મોટા ભાગના લોકો હવે કામને જ જીવન માનતા થઈ ગયા છે. ચોવીસ કલાક કામ, કામ ને કામ જ કર્યા કરે. એને લીધે તેમને તકલીફ નથી પડતી, પણ તેમની આજુબાજુમાં જે હોય તેમને બહુ હેરાનગતિ સહન કરવી પડે.
મારી વાત
ટીકુ તલસાણિયા
મોટા ભાગના લોકો હવે કામને જ જીવન માનતા થઈ ગયા છે. ચોવીસ કલાક કામ, કામ ને કામ જ કર્યા કરે. એને લીધે તેમને તકલીફ નથી પડતી, પણ તેમની આજુબાજુમાં જે હોય તેમને બહુ હેરાનગતિ સહન કરવી પડે. જોકે પેલા ભાઈ તો કામને જ પ્રાધાન્ય આપ્યા કરે. કામ કરવાનું હોય અને એમાં પણ જો તમારી હૉબી જ કામના રૂપમાં તમને મળી હોય તો બહુ સારું કહેવાય. એનો અર્થ એવો નથી થતો કે તમે જવાબદારીઓ ભૂલીને કામની પાછળ ભાગ્યા કરો અને એ પછી એવું પણ બોલ્યા કરો કે કામ તો કરવું પડેને!
કામનું પાણી જેવું છે. જ્યાં સુધી તમે પાણીમાં આંગળી રાખો ત્યાં સુધી પાણીમાં જગ્યા બનેલી રહે, પણ જેવી આંગળી કાઢો કે બીજી મિનિટે પાણી જગ્યા સમાવી લે. તમે છો એટલે એ કામ તમારું છે, તમે નહીં હો ત્યારે એ કામ બીજાને આધારિત થઈ જશે. આપણા હોવા ન હોવાને સૂર્યોદય કે સૂર્યાસ્ત સાથે કશું લાગતું-વળગતું નથી. તમે નહીં હો ત્યારે પણ સૂર્યોદય થવાનો જ છે અને સૂર્ય અસ્ત પણ થશે. તમારી ગેરહાજરીમાં પણ દુનિયા ચાલવાની જ છે અને કામ પણ થવાનું જ છે. આ સનાતન સત્ય છે અને જો આ સત્ય હોય તો પછી શું કામ કામની હાયવોય કરતા ફરવાનું! કામને શિદ્દતથી કરો, પૂરા મનથી કરો; પણ કામને મન પર હાવી કરી રાખવાને બદલે જવાબદારીઓને પણ પૂરતું મહત્ત્વ આપો.
ADVERTISEMENT
મેં ક્યાંક સરસ લાઇન વાંચી હતી. ICUની બહાર તમારો પરિવારજન જ ઊભો રહેવાનો હોય તો પછી જ્યારે તમે ICUમાં નથી ત્યારે એ લોકોને પાછળ શું કામ ઊભા રાખવાના? બહુ સાચી વાત છે અને આ વાત વાંચીને તમારામાંથી ઘણાને એવું જ થશે કે હા, આ જ સાચું છે; પણ મારા ભાઈ, હું એમ કહું છું કે સાચું શું છે એની ખબર છે તો પછી એનો અમલ કેમ ન થાય? શું કામ એ વાતને વાંચી-વખાણીને ફરી પાછા હતા એવા થઈ જઈએ? આજે બધા પાસે છે તો એનો સાથે રહેવાનો આનંદ લઈને મજા કરો અને એ ખુશીને માણો; કારણ કે આ જ ખુશી તમારી યાદો બનવાની છે, આ જ બધી વાતો ભવિષ્યમાં તમને જીવવાનો નવો ઉત્સાહ આપવાની છે. પ્રમોશન કે પછી ઑફિસમાં પ્રસ્થાપિત કરી રાખેલો ડર બુઢાપામાં યાદ આવશે તો પણ ચહેરા પર સ્માઇલ નહીં આવે, પણ મિત્રો સાથે માણેલી થોડી ક્ષણોની વાતો જો એ સમયે યાદ આવશે તો એ ચોક્કસ તમારા વધેલા બ્લડ-પ્રેશરને ઘટાડવાનું કામ કરશે.