવા છે. દરિયો મને ખૂબ ગમે છે તેથી ગોવા વર્ષમાં બેથી ત્રણ વાર જાઉં છું. પ્રવાસ કરવાની મજા જ જુદી છે. ખૂબ ​મિત્રો બને છે અને મન પ્રફુલ્લિત રહે છે. અને એક વસ્તુ હું મારા અનુભવે શીખ્યો છું કે ઓછામાં ઓછા સામાન સાથે આપણે મુસાફરી કરીએ તો ખૂબ મજા આવે. પહેલાં અમે જતા ત્યારે એક મોટી બૅગમાં ઘણો સામાન લઈને જતા, પણ જ્યારે અમારા સાથી પ્રવાસીઓ અને એમાંય કોઈ ફૉરેન ટૂ​​રિસ્ટ સાથે આવ્યા હોય તો નાની બૅગ લઈને અમારી સાથે બેઠા હોય. એમને જોઈને એ શીખવા મળ્યું કે જીવનમાં આપણે દસગણો વધારે સામાન લઈ જઈએ છીએ, જે લઈ જવાની કોઈ ખાસ જરૂર નથી. મુસાફરી દર​મિયાન જો ઓછો સામાન હોય તો ​ચિંતા થોડી ઓછી રહે છે અને ફરવાની જે મજા આવે છે એ કંઈક જુદી હોય છે.’

નવી દોસ્તીમાં જ મુસાફરીની મજા છે


૬૫ વર્ષનાં રમાબહેન સોલંકી બીએમસીમાં કર્મચારી હતાં અને હાલમાં નિવૃત્ત​ જીવન માણી રહ્યાં છે. રમાબહેન જણાવે છે કે ​નિવૃત્ત થયા પછીથી મેં હરવાફરવાનું શરૂ કર્યું હતું અને હજી પણ એ ચાલુ જ છે. ​તિરુપતિ, પંઢરપુર, વૈષ્ણોદેવી, ચાર ધામ યાત્રા બધે જ જઈને આવી છું. એવું નથી કે હું ફક્ત ધા​ર્મિક સ્થળોએ જ જાઉં છું. હું જોવાલાયક અને માણવાલાયક દરેક સ્થળે ફરું છું. ટૂંકમાં કહું તો હું લગભગ દેશના દરેક રાજ્યમાં ફરી છું. ઘણી વાર ફ્રેન્ડ્સ કે ફૅમિલી સાથે અથવા કોઈ સથવારો ન મળે તો એકલી ફરવા ઊપડી જાઉં છું. હું નાનાથી લઈને મોટા બધા સાથે ઍડ્જસ્ટ થઈ જાઉં છું. મુસાફરીની મજા એ છે કે તમારી નવા-નવા લોકો સાથે દોસ્તી થાય. આપણે હળીએમળીએ. એકબીજાનાં સુખદુઃખની વાતો કરીએ તો મન હળવું થાય. ઘણા લોકોના જીવનમાં ઘણાં દુઃખ હોય તોય મન મોટું રાખીને રહેતા હોય છે. એવા લોકો પાસેથી આપણને પણ જીવનમાં ખુશ રહેવાની પ્રરણા મળે.’

એકલો ફરવા નીકળી જાઉં છું

મુલુંડમાં રહેતા ૭૪ વર્ષના અશ્વિન કોટેચા આ ઉંમરે પણ એકદમ ​ફિટ છે અને ફરવાના શોખીન છે. તેઓ કહે છે, ‘દરરોજ ચારથી પાંચ કિલોમીટર ચાલું છું. હું ગુજરાતમાં અનેક જગ્યાએ ફર્યો છું. વીરપુર, સોમનાથ, જૂનાગઢ, પાટણ એ ​સિવાય પણ ભુવનેશ્વર, ધનબાદ, મદુરાઈ, કલકત્તા વગેરે સ્થળોએ ફરી આવ્યો છું. દીકરો તેના કામમાં વ્યસ્ત રહે છે. મારી પત્નીને પણ બહારનું ખાવા-પીવાથી તકલીફ થાય છે એટલે હું એકલો જ ફરવા નીકળી જાઉં છું. ઘણી વાર સથવારો પણ મળી રહે. ઘરમાં રહીને કંટાળી જવાય. એટલે હું વખતોવખત ફરવા નીકળી જાઉં છું. મને હરવાફરવાથી અનેરો આનંદ મળે છે. આમ તો મને પહેલેથી જ હરવાફરવાનો શોખ હતો. હું દાદરમાં એક બુકસ્ટોર ચલાવતો હતો. વ્યવસાય અને ઘરના કામમાં એટલો ગૂંચવાયેલો રહેતો કે પોતાના માટે સમય કાઢી શકતો નહોતો. જોકે હવે હું મારી બધી જવાબદારી નિભાવી ચૂક્યો છું. એટલે હવે મુક્ત થઈને ફરી શકું છું.’

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2023 02:52 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK