વર્લ્ડ ઇન્ટરનૅશનલ ટીવી ડે : ટીવી સિરિયલનું નામ પડે એટલે મોટા ભાગે ઘણાને લાગે કે આ તો સ્ત્રીઓનો શોખ, પણ પુરુષો પણ હોય છે સિરિયલના શોખીન. આજે ટીવી સિરિયલો એટલે કે ડેઇલી સોપ જોવાના શોખીન પુરુષોને મળીશું અને જાણીશું તેમના સિરિયલ-પ્રેમ વિશે

ધર્મેશ મહેતા
ટીવી સિરિયલ તમે પરિવાર સાથે બેસીને જોઈ શકો, પણ વેબ-સિરીઝ તમે તમારા પરિવાર સાથે બેસીને કે તમારા દીકરાની બાજુમાં બેસીને જોઈ ન શકો, અને આમ પણ એમાં ખાસ કંઈ શીખવા મળે એવું હોતું નથી.
‘સવારની ચાની શરૂઆત ‘અનુપમા’ સાથે અને ડિનર પૂરું થાય છે ‘પુષ્પા’થી...’ એમ કહેનાર મુલુંડના વિશાલ શાહ તેમના સિરિયલ-પ્રેમની શરૂઆત કઈ રીતે થઈ એની વાત કરતાં કહે છે, ‘હું જ્યારે કામ પરથી ઘરે આવતો ત્યારે અમારા ઘરની સ્ત્રીઓ ટીવી જોતી એટલે તેમની સાથે બે-ચાર એપિસોડ જોવાથી સિરિયલોમાં ઇન્ટરેસ્ટ જાગ્યો. સિરિયલ જોતી વખતે ખરેખર લાગ્યું કે આ રોજબરોજનું આપણું જ જીવન છે. દરેક પ્રસંગ કોઈક ને કોઈક રીતે આપણા જીવનની પરિસ્થિતિ સાથે સંકળાયેલા હોય છે. સબ ટીવી પર રોજ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ સિરિયલમાં તેણે ટિફિન બનાવીને પોતાનાં છોકરાંઓને મોટાં કર્યાં છે, પોતે મોટી ઉંમરમાં ભણવા જાય છે. આ બધી પ્રેરણા છે તેમ જ ‘વાગલે કી દુનિયા’માં પણ આપણા ઘરમાં તેમ જ આપણા જીવન સાથે જોડાયેલા આજુબાજુના લોકો, ઘરમાં કામ કરતા નોકર અથવા સોસાયટીના લોકો તેમની સાથે કઈ રીતે મનમેળાપ રાખવો, કઈ રીતે બીજાને મદદ કરવી એ બતાવવામાં આવે છે. ઘણી વાર છોકરાંઓ ટીવી પર કાર્ટૂન જોતાં હોય એટલે અમારા ઘરમાં નેટની સુવિધાને લીધે ડિઝની હૉટસ્ટારમાં જ રોજ સવારે મોબાઇલ પર જ હું, મારી વાઇફ અને મારી મમ્મી અમે ચાય પીતાં-પીતાં ‘અનુપમા’ સિરિયલ જોઈએ છીએ. અમારા માટે સિરિયલ ફૅમિલી મેળાવડો છે. સાથે બેસવાની એક તક છે. મોબાઇલ અને સોશ્યલ મીડિયાને આરામ આપવાની એક તક છે. ‘પુષ્પા ઇમ્પૉસિબલ’નો સમય રાતે ૯.૩૦ વાગ્યાનો છે. જો ઘરે ટાઇમ પર આવી ગયો હોઉં તો ૯.૩૦થી ૧૦ની વચ્ચે કોઈ પણ ખલેલ મને જરાય ન ગમે અને ઘણી વાર લેટ થઈ જાય તો રાતે ડિનર કરીએ ત્યારે રસોડામાં જ સાથે બેસીને મોબાઇલ પર જોઈએ. સિરિયલ જોતી વખતે એની સ્ટોરી કે કૅરૅક્ટર્સ અમે બન્ને હસબન્ડ-વાઇફને બતાવી રહ્યાં છે એવું કનેક્ટ કરું છું. અમારી જોડી સિરિયલ્સના કૅરૅક્ટર્સમાં ઝલકાય છે એવું લાગે.’
ADVERTISEMENT
સિરીઝ કરતાં સિરિયલ બેસ્ટ
વિશાલ શાહ
સિરિયલ તમે અડધો કલાક જોઈ અને પછી તમે આગળ મૂવ ઑન કરી શકો એવું માનતા વિશાલ શાહ કહે છે, ‘વેબ-સિરીઝ તમે સ્ટાર્ટ કરો એટલે જ્યાં સુધી એ ખતમ ન થાય ત્યાં સુધી તમને છોડવાનું મન ન થાય અને તમારો વધારે સમય ખર્ચાય. ટીવી સિરિયલ તમે પરિવાર સાથે બેસીને જોઈ શકો, પણ વેબ-સિરીઝ તમે તમારા પરિવાર સાથે બેસીને કે તમારા દીકરાની બાજુમાં બેસીને જોઈ ન શકો, અને આમ પણ એમાં ખાસ કંઈ શીખવા મળે એવું હોતું નથી. એમાં થોડી વાર એવા શબ્દો કે સીન આવી જાય કે આપણે પરિવાર સાથે બેસીને જોઈ જ ન શકીએ.’
મીઠો ઝઘડો
નૉર્મલી લેડીઝ લેડીઝને પૂછે કે આગળ સિરિયલમાં શું થયું, પણ મારે ત્યાં ઊલટું છે. મારી વાઇફ મને પૂછે કે આગળની સિરિયલમાં શું થયું? એમ કહેનાર ઘાટકોપરના ધર્મેશ મહેતા કહે છે, ‘હું ક્યારેય સિરિયલ મિસ નથી કરતો. હાલની તારીખમાં રેગ્યુલર હું ચાર સિરિયલ્સ તો દરરોજ જોઉં છું. ‘અનુપમા’, ‘ન ઉમ્ર કી સીમા હો’, ‘બડે અચ્છે લગતે હૈં’ અને ‘પુષ્પા ઇમ્પૉસિબલ.’ રાતના ડિનર પછી હું અને મારી વાઇફ અમે સાથે બેસીને આ સિરિયલ જોઈએ. જો ક્યારેક કોઈ કારણથી મારી વાઇફનો એકાદ એપિસોડ મિસ થઈ જાય તો મારે તેને આગળની સ્ટોરી કહેવી પડે કે પાછલા દિવસે સિરિયલમાં શું થયું. કારણ કે મારી વાઇફને ખબર છે કે જો હું મારાં કોઈ કામને કારણે બહારગામ ગયો હોઉં તો પણ મારા મોબાઇલમાં હું સિરિયલ જોઈ જ લઉં છું. ઘણી વખત જો ઇન્ટરેસ્ટિંગ એપિસોડ હોય તો મારી ઑફિસમાં નેટ વાપરતા જ હોઈએ એટલે હવે જિયો કનેક્ટ કર્યા બાદ જમવા બેઠો હોઉં ત્યારે ટીવી પર જોઈ લઉં. એ દિવસે તો ઘરે આવીને મારી વાઇફ સાથે અચૂક થોડો મીઠો ઝઘડો થઈ જ જાય કે તમે ઑફિસમાં કેમ સિરિયલ જોઈ લીધી. સાથે જોવી હતીને. એટલી હદ સુધી મને સિરિયલ જોવી ગમે છે. આખો પરિવાર ટીવી-લવર છે.’
બોર્ડિંગનું એક માધ્યમ
ટીવી સિરિયલો આપસમાં બોર્ડિંગનું એક માધ્યમ છે એમ જણાવતાં ધર્મેશભાઈ કહે છે, ‘ઇન્ટરનેટ અને ઘરમાં જેટલા મેમ્બર એટલા ફોનને લીધે બધા પોતપોતાના ફોનમાં બિઝી હોય છે, એટલે ઍટ લીસ્ટ સિરિયલ જોતી વખતે એકબીજા સાથે વાતો થાય, ‘એક સિરિયલ જોવામાં તમે સહમત તો છો એ પણ ખુશી આપે. એકબીજા સાથે ઝગડા કરવામાં...’ તમારી વાઇફને મેણાં મારવા કરતાં તમે તમારી વાઇફ સાથે બેસીને એક સિરિયલ તો જુઓ, તેની સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરશો તો તમારી વચ્ચેનું બૉન્ડિંગ હજી વધશે. ફૅમિલી મેમ્બર સાથે બેસીને જોશો તો ફૅમિલી સાથેનાં રિલેશન હજી સ્ટ્રૉન્ગ બનશે. આજકાલનાં બાળકોને મોબાઇલમાં બધું જ આવડે છે એટલે એ લોકો પોતે જ ડિસાઇડ કરી લે છે કે તેમને શું જોવું છે અને શું નહીં. એમાં કોઈ લૉક સિસ્ટમ હોતી નથી, કેમ કે એમાં ફક્ત લખેલું હોય છે કે ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના જોઈ શકે, પણ લિમિટેશન ક્યાંય નથી. એનાથી નાની ઉંમરનું બાળક અગર જોતું હોય તો મોબાઇલમાં થોડી ખબર પડવાની છે કે નાનો છે કે મોટો. માટે હું લોકોને એટલો સંદેશો આપીશ કે વિકૃત કરનારી વેબ-સિરીઝ જોવા કરતાં રોજ કંઈક નવી અને જીવનમાં શીખવા જેવી બાબતો બતાવનાર અથવા ફૅમિલી સાથે બૉન્ડિંગ વધારવા માટે સિરિયલ જોવી વધારે સારી.’
ટીવીની ચાહના આજે પણ
જરૂરી નથી કે ફક્ત સ્ત્રીઓ જ સિરિયલ જુએ, પુરુષો પણ સિરિયલ જુએ જ છે એમ કહેનાર મુલુંડના મનીષ રાંભિયા કહે છે, ‘ઘણાનું માનવું છે કે સિરિયલ એટલે સાસ-બહૂનો ઝઘડો. પણ મારા વિચાર પ્રમાણે એવું જરાય નથી. સમાજનું દર્પણ દેખાડનાર ટીવી સિરિયલોને તમે જે દૃષ્ટિકોણથી જોશો એવું દેખાશે. હું તો કહીશ કે કોઈ પણ પુરુષે એવું માનવાની જરૂર નથી કે સિરિયલો જોવી એ સ્ત્રીઓનું જ કામ. ઘણી વાર ઘરમાં ટીવીનાં રિમોટ સ્ત્રીઓના હાથમાં હોવાને લીધે પુરુષો પોતાની ઑફિસમાં અથવા કામ કરવાની જગ્યાએ મોબાઇલમાં સિરિયલ જોઈ લેતા હોય છે. હું ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’, ‘ક્રાઇમ પૅટ્રોલ’, ‘સીઆઇડી’ જેવી સિરિયલ બપોરે જોઈ લઉં છું. સિરિયલમાં ફક્ત સ્ત્રીઓ માટે જ નહીં, બાળકો અને પુરુષો માટે પણ શીખવા જેવી બાબત હોય છે. ગમે એટલા મોબાઇલ આવી ગયા છે, પણ આજની તારીખમાં પણ મોટાં-મોટાં ૩૨ કે ૩૫ ઇંચનાં એલઈડી ઘરમાં બેસાડવાનો ટ્રેન્ડ તો છે જ. બે દાયકા પહેલાં મનોરંજનનું એકમાત્ર માધ્યમ ટીવીના સ્થાને આજે સોશ્યલ મીડિયા, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઇન્ટરનેટ અને ઓટીટી પ્લૅટફૉર્મ જેવા અનેક વિકલ્પ આવી ગયા છે છતાં ટીવીની ચાહના આજે પણ છે જ એમ કહેનાર મનીષભાઈ કહે છે, ‘પહેલેથી અમે ટીવી જોતા આવ્યા છીએ. ટીવીનો ક્રેઝ આજની તારીખમાંય એટલો છે કે વેબ-સિરીઝ એની સરખામણી ન કરી શકે.’
હું ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’, ‘ક્રાઇમ પૅટ્રોલ’, ‘સીઆઇડી’ જેવી સિરિયલ બપોરે જોઈ લઉં છું. સિરિયલમાં ફક્ત સ્ત્રીઓ માટે જ નહીં, બાળકો અને પુરુષો માટે પણ શીખવા જેવી બાબત હોય છે. : મનીષ રાંભિયા
ઝઘડા જોવાની મજા
‘બિગ બૉસ’માં ઝઘડા જોવાની મજા આવે છે એવું કહેતાં મનીષભાઈ કહે છે, ‘ઘરમાં ડિનરના ટાઇમે જે સિરિયલ આવતી હોય એ સિરિયલ અમે બધા સાથે મળીને જોઈએ. ખાસ કરીને ‘અનુપમા’ અને ‘બિગ બૉસ’ જોઈએ. ‘બિગ બૉસ’માં અજાણ્યા લોકો વચ્ચે રહીને પોતાને સાબિત કરવાની તેમ જ મોટા ઝઘડામાં પોતાના પરનો કન્ટ્રોલ જાળવવાની ચૅલેન્જ શીખવા મળે છે. આપણી સાથે કોઈ બનાવ બને તો કઈ રીતે હૅન્ડલ કરવું. માઇન્ડ ફ્રેશ થઈ જાય, સ્ટ્રેસ-લેવલ ઓછું થઈ જાય.’

