ભારતમાં મહિલા સશક્તીકરણ સારાએવા પ્રમાણમાં થયું છે અને પરિવારોની સારસંભાળનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરનારી નારીઓ હવે આર્થિક દૃષ્ટિએ પણ સશક્ત થઈ ગઈ છે.
પ્રતીકાત્મક તસવીર
આઠમી માર્ચ નજીક હોય અને લેખ લખનાર મહિલા હોય ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખવું સ્વાભાવિક છે. ભારતમાં મહિલા સશક્તીકરણ સારાએવા પ્રમાણમાં થયું છે અને પરિવારોની સારસંભાળનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરનારી નારીઓ હવે આર્થિક દૃષ્ટિએ પણ સશક્ત થઈ ગઈ છે. તેમના સામર્થ્યને વધારવા માટે કેટલાક વિચારોઃ
માત્ર ખર્ચ નહીં, પૂરેપૂરા બજેટ પર ધ્યાન : ઘણાં ઘરોમાં પગારની રકમ મહિલાઓના હાથમાં મૂકવામાં આવે છે. એ પૂરતું નથી. હાથમાં આવેલી રકમના આધારે બજેટ બનાવવાનું કામ જરૂરી હોય છે. ઘરની આવક અને જાવકની પદ્ધતિસરની નોંધ કરવી અને એના આધારે અલગ-અલગ ખર્ચ માટે નાણાં ફાળવવાં. સમયાંતરે આવક અને જાવક વધે ત્યારે જરૂરી ફેરફાર કરવો.
ADVERTISEMENT
નાણાકીય આયોજનમાં હિસ્સો : મહિલાઓએ હવે પરિવારના નાણાકીય આયોજનમાં પણ હિસ્સો લેવો જરૂરી છે. તેમણે આખા પરિવારને સાથે બેસાડીને ઘરની ખરીદી, નિવૃત્તિ માટેની નાણાકીય જોગવાઈ, સંતાનોના શિક્ષણ અને લગ્ન, પર્યટન, ખરીદી નાણાકીય લક્ષ્યો નિશ્ચિત કરવાં અને એના આધારે ટૂંકા, મધ્યમ તથા લાંબા ગાળા માટે કેટલી રકમની જરૂર પડશે એનો અંદાજ બાંધવો. એમાં મહિલાઓની જન્મજાત કુનેહ ઉપયોગી થાય છે. આ રીતે બચત કરવાના મહિલાઓના ગુણને રોકાણ અને નાણાકીય આયોજનમાં પણ ઉપયોગી બનાવી શકાશે.
ઇમર્જન્સી ફન્ડ ‘મૅનેજર’ : મહિલાઓ એટલે ઇમર્જન્સી ફન્ડ એ વાત કોવિડના રોગચાળાના સમયે પુરવાર થઈ ચૂકી છે. ઘણાં ઘરોમાં મહિલાઓએ સાચવીને રાખેલાં નાણાંનો ઉપયોગ થયો હતો એ બધા લોકો હવે પોતાના અને બીજાઓના અનુભવે જાણે જ છે. મહિલાઓના આ જ ગુણને હવે નાણાકીય આયોજનની દૃષ્ટિએ ઉપયોગમાં લેવાનો છે. બધા જ પૈસા ઇમર્જન્સી ફન્ડમાં ન જાય અને વખત આવ્યે જોઈએ એના કરતાં ઓછા પૈસા પણ એમાં ન હોય એ પરિસ્થિતિથી બચવા માટે છથી ૧૨ મહિનાના માસિક ખર્ચની રકમ ઇમર્જન્સી ફન્ડમાં રાખવી. કોવિડ પહેલાં આ રકમ માત્ર ત્રણ મહિનાના ખર્ચ જેટલી રાખવાની સલાહ આપવામાં આવતી હતી, પરંતુ હવે અનુભવના આધારે ફાઇનૅન્શિયલ પ્લાનર પણ છથી ૧૨ મહિનાના ખર્ચની જોગવાઈ ઇમર્જન્સી ફન્ડ તરીકે કરવાની સલાહ આપે છે.
વીમાનો નિર્ણય : મહિલાઓ પરિવારની આવશ્યકતા મુજબનો આરોગ્ય વીમો અને જીવન વીમો હોય એની પણ તકેદારી લઈ શકે છે. અત્યાર સુધી મોટા ભાગનાં ઘરોમાં તેઓ આ કામથી દૂર રહી છે, પરંતુ હવે એમાં પણ સક્રિય થવાનો સમય આવી ગયો છે.
માત્ર બચત નહીં, રોકાણ પણ : મહિલાઓએ હવે રોકાણની બાબતે પણ ખાસ સક્રિય થવાની જરૂર છે, બચતના ગુણને હવે રોકાણના ક્ષેત્રે ઉપયોગમાં લાવીને પોતાની આવડતનો પરચો દુનિયાને બતાવવાની જરૂર છે. રોકાણ માટે નિશ્ચિત આવકનાં સાધનો ઉપરાંત મ્યુચ્યુઅલ ફન્ડમાં SIP કરાવવો, પોર્ટફોલિયોમાં સોનાને સ્થાન આપવું અને વખત આવ્યે યોગ્ય પ્રૉપર્ટીની ખરીદી કરવાના નિર્ણયમાં યોગદાન આપવું. આ રીતે મહિલાઓ પરિવારનો મજબૂત આર્થિક પાયો રચવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકશે.


