જીવનની સેકન્ડ ઇનિંગ્સમાં પ્રવેશી ચૂકેલી આ મહિલાઓનો ગરબા રમવાનો જુસ્સો યુવાનોને પણ શરમાવે એવો છે
ઉંમર 50+ પણ ગરબા રમવાનો જુસ્સો 100+ ટકા
ઉંમર ૫૦ને પાર પણ ગરબાનો જુસ્સો એવો કે યુવાનો પણ જોતા રહી જાય. જીવનની સેકન્ડ ઇનિંગ્સમાં પ્રવેશ કરી લીધો હોવા છતાં 50+ એજની મહિલાઓનાં ગરબા ગ્રુપ્ર્સ જ્યારે મેદાનમાં રમવા ઊતરે ત્યારે યુવાનોને પણ ટક્કર આપે એવી એનર્જી ધરાવે છે. ગરબાના તાલે પગ થિરકાવવાની વાત આવે ત્યારે આ સખીઓનો ઉત્સાહ જરાય ઓછો થતો નથી. ઘરની જવાબદારીઓ, રોજિંદી દોડધામ અને કામકાજની વ્યસ્તતા વચ્ચે પણ નવરાત્રિના ૯ દિવસને તેઓ મન ભરીને માણે છે. મૅચિંગ આઉટફિટ્સ, અવનવી થીમ, સખીઓનો સંગાથ અને ગરબાના મેદાનમાં ઇનામ જીતવાના ઉત્સાહ સાથે 50+ની આ ગરબા-ગૅન્ગ સાબિત કરે છે કે ઉંમર તો ખરેખર માત્ર એક આંકડો જ છે.
નવરાત્રિનાં કપડાં અને જ્વેલરીની શૉપિંગ પણ સાથે કરવા જઈએ : કિરણ કુવાડિયા
ADVERTISEMENT
અમે બધી ઘાટકોપરની સખીઓ ૨૦ વર્ષથી સાથે ગરબા રમીએ છીએ અને આજે અમેા 50+ એજમાં છીએ છતાં અમારો ગરબા રમવાનો ઉત્સાહ અને જુસ્સો ઓછો થયો નથી એમ જણાવતાં ઘાટકોપરમાં રહેતાં કિરણ કુવાડિયા કહે છે, ‘અમારું ઘાટકોપરનું 50+ વર્કિંગ લેડીઝનું દસથી ૧૨ જણનું ગરબાનું ગ્રુપ છે. ઘાટકોપરના એક મંડળમાં અમે સભ્ય હતી જ્યાં અમારી દોસ્તી થઈ અને પછી ધીરે-ધીરે અમારું એક ગ્રુપ બની ગયું. આજે એ વાતને ૨૦ વર્ષ થઈ ગયાં છે. ત્યારથી અમે દર વર્ષે ગરબા રમવા જઈએ છીએ. નવેનવ દિવસ અમારું ગ્રુપ નવરાત્રિ રમવા જાય છે અને રોજ પ્રાઇઝ લઈને આવે છે. 50+ હોવા છતાં દરેક જણ ખૂબ જ સરસ રમે છે. દૂરથી જોનારાને એવું લાગે પણ નહીં કે અમે આટલી ઉંમરની હોઈશું. નવરાત્રિ જ નહીં, અમે અન્ય પ્રવૃત્તિ કરવામાં પણ એટલાં જ હોશિયાર છીએ. ગ્રુપની બધી સખીઓ એટલી ઉત્સાહી અને એનર્જેટિક છે કે અમને ક્યારેય કોઈ પણ વસ્તુમાં એજ વચ્ચે આવી નથી. આટલાં વર્ષોથી સાથે હોવાને લીધે અમારી વચ્ચેનું બૉન્ડિંગ પણ સારુંએવું થઈ ગયું છે. નવરાત્રિનાં કપડાંની ખરીદી હોય કે પછી એના પર પહેરવાનાં મૅચિંગ આભૂષણોની ખરીદી, અમે સાથે મળીને જ શૉપિંગ કરવા જઈએ છીએ. મુંબઈની કોઈ માર્કેટ અમે છોડતાં નથી. બધી જગ્યાએ ફરી-ફરીને અમે બધું ખરીદીએ છીએ. એક મહિના પહેલાંથી અમારી નવરાત્રિની તૈયારી શરૂ થઈ જાય છે.’
અમારા ગ્રુપમાં ૯૦ ટકા ડૉક્ટરો છે જે મેડિકલ પ્રૅક્ટિસ પણ કરે છે અને ગરબા પણ રમે છે : ડૉ. મોના શાહ
વિલે પાર્લેમાં રહેતાં ૫૮ વર્ષનાં ડૉ. મોના શાહ કહે છે, ‘અમારું ૧૮ જણનું ગ્રુપ ૧૦ વર્ષથી ફોક ડાન્સ શીખી રહ્યું છે. નવરાત્રિ દરમ્યાન અમે અલગ-અલગ મંડળો અને સંસ્થાઓના ગરબામાં ભાગ લઈએ છીએ. નવરાત્રિ સિવાયના દિવસોમાં અમે ફોક ડાન્સ પ્રસ્તુત કરીએ છીએ. અમારા આ ગ્રુપમાં અમે પંચાવન વર્ષ કરતાં મોટી ઉંમરની છીએ. અમુક તો ૬૮ વર્ષની પણ છે. ગ્રુપની છથી ૭ સખીઓએ તો ફોક ડાન્સમાં વિશારદ પણ કર્યું છે. અમે જ્યાં જઈએ ત્યાં અમને પ્રાઇઝ મળે છે. સંસ્થા અને મંડળમાં જ નહીં, નવરાત્રિમાં પણ ગરબાના મેદાનમાં અમે ઊતરીએ છીએ. જોકે ત્યારે સમય અને સંજોગોના આધારે બધી સખીઓ હાજર હોય એવું બનતું નથી. એમ છતાં અમે જેટલી સખીઓ હોઈએ એટલી જઈએ છીએ. પરંપરાગત વસ્ત્રોની સાથે અમે પરંપરાગત આભૂષણો પહેરીને જ મેદાનમાં ઊતરીએ છીએ. અમારા આ ૧૮ જણના ગ્રુપમાં ૯૦ ટકા જેટલી સખીઓ ડૉક્ટર છે અને પ્રૅક્ટિસ પણ કરે છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો ઘણી દાદી પણ બની ગઈ છીએ. આ ઉપરાંત મારી વાત કરું તો હું મારી સોસાયટીની 50+ એજની મહિલાઓ સાથે પણ ગરબા રમવા જાઉં છું. અમારા માટે ડાન્સની વાત આવે ત્યારે એજ ઇઝ અ જસ્ટ નંબર બની જાય છે.’
માત્ર નવરાત્રિમાં જ નહીં, પ્રી અને પોસ્ટ-નવરાત્રિમાં પણ રમવા જઈએ : નેહા દેસાઈ
અમારું 50+નું ગ્રુપ માત્ર નવરાત્રિના ૯ દિવસ જ નહીં, પ્રી-નવરાત્રિ ઇવેન્ટ અને પોસ્ટ-નવરાત્રિ ઇવેન્ટમાં પણ જઈએ છીએ એમ જણાવવીને બોરીવલીમાં રહેતાં ૫૩ વર્ષનાં નેહા દેસાઈ કહે છે, ‘અમારા ગ્રુપમાં અમે ૫૦ વર્ષ કરતાં મોટી ઉંમરની છીએ, પરંતુ અમે નવેનવ દિવસ રમવા નથી જતાં. ચાર-પાંચ દિવસ જ અમે ગરબા રમવા માટે ઊતરીએ છીએ. દરેકને ઘરની જવાબદારી હોવાની સાથે અમુક વર્કિંગ પણ હોવાથી રોજેરોજ જવું થોડું મુશ્કેલ બને છે. મારી વાત કરું તો હું આ ગ્રુપમાં થોડી પાછળથી જોડાઈ હતી. એમાં બન્યું એવું કે હું પોતે એક ડાન્સ-ગ્રુપ ચલાવું છું જેમાં એક લેડી પણ આવતી હતી જે આ 50+ એજ ગ્રુપના મહિલા ગરબા-ગ્રુપની સદસ્ય હતી. તેના દ્વારા હું પણ એમાં જોડાઈ. દર વર્ષે અમારું આ 50+નું ગરબા-ગ્રુપ ટ્રેડિશનલ કપડાં પહેરીને ગરબા રમવા જઈએ છીએ અને ઘણી વખત ઇનામ પણ જીતીએ છીએ. અમારી સાથે એક યંગ છોકરી છે જેનું નામ દીપાલી કોઠારી છે. તે અમારા બધા માટે દર વર્ષે અલગ-અલગ જગ્યાના પાસ લઈ આવે છે.’
અમારા ગ્રુપમાં ૭૦ વર્ષની મહિલા પણ છે : વૈશાલી મહેતા
બોરીવલીમાં રહેતાં વૈશાલી મહેતા કહે છે, ‘અમારું 50+ વયની મહિલાઓનું ૧૦ જણનું બિલ્ડિંગનું ગ્રુપ છે. એમાં કેટલીક મહિલાઓ ૭૦ વર્ષની આસપાસ પણ છે. અમે દર વર્ષે બધા સાથે મળીને ગરબા રમવા જઈએ છીએ. અમારી બાજુના ગ્રાઉન્ડમાં બહુ મોટી નવરાત્રિ થાય છે. ત્યાં અમે જઈએ છીએ. રોજ અલગ-અલગ થીમ પ્રમાણે અમે લોકો તૈયાર થઈને જઈએ છીએ. અમે મૅચિંગ કપડાં પહેરીએ અને ખૂબ મજા કરીએ. ગરબા પણ એવા રમીએ કે અમે પ્રાઇઝ લીધા વિના ક્યારેય પાછાં આવ્યાં જ નથી. 50+માં પણ બધી મહિલા ફિઝિકલી ફિટ છે એટલે રમતી વખતે કોઈને કોઈ સમસ્યા નડતી નથી. અમારા ગ્રુપમાં એક સભ્યને કૅન્સર હતું છતાં તે સાજી થઈને ફરી ગ્રુપમાં જોડાઈ છે. ગ્રુપમાં જોડાયા બાદ તેને વધુ સારું લાગે છે. આ ૧૦ દિવસ દરમ્યાન ગરબામાં કરેલી મજા અમારા માટે મૂડ-બૂસ્ટર અને એનર્જી વધારવાનું કામ કરે છે. રાત્રે ૧૦ વાગ્યે ગરબા બંધ થઈ જતા હોવાથી અમારે ઘણું જલદી રમવા નીકળી જવું પડે છે એટલે અમે બધાં ઘરનું કામ અને રસોઈ જલદી બનાવીને જલદી ફ્રી થઈ જઈએ છીએ. પછી સાથે નીકળીએ છીએ અને સાથે ઘરે આવીએ છીએ.’
