Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સરકારે મતદારયાદીનું કામ એક વાર ઇન્કમ-ટૅક્સ વિભાગને આપી દેવું જોઈએ; ક્યારેય કોઈનું નામ ગાયબ નહીં થાય

સરકારે મતદારયાદીનું કામ એક વાર ઇન્કમ-ટૅક્સ વિભાગને આપી દેવું જોઈએ; ક્યારેય કોઈનું નામ ગાયબ નહીં થાય

Published : 22 July, 2026 04:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મતદારયાદીમાંથી નામ ગાયબ થવાની સમસ્યા અને SIR પ્રક્રિયા વચ્ચે એક વ્યંગાત્મક પરંતુ ગંભીર પ્રશ્ન ઊભો થાય છે જ્યારે સરકાર ટૅક્સ માટે દરેક નાગરિકને શોધી શકે છે, ત્યારે મતદારયાદી કેમ વારંવાર ભૂલો કરે છે? લોકશાહી માટે આ મુદ્દો વિચારવા જેવો છે.

સરકારે મતદારયાદીનું કામ ઇન્કમ-ટૅક્સ વિભાગને આપવું જોઈએ; કોઈનું નામ ગાયબ ન થાય

સરકારે મતદારયાદીનું કામ ઇન્કમ-ટૅક્સ વિભાગને આપવું જોઈએ; કોઈનું નામ ગાયબ ન થાય


અત્યારે આપણે બધા જાણીએ છીએ કે હાલમાં ચૂંટણીપંચ દ્વારા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા ચાલુ છે અને આપણે એેનું અટપટું ફૉર્મ ભરવાની ચર્ચા અને ચિંતા બન્ને કરી રહ્યા છીએ. એવામાં લોકોના મનમાં એક સવાલ ઊભો થવો સ્વાભાવિક છે કે શું ઇલેક્શન કમિશન પાસે એવો કોઈ પ્રોગ્રામ નથી કે એક વાર મતદારની વિગતો ફિટ કરી દીધા પછી એમાં કોઈ બદલાવ ન આવે? કારણ કે જ્યારે જોઈએ ત્યારે મતદારયાદીમાં સુધારણાનું જ કામ ચાલુ હોય છે અને છતાં મતદારયાદીમાં અનેક છબરડાઓ બહાર આવતા હોય છે. 
આપણા દેશમાં એક વાતની તો દાદ આપવી જ પડે. સરકાર પાસે તમારી બીજી કોઈ માહિતી હોય કે ન હોય, પરંતુ જો સરકારે તમારી પાસેથી કોઈ ટૅક્સ લેવાનો બાકી રહી ગયો હશે તો તમને પૃથ્વીના પાતાળમાંથી પણ શોધી લાવશે અને એ પણ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)ની મદદ લીધા વિના. હવે જો કોઈ એમ કહે કે ‘મારે ટૅક્સ ભરવાનો આવતો જ નથી’ તો કાં તો તે બીજા ગ્રહથી આવેલો કોઈ એલિયન છે અથવા તો બિચારો ભારતીય ટૅક્સ-સિસ્ટમની માયાજાળથી સાવ અજાણ છે.
ભારતમાં ઇન્કમ-ટૅક્સ, ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST), પ્રૉપર્ટી-ટૅક્સ, રોડ-ટૅક્સ, સ્ટૅમ્પ-ડ્યુટી, કસ્ટમ્સ-ડ્યુટી, ટોલ-ટૅક્સ, પ્રોફેશન-ટૅક્સ, કૅપિટલ ગેઇન ટૅક્સ જેવા અનેક પ્રકારના ટૅક્સ છે. મનુષ્ય ગર્ભમાં પ્રવેશે ત્યાંથી લઈને તેના મૃત્યુ સુધી અને એ પછીની ક્રિયાઓમાં પણ ક્યાંક ને ક્યાંક સરકારને એના હિસ્સા તરીકે સીધા અથવા આડકતરા ટૅક્સ ચૂકવવા જ પડે છે.
 ગર્ભમાં રહેલા બાળકની સોનોગ્રાફી અને ગર્ભવતી માતાની દવાઓથી શરૂ થયેલી આ જીવનયાત્રામાં જન્મેલા બાળકની લંગોટ ખરીદવાથી લઈને પાર્થિવ દેહને પહેરાવવામાં આવતાં સફેદ કપડાં સુધીની દરેકેદરેક ક્ષણમાં GSTરૂપી ટૅક્સ તમારા સાચા હમસફરની જેમ તમારી સાથે ને સાથે જ રહે છે. પછી ભલે ગાડીમાં પેટ્રોલ ભરાવો, મોબાઇલ રીચાર્જ કરો, ઑનલાઇન શૉપિંગ કરો, વીજળીનું બિલ ભરો, રેસ્ટોરાંમાં પનીર ટિકા ખાઓ, મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જુઓ કે પછી પાંચ રૂપિયાનું પાર્લે-જી બિસ્કિટ ખરીદો; સરકાર ટૅક્સ લીધા વગર તમને કોઈ વસ્તુ વાપરવા દેતી નથી. સરકારને કદાચ તમારો મત પાંચ વર્ષે એક વાર યાદ આવે, પરંતુ ટૅક્સ ચૂકવવાની વાત આવે ત્યારે તમે વર્ષના ૩૬૫ દિવસ સિસ્ટમમાં એકદમ જીવંત અને સક્રિય દેખાઓ છો.
અને હવે આવે છે સૌથી મજેદાર વાત. આજ સુધી તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ માણસ ઇન્કમ-ટૅક્સનું રિટર્ન ભરવા ગયો હોય અને ત્યાં સિસ્ટમે એવું કહ્યું હોય કે ‘સાહેબ... સૉરી, અમારી સિસ્ટમમાંથી આ વર્ષે તમારું નામ ગાયબ થઈ ગયું છે એટલે આ વખતે ટૅક્સ ભરવાની જરૂર નથી!’ કે પછી ક્યારેય GST પોર્ટલ પર એવો મેસેજ આવ્યો છે કે ‘અભિનંદન! તમારો GST નંબર આપોઆપ ડિલીટ થઈ ગયો છે, જલસા કરો’ અથવા પ્રૉપર્ટી-ટૅક્સ વિભાગ સામેથી ફોન કરીને કહે કે ‘સાહેબ, તમારી મિલકતનો રેકૉર્ડ મળતો નથી એટલે આ વર્ષનો ટૅક્સ માફ!’
 આવું મધુર સપનું જોવાની હિંમત પણ કોઈ ટૅક્સપેયર કરી શકતો નથી, કારણ કે સરકારના ટૅક્સ વિભાગોની યાદીમાં એક વાર નામ ચડી ગયું એટલે એ અમર થઈ ગયું. ક્યારેક તો આ સિસ્ટમ LICવાળો ‘ઝિંદગી કે સાથ ભી, ઝિંદગી કે બાદ ભી’ નિયમ અપનાવે છે. માણસ ગુજરી જાય તોય તેનું આખરી રિટર્ન તો ભરવું જ પડે છે! સરનામું, મોબાઇલ નંબર, શહેર કે નોકરી બદલાય... બધું બદલાઈ શકે, પણ ટૅક્સ વિભાગને તમારું અસ્તિત્વ ભુલાતું નથી. જો ભૂલેચૂકે પણ મોડા પડ્યા તો સ્માર્ટ લવ-લેટર જેવી નોટિસ હાજર થઈ જાય છે.
 પણ બસ... આખી વાતમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે વાત મતદારયાદીની થાય. જાણે મતદારયાદીનું નામ સાંભળતાં જ આખી સિસ્ટમને અચાનક ગંભીર ઑલ્ઝાઇમર્સ થઈ જાય છે. પાંચ વર્ષ પહેલાં તમે એ જ બૂથ પર જઈને આંગળીએ શાહી લગાડી હોય, તમે એ જ ઘરમાં રહેતા હો, આધાર નંબર પણ એ જ હોય... છતાં મતદાનના દિવસે સવારે ખબર પડે કે મતદારયાદીમાંથી તમારું નામ તો જાણે હિમાલય પર તપ કરવા નીકળી ગયું છે.
 ઘણા લોકો માટે તો ચૂંટણીનો અનુભવ મતદાન કરવાની નહીં, કરોડોની ભીડમાં મારું નામ ક્યાં છે? એ શોધવાની જાસૂસી રમત બની જાય છે. જાણે ચૂંટણીપંચે દેશવ્યાપી ફાઇન્ડ યૉર નેમ ચૅલેન્જ શરૂ કરી હોય. સોશ્યલ મીડિયા પર દર ચૂંટણી વખતે એક જ ફરિયાદ જોવા મળે છે : ગઈ વખતે મત આપ્યો હતો, આ વખતે નામ જ ગાયબ છે. વર્ષ આખું મતદારયાદી સુધારણાના કાર્યક્રમો ચાલતા જ રહે છે છતાં નામ ગુમ થવાના ચમત્કારો અટકતા નથી. ઘણી જગ્યાએ તો આખા પરિવારના સભ્યોનાં નામ યાદીમાં હોય, પણ ઘરના એક જ સભ્યનું નામ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હોય.
આ સમસ્યાનો એક જ ઉપાય છે કે સરકારે આને એક પાઇલટ પ્રોજેક્ટ જાહેર કરીને આગામી ચૂંટણીમાં મતદારયાદીનું મૅનેજમેન્ટ ઇન્કમ-ટૅક્સ વિભાગને સોંપી દેવું જોઈએ. પછી જુઓ ચમત્કાર. જે નાગરિક બપોર સુધી મતદાન કરવા નહીં ગયો હોય તેને ધડાધડ મેસેજ આવશે : પ્રિય કરદાતા, સૉરી... પ્રિય મતદાર, તમે આજે હજી સુધી મતદાન કર્યું નથી. તમારું પોલિંગ-બૂથ ૨૦૦ મીટર દૂર છે અને લાઇન નથી, કૃપા કરીને વહેલી તકે પધારો.’ આનો ફાયદો એ થશે કે ફરજના નામે સ્વેચ્છાએ કે જબરદસ્તી ટૅક્સ ભરતા નાગરિકોને એમ તો થશે કે અમારું નામ મતદારયાદીમાં છે અને સરકાર અમને અમારા અધિકારો બાબતે પણ સૂચનાઓ આપી રહી છે.
અંતિમ વિચાર : મતદાન એ દરેક નાગરિકનો સર્વોચ્ચ બંધારણીય અધિકાર છે અને એ અધિકારની શરૂઆત મતદારયાદીથી થાય છે. જો લોકશાહીનો મુખ્ય દરવાજો જ ગાયબ થઈ જાય તો નાગરિક અંદર પ્રવેશે કઈ રીતે? ટૅક્સ લેતી વખતે જેમ નાગરિકનું અસ્તિત્વ ભુલાતું નથી; બસ, એવી જ યાદશક્તિ ચૂંટણીપંચ પણ કેળવે તો જ લોકશાહી સાચા અર્થમાં મજબૂત બનશે.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2026 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK