Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રક્તપિત્ત નિવારણ માટે શું મુંબઈ બનશે ભારત માટે આદર્શ મૉડલ?

રક્તપિત્ત નિવારણ માટે શું મુંબઈ બનશે ભારત માટે આદર્શ મૉડલ?

28 January, 2023 11:28 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ગામડાંઓ કરતાં શહેરોમાં રક્તપિત્તના રોગીઓ અને તેમનું મૅનેજમેન્ટ ઘણું અલગ હોય છે. રક્તપિત્ત જેવા ચેપી રોગના નિવારણ માટે મુંબઈમાં વિસ્થાપિત લોકોમાં થતું રોગનું સમયસર નિદાન અને તેમનો સંપૂર્ણ ઇલાજ પૂરો કરે ત્યાં સુધી તેમની દેખરેખનું જે માળખું બનાવવામાંઆવે

રક્તપિત્ત નિવારણ માટે શું મુંબઈ બનશે ભારત માટે આદર્શ મૉડલ

રક્તપિત્ત નિવારણ માટે શું મુંબઈ બનશે ભારત માટે આદર્શ મૉડલ



સોમવારે વિશ્વ કુષ્ઠરોગ દિવસ છે. માનવ પ્રજાતિ જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી આ રોગનું અસ્તિત્વ છે અને સાયન્સના આટલા ઍડ્વાન્સમેન્ટ પછી પણ આ રોગ અસ્તિત્વ ધરાવે છે, જે આપણી રોગથી પણ વધુ કરુણ અવસ્થા સૂચવે છે. અંગ્રેજીમાં લેપ્રસી તરીકે ઓળખાતા રોગના ૨૦૨૨માં વિશ્વમાં ૨,૦૮,૦૦૦ કેસ નોંધાયા હતા, જે પૈકી લગભગ ૬૦ ટકા જેટલા કેસ ભારતમાં હતા. ભારતની ઍવરેજ જોઈએ તો દર ૧૦,૦૦૦ લોકોએ ૪.૫ના દર પર લોકો આ રોગથી પીડિત છે. મહારાષ્ટ્રમાં આ સંખ્યા ૨૦૨૨માં ૧૪,૫૨૦ હતી. આ સૂચવે છે કે રક્તપિત્ત પ્રત્યે ગંભીર બનવું જરૂરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો ટાર્ગેટ ૨૦૩૦ સુધીમાં આ રોગને નાબૂદ કરવાનો છે, જે ખૂબ અઘરું છે. 

કેસિસમાં વધારો 
મુંબઈની વાત કરીએ તો ૨૦૧૭થી ૨૦૨૦ સુધી ઍવરેજ મહિનાના રક્તપિત્તના નવા કેસ ૩૭ આસપાસના નોંધાયા છે પરંતુ ૨૦૨૦ પછી આંકડાઓમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો છે. જ્યાં ઍવરેજ મહિનાના કેસ ૩૭ હતા ત્યાં ૨૦૨૦-’૨૧માં એ ૧૪, ૨૦૨૧-’૨૨માં એ ૨૮ અને ૨૦૨૨-’૨૩ એપ્રિલથી ઑગસ્ટના ૪ મહિના સુધીના કેસની માસિક ઍવરેજ ૪૭ જેટલી આવી હતી. આવું કેમ થયું? કોરોના પછી અચાનક રક્તપિત્તના કેસમાં એકદમથી વધારો કઈ રીતે નોંધાયો એ બાબત સમજવા જેવી છે. એ વિશે વાત કરતાં છેલ્લાં ૪૭ વર્ષથી મુંબઈમાં લેપ્રસી માટે કામ કરતી બૉમ્બે લેપ્રસી પ્રોજેક્ટ નામની સંસ્થાના ડિરેક્ટર અને નૅશનલ લેપ્રસી ઇરેડિકેશન પ્રોગ્રામના મેમ્બર ડૉ. વિવેક પૈ કહે છે, ‘કોરોનામાં આખું મેડિકલ તંત્ર ખોરવાયું હતું. એક રોગ પાછળ આપણે બીજા અનેક રોગોને અવગણવા પડ્યા હતા. સરકાર કે સમાજસેવી સંસ્થાઓ જે વર્ષોથી લોકોને શોધી-શોધીને ઇલાજ કરી રહી છે એમનું કામ આ દરમિયાન બંધ થઈ ગયું હતું. અને જાતે પોતાનાં લક્ષણો સમજીને દરદી ડૉક્ટર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા, જેને લીધે ઘણા કેસ જેમનું નિદાન સમયસર થઈ જવું જોઈતું હતું એ રહી ગયું અને પછી જ્યારે ફરીથી ૨૦૨૨માં સ્પેશ્યલ કૅમ્પેન શરૂ થયું ત્યારે આપણે રક્તપિત્તના દરદીઓને શોધવામાં, તેમનું નિદાન કરવામાં સફળ રહ્યા. આ કંઈ એકદમથી આવેલો વધારો નહોતો પરંતુ જૂના દરદીઓ જેમનું નિદાન કે ઇલાજ કોરોનાને કારણે શક્ય નહોતા બન્યા એ દરદીઓ અને નવા દરદીઓ બન્નેનો સાથે આંકડો હતો. આમ વધારો ભલે નોંધાયો, પરંતુ જે દરદીઓ છૂટી ગયા હતા તેમનું નિદાન અને ઇલાજ જરૂરી હતાં, જે થયાં.’ 



કોરોનાને લીધે થયેલું નુકસાન 
રક્તપિત્ત રોગની તીવ્રતાનાં બે પૅરામીટર હોય છે, એક મલ્ટિબેસિલરી એટલે કે સાંસર્ગિક અને પૉસિબેસિલરી એટલે કે અસાંસર્ગિક. એ વિશે સમજાવતાં ડૉ. વિવેક પૈ કહે છે, ‘જયારે માઇકોબૅક્ટેરિયમ લેપ્રે નામના બૅક્ટેરિયા થકી વ્યક્તિને ઇન્ફેક્શન લાગે ત્યારે મોટા ભાગના દરદીઓ પૉસિબેસિલરી સ્ટેજ પર હોય છે. આ સ્ટેજ પર દરદી બીજા દરદીને ચેપ આપી શકતો નથી. એ સમયે જ જો તેનો ઇલાજ થઈ જાય તો એ રોગના ઍડ્વાન્સ સ્ટેજ એટલે કે મલ્ટિબેસિલરી સ્ટેજ સુધી ન પહોંચી શકે. જોકે અમુક લોકો, જેની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ નબળી છે તેને સીધું જ સાંસર્ગિક સ્ટેજ આવી જાય છે. આ સ્ટેજમાં વ્યક્તિનો રોગ ચેપી બની જતો હોય છે. એટલે એ ફેલાઈ શકે છે. દુઃખની વાત એ છે કે કોરોનામાં જે કેસનું સમયસર નિદાન ન થઈ શક્યું એને લીધે મુંબઈમાં ઘણા કેસ આજની તારીખે ઍડ્વાન્સ સ્ટેજના જ સામે આવી રહ્યા છે. અમુક કેસ એવા છે જે અમારી પાસે આવ્યા એ પહેલાં જ તેમનાં અંગોમાં વિકૃતિ આવી ગઈ છે. આ પરિસ્થિતિમાં તેમનો ઇલાજ ચાલુ કરીએ તો પણ તેમના અંગને પહેલાં જેવાં નહીં બનાવી શકાય. કોરોનાને કારણે આ દરદીઓનું ઘણું નુકસાન થઈ ગયું. બીજું એ કે ચેપી રોગ હોવાને લીધે આટલા સમયમાં એ ફેલાવો જોઈએ એના કરતાં વધુ ફેલાઈ ગયો. પરંતુ હાલમાં કોશિશ એવી છે કે વધુમાં વધુ લોકોનું નિદાન થાય અને તેમનો ઇલાજ શરૂ કરી શકાય.’ 


NGO દ્વારા યોજાતા હેલ્થ કૅમ્પ્સ.


મુંબઈ મૉડલ 
દેશ આખામાં આ જ પરિસ્થિતિ છે. કોરોનાને કારણે બધે રક્તપિત્તના દરદીઓએ ઘણું સહન કરવું પડ્યું છે. ૨૦૩૦ સુધીમાં જો ખરેખર રક્તપિત્તનું નિવારણ કરવું હશે તો મારતે ઘોડે કામ કરવું પડશે. મુંબઈમાં આ રોગ સામે લડવા માટેની કામગીરી વિશે વાત કરતા ડૉ. વિવેક પૈ કહે છે, ‘મુંબઈમાં આ રોગ વિરુદ્ધ ૭૦ ટકા કામ NGO એટલે કે સમાજસેવી સંસ્થાઓ કરે છે. બાકીના ૩૦ ટકા કામ સરકાર કરે છે. સમજવાનું એ છે કે રક્તપિત્ત સમાજના ગરીબ અને કુપોષિત વર્ગમાં વધુ જોવા મળતો રોગ છે. મુંબઈમાં ૬૦ ટકા લોકો સ્લમમાં રહે છે. આ જગ્યાએ રહેતા લોકોમાં આ રોગ થવાની અને ફેલાવવાની શક્યતા ઘણી વધારે છે. આ કમ્યુનિટી મોટા ભાગે માઇગ્રેટેડ એટલે કે વિસ્થાપિત લોકોની હોય છે. એ જગ્યાઓએ જઈ-જઈને લોકોને ચેક કરી-કરીને નિદાન કરવું પડે છે, કારણ કે દરેક વ્યક્તિ નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર કે સરકારી હૉસ્પિટલ સુધી પહોંચતી નથી હોતી. એનાં લક્ષણો સ્કિન પર હોય છે અને એને લીધે પેઇન થતું નથી એટલે દરદી તાત્કાલિક ડૉક્ટર પાસે જાય એવું નથી હોતું. મેડિકલ સ્ટાફે ઘર-ઘર સુધી પહોંચવું પડે છે. બીજું એ કે આ રોગ અસાંસર્ગિક હોય ત્યારે ઇલાજ ૬ મહિના અને સાંસર્ગિક હોય ત્યારે ૧ વર્ષ ચાલે છે. જ્યારે વ્યક્તિ વિસ્થાપિત હોય ત્યારે એ અધૂરો ઇલાજ છોડી મુંબઈ બહાર જતા ન રહે એની જવાબદારી પણ આપણે લેવી પડે છે. ઇલાજ અધૂરો રાખીએ તો ઇન્ફેક્શન દૂર થાય નહીં એ સમજ આપણે એ લોકોમાં કેળવવી જરૂરી છે. મુંબઈમાં આ પ્રકારનું ઘણું કામ થયેલું છે, જે બીજાં શહેરો માટે રોલ મૉડલ સમાન છે.’

મુંબઈમાં રક્તપિત્તના હાલહવાલ
૨૦૧૭-’૧૮માં ૪૩૨ દરદીઓ
૨૦૧૮-’૧૯માં ૪૭૪ દરદીઓ
૨૦૧૯-’૨૦માં ૪૬૬ દરદીઓ
૨૦૨૦-’૨૧માં ૧૬૬ દરદીઓ
૨૦૨૧-’૨૨માં ૩૩૫ દરદીઓ

208,000
૨૦૨૨ના વર્ષમાં આખા વિશ્વમાં રક્તપિત્તના આટલા દરદીઓ નોંધાયા હતા.

 કોરોનામાં જે કેસનું સમયસર નિદાન ન થઈ શક્યું એને લીધે મુંબઈમાં ઘણા કેસ આજની તારીખે ઍડ્વાન્સ સ્ટેજના જ સામે આવી રહ્યા છે. અમુક કેસ એવા છે જે અમારી પાસે આવ્યા એ પહેલાં જ તેમનાં અંગોમાં વિકૃતિ આવી ગઈ છે. આ પરિસ્થિતિમાં તેમનો ઇલાજ ચાલુ કરીએ તો પણ તેમનાં અંગને પહેલાં જેવાં નહીં બનાવી શકાય.
ડૉ. વિવેક પૈ, ડિરેક્ટર, બૉમ્બે લેપ્રસી પ્રોજેક્ટ

સારવાર ક્યાં અને કેવી રીતે?
આ રોગ સાથે વર્ષોથી સ્ટિગ્મા એટલે કે લાંછન જોડાયેલું છે. કુષ્ઠરોગીઓને જોઈને ઘણા લોકોને ચીતરી ચડે છે એટલે બધા દૂર ભાગે છે. એ લાંછનને દૂર કરવા પણ વર્ષોથી પ્રયાસ ચાલુ છે. એનો ઇલાજ આમ તો સ્કિન સ્પેશ્યલિસ્ટ જેને ડર્મેટોલૉજિસ્ટ કહે છે એ ડૉક્ટર્સ કરે છે, પરંતુ દરેક ડર્મેટોલૉજિસ્ટ આ રોગનો ઇલાજ કરવા માટે તૈયાર નથી થતા. રક્તપિત્તનો દરદીઓને જોનારા ગણ્યા ગાંઠ્યા ડર્મેટ જ હોય છે. જો તેમની પાસે આ દરદીઓ જાય તો એ લોકો તેમને સીધી ના પાડી દે છે કે અમે રક્તપિત્ત ટ્રીટ નથી કરતા. આવું કેમ છે? શું રક્તપિત્તનો ઇલાજ બધા ડર્મેટ કરી ન શકે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. વિવેક પૈ કહે છે, ‘કરી તો શકે, પરંતુ ઘણા કરતા નથી. આ રોગ પ્રત્યે મેડિકલ ફ્રેટર્નિટીમાં પણ સ્ટિગ્મા છે તો સામાન્ય માણસનું તો શું કહેવું? એક રીતે તો સારું છે કે તેઓ સરકારી હૉસ્પિટલમાં દરદીને મોકલી આપે, કારણ કે ત્યાં તેમનો મફતમાં ઇલાજ થાય છે અને પૂરો ઇલાજ ન થાય ત્યાં સુધીનું ફૉલો-અપ પણ વ્યવસ્થિત થાય છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2023 11:28 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK